You are here
Home > News > તાલીમ દરમિયાન શિક્ષકોને રૂા.૪૦ ના બદલે રૂા.૨૦ નાસ્તો અપાતા હોબાળો – વિસનગર તાલુકામાં શૈક્ષણિક તાલીમના નાસ્તામાં મોટી ખાયકીની ચર્ચા

તાલીમ દરમિયાન શિક્ષકોને રૂા.૪૦ ના બદલે રૂા.૨૦ નાસ્તો અપાતા હોબાળો – વિસનગર તાલુકામાં શૈક્ષણિક તાલીમના નાસ્તામાં મોટી ખાયકીની ચર્ચા

તાલીમ દરમિયાન શિક્ષકોને રૂા.૪૦ ના બદલે રૂા.૨૦ નાસ્તો અપાતા હોબાળો
વિસનગર તાલુકામાં શૈક્ષણિક તાલીમના નાસ્તામાં મોટી ખાયકીની ચર્ચા

કાંસા બી.આર.સી.ભવનની મુલાકાત દરમ્યાન એકપણ તાલીમાર્થી શિક્ષકે નાસ્તા બાબતે મને ફરિયાદ કરી નહતી-જીલ્લા શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
સરકારના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વિસનગર તાલુકાના કાંસા ગામમાં બી.આર.સી.ભવન તથા કાંસા પ્રાથમિક શાળા નં.૨ માં તાલુકાના પ્રાથમિક શિક્ષકોને તબક્કાવાર દસ દિવસ શૈક્ષણિક તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન શિક્ષકોને આપવામાં આવતા નાસ્તામાં મોટી ખાયકી થઈ હોવાનુ ચર્ચાએ ભારે જોર પકડ્યુ હતુ. છતાં શિક્ષણ ખાતાના એકપણ અધિકારી કે પદાધિકારીએ આ મુદ્દે તપાસ કરી જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી નહતી. જો આ ગંભીર મુદ્દે શિક્ષણખાતામાંથી કોઈ કાર્યવાહી નહી થાય તો આગામી સમયમાં જવાબદારો સામે શિક્ષાત્મક પગલા ભરવા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી રજુઆત થાય તેવી શક્યતા છે.
સરકારના સર્વશિક્ષા અભિયાન અંતર્ગત મહેસાણા જીલ્લાના તમામ તાલુકાઓના તાલુકા બી.આર.સી.કો. ઓર્ડીનેટરની રાહબરી હેઠળ ધો.૧ થી ૮ ના પ્રાથમિક શિક્ષકોને તા.૧૭-૪ થી ૨૭-૪ સુધી તબક્કાવાર શૈક્ષણિક તાલીમ આપવાનું આયોજન કરાયુ હતુ. આ તાલીમનો સમય સવારે ૭-૦૦ થી ૧-૦૦ કલાક સુધીનો હતો. જેમાં ૩૦ મીનીટની રિશેષ હતી. રિશેષના સમયગાળામાં તમામ તાલીમાર્થી શિક્ષકોને સરકારના પરિપત્ર મુજબ રૂા.૪૦ નો અલ્પાહાર(નાસ્તો) આપવાની જવાબદારી વર્ગ સંચાલકની હતી. જેમાં સી.આર.સી.કો. ઓર્ડિનેટરોએ પોતાનો સહયોગ આપવાનો હતો. સરકારના પરિપત્ર મુજબ મહેસાણા જીલ્લાના વડનગર, ખેરાલુ, કડી, ઉંઝા સહિતના તાલુકાના વર્ગ સંચાલકના પારદર્શક વહીવટ અને આગવી સુઝના લીધે તાલીમાર્થી શિક્ષકોને સમયસર ભરપેટ નાસ્તો અને ચા મળતી હતી. શિક્ષકો પણ વર્ગ સંચાલકના પૂર્વ આયોજનથી પ્રભાવિત હતા. કડીમાં તો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના હસ્તે દરેક વર્ગના તજજ્ઞોને છેલ્લા દિવસે પ્રોત્સાહક ઈનામ રૂપે બોલપેન તથા ચોકલેટ આપવામાં આવી હતી. પરંતુ વિસનગર તાલુકાના વર્ગ સંચાલકની બેદરકારી કે ભ્રષ્ટનિતીના લીધે તાલુકાના આશરે ૬૫૦ જેટલા શિક્ષકોને રૂા.