વાડી રે વાડી, શુ છે દલા તલવાડી – રીંગણા લઉ બે ચાર, લો ને ભઈ દશ બાર વાલમ દુધ મંડળીમાં રૂા.૮.૩૫ લાખની ઉચાપત

વાડી રે વાડી, શુ છે દલા તલવાડી – રીંગણા લઉ બે ચાર, લો ને ભઈ દશ બાર વાલમ દુધ મંડળીમાં રૂા.૮.૩૫ લાખની ઉચાપત

News, Prachar News No Comments on વાડી રે વાડી, શુ છે દલા તલવાડી – રીંગણા લઉ બે ચાર, લો ને ભઈ દશ બાર વાલમ દુધ મંડળીમાં રૂા.૮.૩૫ લાખની ઉચાપત

વાડી રે વાડી, શુ છે દલા તલવાડી – રીંગણા લઉ બે ચાર, લો ને ભઈ દશ બાર
વાલમ દુધ મંડળીમાં રૂા.૮.૩૫ લાખની ઉચાપત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સહકારી મંડળીઓમાં સભ્યો વિશ્વાસ રાખી મંડળીના વહિવટ માટે હોદ્દેદારોની નિમણુંક કરી જવાબદારી આપે છે. ત્યારે વહિવટ હાથમાં લીધા બાદ હોદ્દેદારો પોતાની પેઢીની જેમ વહિવટ કરી નાણાં ચ્યાઉ કરવામાં શરમ અનુભવતા નથી. વિસનગર તાલુકાના વાલમ ગામની દુધ મંડળીમાં વાડી રે વાડી, સુછે દલા તલવાડી – રીંગણા લઉ બે-ચાર – લોને ભઈ દશ બારની જેમ મંડળીના પ્રમુખ, કર્મચારીઓ અને મંત્રી મંડળીના રૂપિયા પોતાના અંગત કામ માટે વાપરી હંગામી તેમજ કાયમી ઉચાપત કરતા જીલ્લા રજીસ્ટ્રારના હુકમથી મંડળીના ચાર કર્મચારીઓ વિરુધ્ધ રૂા.૮,૩૫,૪૫૩ ની છેતરપીંડીની ફરિયાદ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિસનગર તાલુકાની વાલમ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.નું તા.૧-૧૦-૧૫ થી ૩૧-૩-૧૭ સુધીનુ ઓડીટર એચ.જી.રાવલ ઓડીટર ગ્રેડ-૨, સ.મં.(દુધ) ખેરાલુ દ્વારા ઓડીટ કરવામાં આવ્યુ હતુ. જે ઓડીટમાં દુધ મંડળીના હોદ્દેદારો દ્વારા ગંભીર નાણાંકીય ગેરરીતી આચરી હોવાનુ જાણવા મળ્યુ હતુ. ઓડીટના અહેવાલ પ્રમાણે તા.૧-૧૦-૧૫ થી ૩૧-૩-૧૭ ના સમયમાં મંડળીના પ્રમુખ અજયભાઈ ઈશ્વરભાઈ પટેલ દ્વારા મહેસાણા જીલ્લા મધ્યસ્થ સહ.બેંક વાલમ શાળામાંથી રૂા.૨,૫૦,૦૦૦ ઉપાડી તેમના ખાતે ઉધાર્યા હતા. જે રકમ અલગ અલગ તારીખોએ મંડળીમાં જમા કરાવી હતી. ત્યારબાદ પ્રમુખે વ્યવસ્થાપક કમીટીના સભ્યોની સહીથી રૂા.૧,૫૦,૦૦૦ બેંકમાંથી ઉપાડી, રોજમેળમાં લોન ધિરાણ વ્યાજ ખાતે ઉધાર્યા હતા. જે બેંકમાં જમા કરાવ્યા હતા. મંડળીમાં ધિરાણ કરવાની કોઈ જોગવાઈ ન હોવા છતા મંડળીના બેંક ખાતામાંથી ઉપાડ કરી પોતાના અંગત લાભ માટે વાપર્યા હતા. આમ મંડળીના પ્રમુખે રૂા.૪,૦૦,૦૦૦ ની હંગામી ઉચાપત કરી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો.
