You are here
Home > News > રોટરી ક્લબ અને સિનિયર સિટીઝન્સ કાઉન્સીલના પ્રયત્નોથી – વિસનગરમાં ૧૪ સિનિયર સિટીઝન્સે દેહ દાનનો સંકલ્પ કર્યો

રોટરી ક્લબ અને સિનિયર સિટીઝન્સ કાઉન્સીલના પ્રયત્નોથી – વિસનગરમાં ૧૪ સિનિયર સિટીઝન્સે દેહ દાનનો સંકલ્પ કર્યો

રોટરી ક્લબ અને સિનિયર સિટીઝન્સ કાઉન્સીલના પ્રયત્નોથી
વિસનગરમાં ૧૪ સિનિયર સિટીઝન્સે દેહ દાનનો સંકલ્પ કર્યો

સમાજ સેવા કરતા સિનિયર સિટીઝનોની

મૃત્યુ બાદ પણ સમાજ સેવાની ભાવના

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સિનિયર સિટીઝન્સ કાઉન્સીલ વિસનગરના કેટલાક સભ્યો સમાજ સેવામાં મહત્વનુ યોગદાન આપી રહ્યા છે. ત્યારે મૃત્યુ બાદ પણ પોતાના નસ્વર દેહથી સમાજ સેવા થઈ શકે તેવી ઉદાત ભાવના થકી સિનિયર સિટીઝન્સ કાઉન્સીલના ૧૪ સભ્યોએ દેહદાનના સંકલ્પ પત્ર ભરી સમાજ સેવાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. એક સાથે ૧૪ સિનિયર સિટીઝન્સે દેહદાનની જાહેરાત કરી હોય તેવો ગુજરાતમાં આ પ્રથમ બનાવ હશે.
નિવૃત્તી બાદનુ શેષ જીવન નિરાશામય નહી પરંતુ પ્રવૃત્તિશીલ તેમજ આનંદ પ્રમોદવાળુ બની રહે તે માટે સિનિયર સિટીઝન્સ કાઉન્સીલ વિસનગર દ્વારા સિનિયર સિટીઝન્સના હિતમાં ખુબજ મહત્વનુ કામ કરવામાં આવી રહ્યુ છે. આ સંસ્થા દ્વારા ફક્ત સિનિયર સિટીઝન્સના હિતમાં નહી પરંતુ સમાજના હિતમાં પણ વિવિધ મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રોટરી ક્લબ ઓફ વિસનગર અને સિનિયર સિટીઝન્સ કાઉન્સીલના ઉપક્રમે તેમના પ્રયત્નોથી સમાજના હિતમાં જે જાહેરાત કરવામાં આવી છે તે ખરેખર અન્ય સિનિયર સિટીઝન્સ માટે માર્ગદર્શકરૂપ બની રહેશે. વિસનગરની આ સંસ્થાના કુલ ૩૫૦ સભ્યો છે. જેમાંથી ૧૪ સભ્યોએ દેહદાન માટે સંકલ્પ પત્ર ભરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. પોતાના જીવન દરમ્યાન મૃત્યુ પછીના ક્રિયાકર્મની વાતો કરવામાં મોટાભાગના લોકો ખચકતા હોય છે. ત્યારે દેહદાનનો સંકલ્પ કરી આ સમાજસેવીઓએ એ સાબીત કરી બતાવ્યુ છેકે મનમાં સમાજ સેવાની પ્રબળ ભાવના હોય તેજ આ કાર્ય કરી શકે છે. સિનિયર સિટીઝન્સ કાઉન્સીલના સભ્ય (૧) બોબડે આનંદરાય ધોડીબા (૨) ચૌધરી લાલજીભાઈ કાળુભાઈ (૩) પટેલ જયંતિભાઈ સોમાભાઈ (૪) શ્રીમતી પટેલ તારાબેન જયંતિભાઈ (૫) પટેલ ગોરધનભાઈ ચતુરભાઈ (૬) ર્ડા.