
સ્ટેટ ડીઝાસ્ટર વિભાગની મદદથી વિસનગર ફતેહ દરવાજાના ભયગ્રસ્ત મકાનો ઉતારવામાં આવ્યા
News, Prachar News April 9, 2018 No Comments on સ્ટેટ ડીઝાસ્ટર વિભાગની મદદથી વિસનગર ફતેહ દરવાજાના ભયગ્રસ્ત મકાનો ઉતારવામાં આવ્યાસ્ટેટ ડીઝાસ્ટર વિભાગની મદદથી વિસનગર ફતેહ દરવાજાના
ભયગ્રસ્ત મકાનો ઉતારવામાં આવ્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર ફતેહ દરવાજા વિસ્તારમાં એક ખડકીમાં જમીન બેસી જતા ખડકીના મકાનોને ભારે નુકશાન થયુ હતુ. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલની રજુઆતથી સ્ટેટ ડીઝાસ્ટર વિભાગ દ્વારા ભયગ્રસ્ત મકાનો ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વિસનગરમાં ફતેહ દરવાજા વિસ્તારમાં આવેલ રામનારાયણની ખડકીમાં બપોરના સમયે અચાનક જમીનનો ભાગ દબાતા આ ખડકીમાં આવેલા આઠ મકાનો ભયગ્રસ્ત થયા હતા. જમીન બેસી જવાના કારણે ખડકીના ત્રણ મકાનો નમી ગયા હતા. જે બનાવ બનતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ, પ્રાન્ત વી.જી.રોર, ઈન્ચાર્જ ચીફ ઓફીસર મામલતદાર એ.એન.સોલંકી, આ વિસ્તારના સભ્યો વિગેરેએ સ્થળની મુલાકાત લીધી હતી. જમીન દબાવાના કારણે ભયગ્રસ્ત મકાનો ઉતારવા માટે પાલિકા તંત્ર પાસે ટેકનીકલ સ્ટાફ નહી હોવાથી ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા આ બાબતે સ્ટેટ ડીઝાસ્ટરને જાણ કરવામાં આવી હતી. ત્યારે બનાવના બે દિવસ બાદ ઈન્ચાર્જ ચીફ ઓફીસર, વિસનગર પાલિકાના પ્લાનીંગ આસીસ્ટન્ટ સુરેશભાઈ જે.રાવળ, જયદેવસિંહ એલ.પરમારની દેખરેખમાં પોલીસ પ્રોટેક્શન સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એપ્રુવ કોન્ટ્રાક્ટર પ્રહેલાદભાઈ પટણીની ટીમ દ્વારા ભયગ્રસ્ત મકાન ઉતારવાનુ કામ શરૂ કરવામાં આવ્યુ હતુ. હાલમાં ત્રણેય મકાનનો પ્રથમ મજલો ઉતારી દેવામાં આવ્યો છે. ત્રણેય મકાનો જમીન લેવલ સુધી ઉતાર્યા બાદ કયા કારણે જમીન દબાઈ હતી તેની તપાસ કરવા ભુગર્ભમાં ખોદકામ કરવામાં આવશે.
Leave a comment