You are here
Home > Prachar News > દલિત વિસ્તારની સોસાયટીઓના વરસાદી પાણીના નિકાલ માટે સાંસદ જયશ્રીબેન રેલ્વે નાળા માટે રજુઆત કરશે ખરા?

દલિત વિસ્તારની સોસાયટીઓના વરસાદી પાણીના નિકાલ માટે સાંસદ જયશ્રીબેન રેલ્વે નાળા માટે રજુઆત કરશે ખરા?

દલિત વિસ્તારની સોસાયટીઓના વરસાદી પાણીના નિકાલ માટે
સાંસદ જયશ્રીબેન રેલ્વે નાળા માટે રજુઆત કરશે ખરા?

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મોટા સમાજના વગદાર વ્યક્તિઓની રજુઆતથી તે સમાજના કામ તાત્કાલીક થઈ જાય છે. જ્યારે સમાજના દબાયેલા, ચંપાયેલા વર્ગોના પડતર પ્રશ્નોનો નિકાલ વર્ષો બાદ પણ થતો નથી. દલિત સમાજની સોસાયટીઓના વરસાદી પાણીના નિકાલ માટે રેલ્વે નાળુ બનાવવા ધારાસભ્ય સમક્ષ રજુઆત કરવામાં આવી છે. પરંતુ કેન્દ્ર સરકારના વિભાગનુ કામ હોઈ રેલ્વે નાળુ મંજુર કરાવવા ધારાસભ્ય સક્ષમ નથી. ત્યારે લોકસભાની ચુંટણી વખતેજ દેખાતા સાંસદ જયશ્રીબેન પટેલ દલિત સમાજના પ્રશ્ન માટે રેલ્વે મંત્રાલયમાં રજુઆત કરશે ખરા?
વિસનગરમાં કાંસા એન.એ.વિસ્તારમાં ગુરૂકુળ રોડ ઉપર આવેલ દલિત સમાજની સોસાયટીઓમાંથી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. આ વિસ્તારમાં બીલ્ડરોને સોસાયટીઓ બાધવા આડેધડ મંજુરી આપતા અત્યારે લોકો હેરાન થઈ રહ્યા છે. ચોમાસામાં દલિત સમાજની સોસાયટી વિસ્તારમાં પાણી ભરાતા નર્કાગાર પરિસ્થિતિ સર્જાય છે. બે-ત્રણ ઈંચ સામટો વરસાદ પડે તો દલિત સમાજની કેટલીક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ જાય છે. દલિત સમાજના એક આગેવાને રોષ વ્યક્ત કર્યો હતો કે આ પ્રશ્ન જો કોઈ મોટા સમાજનો હોય તો તેતો તાત્કાલીક નિકાલ થઈ ગયો હોત. દલિત સમાજના મત લેવા માટે નેતાઓ ખોળા પાથરે છે. પરંતુ કામ કરવાનુ થાય, ત્યારે મોં ફેરવે છે.
દલિત વિસ્તારની સોસાયટીઓનુ ચોમાસુ પાણી શ્રીનાથ, ગાયત્રી, વિવેકનગર સોસાયટીની પાછળ આવેલ એક નાના તળાવમાં ભરાય છે. જે તળાવમાંથી આગળ પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી. તળાવ ભરાયા બાદ જો વધારે વરસાદ આવે તો સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે. સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ હોય તો તે છેકે, તળાવની પાસેથી પસાર થતા રેલ્વે ટ્રેક નીચે રેલ્વે નાળુ બનાવી આ પાણીનો મહેસાણા રોડ ઉપર આવેલ સધીમાતાના મંદિર પાસેના તળાવમાં નિકાલ કરવામાં આવે. અત્યારે મહેસાણા-તારંગા બ્રોડગેજ રેલ્વે લાઈનનુ કામ ચાલી રહ્યુ છે ત્યારે આ કામગીરી સાથે રેલ્વે નાળુ મંજુર કરવામાં આવે તો સોસાયટીઓમાંથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકે.
આ બાબતે ધારાસભ્ય ઋષિભાઈ સમક્ષ રજુઆત કરવામાં આવી છે. પરંતુ કેન્દ્ર સરકારના રેલ્વે વિભાગનો પ્રશ્ન હોઈ ધારાસભ્યની રજુઆતથી રેલ્વે નાળુ બને તે શક્ય નથી. આ બાબતે સાંસદ જયશ્રીબેન પટેલ રસ દાખવે તો રેલ્વે નાળુ મંજુર થાય તેમ છે. લોકસભાની ચુંટણી બાદ સાંસદ જયશ્રીબેન પટેલ કાર્યક્રમો સીવાય વિસનગરમાં ક્યારેય જોવા મળતા નથી. લોકસભાની ચુંટણીમાં મત માગવા માટે વિસનગરમાં આપવાનુ ચુકતા નથી. દલિત સમાજ જેવા દબાયેલા કચડાયેલા વર્ગોનુ તંત્ર સાંભળતુ નહી હોવાથી ઉંઝાના ભાનુભાઈ વણકર જેવા સમાજસેવીઓને આત્મવિલોપન કરવાની ફરજ પડે છે. ત્યારે સાંસદ જયશ્રીબેન પટેલ ગુરૂકુળ રોડની દલિત વિસ્તારની સોસાયટીમાં ભરાતા વરસાદી પાણીના પ્રશ્ન માટે રેલ્વે મંત્રાલયમાં રજુઆત કરશે ખરા કે દલિત સમાજે આંદોલન કરવુ પડશે?

Leave a Reply

Top