જ્યોતિન્દ્ર નટવરલાલ ઝવેરી (૭) પટેલ નાથાલાલ મોહનલાલ (૮) શ્રીમતી પટેલ ડાહીબેન નાથાલાલ (૯) પટેલ રવિન્દ્રભાઈ હરગોવનદાસ (૧૦) શ્રીમતી પટેલ લક્ષ્મીબેન રવિન્દ્રભાઈ (૧૧) પટેલ ગુણવંતલાલ અંબાલાલ (૧૨) પટેલ હરગોવનભાઈ પ્રભુદાસ (૧૩) ચૌધરી ધનજીભાઈ વેલજીભાઈ તથા (૧૪) પટેલ અંબાલાલ રણછોડદાસે દેહદાન માટે સંકલ્પ પત્ર ભર્યા છે. જેમના વાલી વારસોએ પણ સંકલ્પ પત્રમાં સંમતી આપી તેમના સ્વજનના સમાજ સેવાના નિર્ણયને આવકાર્યો છે.
જે સંસ્થાના સિનિયર સિટીઝન્સે આ સંકલ્પ પત્ર ભર્યા તે સંસ્થાના પ્રમુખ અને દેહદાનનુ સંકલ્પ પત્ર ભરનાર ર્ડા.જે.એન. ઝવેરીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, રાજ્યમાં મેડીકલ કોલેજો વધતી જાય છે. એમ.બી.બી.એસ.ના ફર્સ્ટ ઈયરમાં એનાટોમી સબ્જેક્ટમાં વિદ્યાર્થીઓને હ્યુમન બોડીની જરૂર પડે છે. ત્યારે એમ.બી.બી. એસ.ના વિદ્યાર્થીઓને હ્યુમન બોડી મળતી નથી. જે માટે વિસનગર સિનિયર સિટીઝન્સ કાઉન્સીલ દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં રોટરી ક્લબ ઓફ વિસનગરનો પણ સહકાર મળી રહ્યો છે. આપણે ત્યાં અગ્ની સંસ્કાર કે દફન જેવી અંત્યેષ્ઠિ વિધિ કરીને માનવદેહને પંચમહાભૂતને હવાલે કરવાની પ્રથા છે. આ વિધિના કારણે મૃત્યુ બાદ માનવ દેહનો ઉપયોગ નિરર્થક બની જાય છે. હિન્દુ ધર્મમાં મૃત્યુ બાદ અગ્ની સંસ્કાર કરવાથી મુક્તી મળે છે તેવી માન્યતા છે. પરંતુ અગ્ની સંસ્કાર કરવાથી માટીમાં માટી મળી જાય છે એનાથી વધારે કંઈ નથી. સંસ્થાની માસીક સભામાં અગાઉ દેહદાન માટે પ્રેરણાત્મક પ્રવચન કરાયુ હતુ. જેમાંથી પ્રેરણા લઈ સંસ્થાના સમાજસેવી સભ્યોએ દેહદાનના સંકલ્પ પત્ર ભર્યા છે. જે ૧૪ દેહ દાતાઓનુ સન્માન તા.૨૫-૩-૨૦૧૮ ના રોજ રોટરી ભવન ખાતે મળેલ સભામાં કરવામાં આવ્યુ હતુ. સન્માનના પ્રતિક તરીકે આ દેહદાતાઓને અર્પણ કરવામાં આવેલ શાલો આ ૧૪ દેહદાતાઓમાના એક એવા ગોરધનભાઈ ચતુરભાઈ પટેલ તરફથી આપવામાં આવી હતી. મહેસાણા જેસીસના સહયોગથી આ સંકલ્પ કરવામાં આવ્યો છે. જેમના દ્વારા બોડી લઈ જવાની અને જરૂર પડે ત્યાં મેડીકલ કોલેજમાં પહોચતી કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓના હિતમાં, સમાજના હિતમાં દેહદાનની જાહેરાત કરનાર આ સમાજ સેવક સિનિયર સિટીઝન્સને પ્રચાર સાપ્તાહિક પરિવારના નત મસ્તક વંદન.

Leave a Reply

Top