You are here
Home > News > ગઠબંધનના શાસનમાં ચાર ચીફ ઓફીસર બદલાયા

ગઠબંધનના શાસનમાં ચાર ચીફ ઓફીસર બદલાયા

ગઠબંધનના શાસનમાં ચાર ચીફ ઓફીસર બદલાયા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પાટીદાર અનામત આંદોલન બાદ ગઠબંધનના સભ્યોએ મેળવેલી સત્તા પચાવી નહી શકતા અપચાની આડઅસરો ચીફ ઓફીસર ઉપર વર્તાઈ રહી છે. ગઠબંધનના ફક્ત સવા બે વર્ષના શાસનમાં ચાર ચીફ ઓફીસર બદલાઈ ગયા છે. ઈન્ચાર્જ ચીફ ઓફીસર જયેશભાઈ પટેલ પાસેથી ચીફ ઓફીસરનો ચાર્જ પરત લેવામાં આવતા આ ઈન્ચાર્જ ચીફ ઓફીસરનો કાંટાળો તાજ મામલતદાર એ.એન.સોલંકીને આપવામાં આવ્યો છે. સીધા સાદા મામલતદાર ડખા પંચકવાળો પાલિકાનો વહીવટ કરી શકે છેકે નહી તે જોવાનુ રહ્યુ.
વિસનગર પાલિકામાં વર્ષ ૨૦૧૫ ના ડીસેમ્બર માસમાં વિકાસમંચ અને કોંગ્રેસના ગઠબંધને સત્તા સંભાળી હતી. ગઠબંધને સત્તા સંભાળતાની સાથેજ શરૂઆતમાં સભ્યો અને સંકલન સમીતી વચ્ચે કમીટીઓની વહેચણીમાં ઘર્ષણ થયુ. ત્યારબાદ સભ્યો વચ્ચેનો વિખવાદ વધ્યો. ચીફ ઓફીસર સરકારના કર્મચારી હોવાથી એક બાજુ ભાજપના ધારાસભ્યનુ પ્રેશર તો બીજી બાજુ ધારાસભ્ય વિરોધી પાલિકા સભ્યનુ પ્રેશર. આવા ધારાસભ્ય અને સભ્યો વચ્ચે સેન્ડવીચ બની કામ કરવુ ન પડે તે માટે સૌપ્રથમ ચીફ ઓફીસર પી.જી.રાયચંદાણીએ બદલી માગી. જેમની બદલી થતા મહેસાણાના ચીફ ઓફીસર નવનીતભાઈ પટેલને ઈન્ચાર્જ ચીફ ઓફીસરનો ચાર્જ આપવામાં આવ્યો ત્યારે કલ્પેશભાઈ ભટ્ટની વિસનગર પાલિકામાં કાયમી ચીફ ઓફીસરની જવાબદારી સોપવામાં આવી. ગઠબંધનના સભ્યોના અંદરોઅંદરના વિખવાદથી કંટાળી ચીફ ઓફીસર કલ્પેશભાઈ ભટ્ટે પણ બદલી કરાવી વિસનગર પાલિકાનો ચાર્જ છોડ્યો. ચીફ ઓફીસર કલ્પેશભાઈ ભટ્ટની બદલી થતા વિજાપુર પાલિકાના ચીફ ઓફીસર જયેશભાઈ પટેલને વિસનગર પાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફીસરનો ચાર્જ આપવામાં આવ્યો. ઈન્ચાર્જ ચીફ ઓફીસર જયેશભાઈ પટેલનો રૂઆબ એવો હતો કે તેમની ચેમ્બરમાં સભ્યો જતા ડરતા હતા. ચીફ ઓફીસરને ભાજીમુળા સમજનાર સભ્યોને ચીફ ઓફીસર શુ હોય તેનુ ભાન કરાવ્યુ હતુ. પરંતુ ઈન્ચાર્જ ચીફ ઓફીસર જયેશભાઈ પટેલની કેટલીક વિવાદિત કામગીરી અને પ્રાન્ત ઓફીસર વી.જી.રોર સાથેનો ખટરાગ નડ્યો. જેમાં જયેશભાઈ પટેલ પાસેથી ઈન્ચાર્જ ચીફ ઓફીસરનો ચાર્જ પરત લેવાયો અને આ જવાબદારી વિસનગર મામલતદાર એ.એન.સોલંકીને આપવામાં આવી.
ઈન્ચાર્જ ચીફ ઓફીસર જયેશભાઈ પટેલ ઉપર વિજાપુર પાલિકાની કામગીરીનુ ભારણ હોવા છતા દિવસમાં બે કલાક વિસનગર પાલિકામાં હાજરી આપતા હતા. જ્યારે મામલતદાર એ.એન.સોલંકી ઉપર આખા તાલુકાની જવાબદારી છે. જેમની ઉપર કામગીરીનુ એટલુ ભારણ છેકે સવારથી ઓફીસ આવી જતા હોવા છતા મોડી સાંજ સુધી કામ કરવા છતા મામલતદાર ઓફીસની કામગીરી પુર્ણ કરી શકતા નથી. વળી મામલતદારે નાયબ મામલતદારમાંથી પ્રમોશન મેળવ્યુ છે. જેમણે પાલિકા વહિવટનો કોઈ અનુભવ નથી. વળી મામલતદાર સ્વભાવના સરળ અને શાંત પ્રકૃતીના છે. ત્યારે ચીફ ઓફીસરનો કાંટાળો તાજ પહેરનાર મામલતદાર પાલિકાનો વહિવટ કરી શકે છેકે નહી તે એક પ્રશ્ન છે. વિસનગર પાલિકાના કાયમી ચીફ ઓફીસરનુ કોકડુ એવુ ગુંચવાયુ છેકે કાયમી ચીફ ઓફીસર ક્યારે આવશે એક પ્રશ્ન છે?

Leave a Reply

Top