મંડળીમાં પટેલ રમેશભાઈ ભાણજીભાઈએ તા.૮-૧૧-૧૬ થી ૯-૧-૧૭ સુધી વેચાણ ક્લાર્ક તરીકે ફરજ નીભાવતા હતા. જેમના સમય દરમ્યાન સાગરદાણ, સાગર ઘી તેમજ સ્થાનીક દુધનુ કુલ રૂા.૧૧,૦૪,૯૮૩ નુ વેચાણ થયુ હતુ. જેમાં વેચાણ ક્લાર્ક રૂા.૭,૩૯,૪૬૦ જમા કરાવ્યા હતા. જ્યારે રૂા.૩,૬૫,૫૨૩ બાકીના જમા નહી કરાવી રોજમેળમાં વેચાણ ક્લાર્કના ખાતે ઉધાર્યા છે. જે સંદર્ભે વેચાણ ક્લાર્કે ઓડીટર સમક્ષ નિવેદન આપ્યુ છેકે, મંત્રીના કહેવાથી કામગીરી સંભાળતો હતો. જેમાં રૂા.૪૧,૦૦૦ મંત્રીને આપ્યા છે. હાલમાં નાણાં ભરી શકુ તેમ નથી. કોર્ટમાં કેસ થાય ત્યારે રકમ ભરવા સંમત છીએ. વેચાણ ક્લાર્કની ઉચાપત સામે વ્યવસ્થાપક કમીટી દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નહોતા અને એકબીજાની ગેરરીતી છાવરવામાં આવી હતી.
મંડળીમાં પટેલ પોપટભાઈ પ્રભુદાસે તા.૧૦-૧-૧૭ થી ૩૧-૩-૧૭ સુધી વેચાણ ક્લાર્ક તરીકે ફરજો નિભાવી હતી. જે સમય દરમ્યાન સાગરદાણ, સાગર ઘી અને સ્થાનીક દુધનુ રૂા.૧૦,૨૩,૧૦૦/- નુ વેચાણ થયુ હતુ. જેમાંથી રૂા.૮,૪૫,૭૭૦ બેંકમાં જમા કરાવ્યા હતા. જ્યારે રૂા.૧,૦૫,૪૦૦ મંત્રી પાસે જમા કરાવ્યા હતા. બાકીની રકમ રૂા.૬૯,૯૩૦ જમા નહી કરાવી રોજમેળમાં વેચાણ ક્લાર્કના ખાતે ઉધાર્યા હતા. ઓડીટર સમક્ષના નિવેદનમાં વેચાણ ક્લાર્ક બાકીના રૂપિયા પોતાના અંગત કામમાં વાપર્યા હોવાનુ નિવેદન આપ્યુ હતુ. જે રકમ હાલમાં ભરી શકવા સક્ષમ ન હોઈ ૬૦ દિવસમાં રકમ જમા કરાવવાની ખાત્રી આપી હતી. આમ ઓડીટમાં કાયમી અને હંગામી ઉચાપત થયાનુ જણાઈ આવેલ છે. દુધ ભરાવાના સમયે મંડળીમાં હાજરી આપવાની, નાણાંકીય લેવડ દેવડ ઉપર ધ્યાન રાખવાની, કર્મચારીઓ ઉપર દેખરેખ રાખવાની જવાબદારી મંત્રીની છે. ત્યારે મંત્રીએ તેમની ફરજમાં નિષ્કાળજી દાખવી ગેરરીતી કરતા કર્મચારીઓને ખોટી રીતે છાવર્યા હતા.
ઓડીટ દરમ્યાન મંડળીમાં નાણાંકીય ગેરરીતી જણાતા જીલ્લા રજીસ્ટ્રાર પ્રતિકભાઈ એસ.ઉપાધ્યાયે ઉચાપત કરનાર પ્રમુખ, મંત્રી તથા કર્મચારીઓ વિરુધ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે હુકમ કર્યો હતો. જે અનુસાર આર.પી.બ્રહ્મભટ્ટ સહકારી અધિકારી ગ્રેડ-૧(દુધ) જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ દ્વારા વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદ મળતા પોલીસે વાલમ દુધ મંડળીના પ્રમુખ પટેલ અજયભાઈ ઈશ્વરભાઈ, વેચાણ ક્લાર્ક પટેલ રમેશભાઈ ભાણજીભાઈ અને પટેલ પોપટભાઈ પ્રભુદાસ તથા મંત્રી પટેલ હાર્દિકભાઈ જશવંતભાઈ વિરુધ્ધ રૂા.૮,૩૫,૪૫૩ ની ઉચાપત તથા છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a comment

Back to Top