વિસનગરમાં ચાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે  –  તળ સમાજનો સમુહલગ્ન રજતજયંતિ મહોત્સવ ઉજવાશે

વિસનગરમાં ચાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે – તળ સમાજનો સમુહલગ્ન રજતજયંતિ મહોત્સવ ઉજવાશે

Prachar News No Comments on વિસનગરમાં ચાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે – તળ સમાજનો સમુહલગ્ન રજતજયંતિ મહોત્સવ ઉજવાશે

વિસનગરમાં ચાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
તળ સમાજનો સમુહલગ્ન રજતજયંતિ મહોત્સવ ઉજવાશે

(પ્ર.ન્યુ.સ.)    વિસનગર,રવિવાર
વિસનગર તળ કડવા પાટીદાર સમાજના સમુહલગ્નની યોજનાને ૨૫ વર્ષ પુર્ણ થતા સમાજ દ્વારા ચાર દિવસ રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણીના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિવિધ રમતો, સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસ ગરબા વિગેરેનુ આયોજન કરવામાં આવ્યુ છે. ચાર દિવસનો કાર્યક્રમ કાયમી સંભારણુ બની રહે તે માટે છેલ્લા ઘણા સમયથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વિસનગર તળ કડવા પાટીદાર સમાજે શહેરના વિકાસમાં મોટુ યોગદાન આપ્યુ છે. ત્યારે આ સમાજ દ્વારા સમાજના લોકો ઝાકમઝોળ ખર્ચાઓ અને દેખાદેખીમાં ખોટા ખેચાઈ ન જાય તે માટે ૨૫ વર્ષ પહેલા સમુહલગ્નની શરૂઆત કરી હતી. જેમાં અત્યાર સુધી સમાજના ૧૫૧૬ યુવક અને યુવતીઓ સમુહલગ્નમાં ભાગ લઈ લગ્નગ્રંથીથી જોડાયા છે. સમુહલગ્નના આયોજનના કારણે સમાજમાં એકતા અને બંધુત્વની ભાવનાનો ઉદય થયો. અત્યારે બે ભાઈ એક સંપ થઈ રહી શકતા નથી. ત્યારે તળ સમાજના આવા કાર્યક્રમોના કારણે પાંચ પોળમાં એકતા જળવાઈ રહી છે. સમુહલગ્નના કારણે આજ સમાજ કડા રોડ નાવી કન્યા વિદ્યાલય પાસે આઠ વીઘાની મોટી જગ્યા લઈ શક્યા છે. આ સમુહલગ્નના ૨૫ વર્ષ પૂર્ણ થતા તેના રજત જયંતિ મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ યુવાન, યુવતીઓ અને બાળકો પોતાનામાં રહેલી શક્તિઓના દર્શન કરાવી શકે, પોતાનામાં રહેલ ટેલેન્ટ દર્શાવી શકે, આત્મ વિશ્વાસ કેળવાય તે માટે ચાર દિવસ વિવિધ રમતો, સામાજીક અને સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સમાજના કોઈપણ ઉંમરના વ્યક્તિ ભાગ લઈ શકે તેવુ અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યુ છે.
તા.૪,૫,૬ અને ૭ મે એમ ચાર દિવસના આ કાર્યક્રમમાં સાંજે ૫-૦૦ કલાકે પુરુષોની ટીમ, બહેનોની ટીમ તથા સાસુ-વહુની ટીમ વચ્ચે રસ્સા ખેંચ સ્પર્ધા, રાત્રે ૮-૩૦ થી ૯-૩૦ સુધી ૭૫ વર્ષથી ઉપરના વડીલો, સમુહલગ્નના ભોજનદાતાશ્રીઓ, કેળવણી મંડળના દાતાશ્રીઓ વિગેરેનુ સન્માન કરવામાં આવશે. રાત્રે ૯-૩૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે. તા.૪-૫-૨૦૧૮ ને શુક્રવાર રાત્રે ૯-૪૫ રાસગરબા તથા ૫-૫-૨૦૧૮ ને શનિવાર સાંજે ૪-૦૦ કલાકેથી બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ છે. આ પ્રસંગે સુંશી જ્ઞાન સાધના આશ્રમના મહંતશ્રી ગૌતમાનંદજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સાંસદ જયશ્રીબેન પટેલ, ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, રમણભાઈ પટેલ, ર્ડા.આશાબેન પટેલ વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
તળ સમાજ દ્વારા સમુહલગ્ન રજત જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સ્વ.સાંકળચંદભાઈ પટેલના પરિવાર દ્વારા એક દિવસનો ભોજન સમારંભ તથા રાસગરબાના દાતા તરીકે સૌજન્ય આપવામાં આવ્યુ છે. સમાજના પ્રમુખ ચંદુભાઈ પી. પટેલ, ઉપપ્રમુખ પૂર્વ ધારાસભ્ય પ્રહેલાદભાઈ ગોસા, મંત્રી શંકરભાઈ પી.પટેલ તથા સમાજના અન્ય હોદ્દેદારો, યુવાનો સમુહલગ્ન રજત જયંતિ મહોત્સવ ભવ્ય અને યાદગાર બની રહે તે માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. રજત જયંતિ મહોત્સવના કન્વીનર તરીકે બાબુભાઈ બેંકર (આખલી) ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Leave a comment

Back to Top