૪૦ ના પ્રમાણમાં નાસ્તો આપવામાં ન આવતા આ મુદ્દો સમગ્ર જીલ્લામાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. શિક્ષકોમાં થતી ચર્ચા મુજબ વિસનગર તાલુકાના બીઆરસી કો.ઓર્ડીનેટર (વર્ગ સંચાલક) જયેશભાઈ ચૌધરીએ સરકારના પરિપત્રની ઐસી કી તૈસી કરીને કોઈ આયોજન સમિતી બનાવ્યા વગર મનસ્વી નિર્ણય લેતા શિક્ષકોને રૂા.૪૦ ના બદલે રૂા.૨૦ નો નાસ્તો મળતો હતો. નાસ્તામાં ફુલવડી, પૌઆ, ખમણ આપવામાં આવ્યા હતા. ચા પણ બરાબર મળતી નહતી. રૂા.૧૫ ની સ્ટેશનરી તો કોઈ શિક્ષકોને મળીજ નહતી. પરંતુ નોકરીમાં હેરાનગતી થવાની બીકે એકપણ શિક્ષકે વર્ગ સંચાલકના અણ આવડતવાળા વહીવટ બાબતે શિક્ષણાખાતાના કોઈપણ અધિકારીને ફરિયાદ કરી નહતી. જેના કારણે સરસ્વતીના ધામમાં લક્ષ્મીજીના સાધક વર્ગસંચાલકને કોઈનો ડર નહી રહેતા વહીવટ કરવાનુ મોકળુ મેદાન મળી ગયુ હતુ. જ્યારે બીજી બાજુ વિસનગરના ઈન્ચાર્જ તાલુકા પ્રાથમીક શિક્ષણાધિકારી ઉષાબેન ચૌધરીએ તાલીમ ભવનની મુલાકાત લીધી નહતી. જ્યારે સીઆરસી કો.ઓર્ડીનેટરો તાલીમાર્થી શિક્ષકોને નાસ્તા બાબતે પડતી મુશ્કેલી દુર કરવાને બદલે વર્ગ સંચાલક આગળ વ્હાલા થવા માટે તેમના ગુણગાન ગાતા હતા. આ અંગે વર્ગ સંચાલક જયેશભાઈ ચૌધરીએ જણાવ્યુ હતું કે, પહેલા તાલીમ દરમિયાન કેટલાક શિક્ષકોને ગુલ્લી મારવા તથા પાન-મસાલા ખાવા મળતા હતા. પરંતુ મારી તાલીમમાં તેમને શિસ્તબંધ પાંચ કલાક સતત બેસી રહેવુ પડે છે. જેથી મારો ખોટો વિરોધ કરાય છે. જ્યારે જીલ્લા શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલે જણાવ્યુ હતું કે મેં કાંસા બીઆરસી ભવનની મુલાકાત લીધી હતી તે દરમિયાન એકપણ શિક્ષકે મને નાસ્તા બાબતે કોઈ ફરીયાદ કરી નહતી. જો શિક્ષકોએ ફરિયાદ ન કરી હોય તો સ્મિતાબેને મુલાકાતમાં શિક્ષકોને આ બાબતે કોઈ પુછપરછ કે તપાસ કેમ ન કરી? તેમની મુલાકાતનો મતલબ શું? જ્યારે વિસનગર ટીડીઓ વિજયભાઈ ચૌધરીનો સંપર્ક કરતા તેમને તાત્કાલીક વર્ગ સંચાલક જયેશભાઈ ચૌધરીને શિક્ષકોને અપાતા નાસ્તા બાબતે ટકોર કરતા ગુરુવારે શિક્ષકોને ત્રણ સમોસાનો નાસ્તો આપવામાં આવ્યો હતો. આ બાબતે શિક્ષણ ખાતાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ તટસ્થ તપાસ કરી જવાબદારો સામે શિક્ષાત્મક પગલા ભરવા જોઈએ. જો શિક્ષણખાતાના અધિકારી આ બાબતે ભીનુ સંકેલશે તો તેમની પણ મીલીભગત હોવાની લોકોમાં શંકા ઉભી થશે. આતો “દૂધની ચોકી બિલાડીને”સોપી હોવાનુ શિક્ષકોમાં ચર્ચાતુ હતુ.

Leave a Reply

Top