You are here
Home > News > વિસનગર તળ કડવા પાટીદાર સમાજનો રજતજયંતી મહોત્સવ ઉજવાયો

વિસનગર તળ કડવા પાટીદાર સમાજનો રજતજયંતી મહોત્સવ ઉજવાયો

વિસનગર તળ કડવા પાટીદાર સમાજનો રજતજયંતી મહોત્સવ ઉજવાયો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તળ કડવા પાટીદાર સમાજ દ્વારા યોજાતા સમુહલગ્નને ૨૫ વર્ષ પૂર્ણ થતા સમાજ દ્વારા તા. ૪ થી ૭ મે સુધી રજતજયંતી મહોત્સવની ઉજવણીનુ ભવ્ય આયોજન કરાયુ હતુ. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, મહેસાણા સાંસદ જયશ્રીબેન પટેલ, વિસનગર ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, વિજાપુર ધારાસભ્ય રમણભાઈ પટેલ, ઉંઝા ધારાસભ્ય ર્ડા.આશાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રહેલાદભાઈ પટેલ, એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, પૂર્વ મંત્રી ખોડાભાઈ પટેલ, પાટીદાર અગ્રણી રાજુભાઈ પટેલ(આર.કે.), મર્ચન્ટ કોલેજના ચેરમેન રાજુભાઈ પટેલ(દાળીયા), સ્પાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ચેરમેન પરેશભાઈ ચૌધરી, કાંસાના અગ્રણી જશુભાઈ પટેલ, વિસનગર તળ ક.પા.સમાજના પ્રમુખ ચંદુભાઈ પી.પટેલ, મંત્રી શંકરભાઈ પટેલ, પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ, ભોજનદાતા હસમુખભાઈ પટેલ(જનસંઘ), પાટીદાર યુવા અગ્રણી ભરતભાઈ પટેલ(એકાઉન્ટન્ટ), સહિત વિસનગર તળ કડવા પાટીદાર સમાજના ભાઈ-બહેનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં પ્રથમ દિવસના ભોજનદાતા તથા રાસ-ગરબાના દાતાશ્રી સ્વ.સાંકળચંદભાઈ કચરાભાઈ (જનસંઘ સાડીવાળા)એ જીવનપર્યત તળ કડવા પાટીદાર સમાજના મહામંત્રી પદે સેવાઓ આપી હતી. જેમને તેમના જીવન દરમિયાન અનેક સંસ્થાઓમાં પોતાની સેવાઓ આપી હતી જે પાટીદાર સમાજ ક્યારેય નહી ભૂલી શકે. સ્વ.સાંકળચંદ કાકાની જગ્યા તેમના પુત્ર હસમુખભાઈએ સંભાળી સમાજ સેવાનો કાકાનો વારસો આગળ વધાર્યો છે.
વિસનગર તળ કડવા પાટીદાર સમાજ દ્વારા યોજાતા સમુહલગ્નને ૨૫ વર્ષ પૂર્ણ થતા સમાજ દ્વારા તા.૪,૫,૬ અને ૭ મે સુધી તળ કડવા પાટીદાર સમાજની વાડીમાં રજતજયંતી મહોત્સવની ઉજવણીનુ ભવ્ય આયોજન કરાયુ હતુ. જેમાં તા.૪ ના રોજ રાત્રે સમાજ દ્વારા ૭૫ વર્ષથી વય વટાવી ચુકેલા વડીલોનુ પુષ્પવર્ષા કરી તથા સાલ ઓઢાડીને સન્માન કરાયુ હતુ. આ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યુ હતું કે કાંસા ગામમાં મારૂ મોસાળ છે અને વિસનગર સિવિલ હોસ્પિટલમાં મારો જન્મ થયો છે. જેમાં કર્મવિર સ્વ.સાંકળચંદ કાકા, સ્વ.ભોળાભાઈ પટેલ, માજી ધારાસભ્ય પ્રહેલાદભાઈ પટેલ તથા એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ સાથે મારો વર્ષોથી સબંધ છે અને તમારા બધાના સહયોગ અને કુળદેવી મા ઉમિયાના આશિર્વાદથી હું અને જયશ્રીબેન રાજકારણમાં ઉચ્ચ હોદ્દા ઉપર બેઠા છીએ. ત્યારે સમાજનું (તમારૂ) ઋણ ચુકવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ સાથે સમાજના કેટલાક વ્યક્તિગત કામો પણ અમે કરીએ છીએ. વધુમાં તેમને જણાવ્યુ હતું કે પાટીદાર સમાજને સંગઠીત થઈ અબજો રૂપિયાના ખર્ચે ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, માર્કેટયાર્ડો, હોસ્પિટલો, ધર્મશાળાઓ જેવી અનેક સંસ્થાઓ ઉભી કરી છે. તે બાપ-દાદાની પરસેવાની કમાણી છે. વડીલોના આશિર્વાદથી સમાજ સુખી-સંપન્ન છે. ત્યારે આપણે બધાએ સંગઠીત બની એકબીજાને મદદ કરવાની ભાવના રાખવી જોઈએ. આજે છેલ્લા પાંચ વર્ષમાં વિસનગર તાલુકાનો દરેક ક્ષેત્રે હરણફાળ વિકાસ થયો છે. જેમાં માજી ધારાસભ્ય પ્રહેલાદભાઈ પટેલની ભલામણથી શહેરના પિંડારીયા તળાવના રીનોવેશન માટે સરકારે રૂા.૪ કરોડની માતબર ગ્રાન્ટ મંજુર કરી છે. આ ઉપરાંત સરકારે વિસનગર તાલુકા સહિત અન્ય તાલુકાઓના વિદ્યાર્થીઓને ર્ડાક્ટર બનવા માટે એસ.કે.કેમ્પસમાં મેડીકલ કોલેજ પણ મંજુર કરી છે. આ મેડીકલ કોલેજ આવતા વર્ષે શરૂ થઈ જશે અને વિસનગરની મેડીકલ કોલેજને સરકાર લાખો રૂપિયાની સબસીડી આપશે તેવી નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખાત્રી આપી હતી. ત્યારબાદ નિતિનભાઈ પટેલે સમાજના તમામ આગેવાનોનો આભાર માની પોતાનો સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી. જ્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે છેલ્લા ૨૫ વર્ષથી સતત સમુહલગ્નો યોજવા તે સમાજની એકતા કહેવાય. જેમાં સમુહલગ્નનુ પ્રથમ આયોજન કરનાર સમાજના પ્રમુખ રામાભાઈ પટેલથી લઈને હાલના પ્રમુખ ચંદુભાઈ પટેલ સુધીના પ્રમુખોને યાદ કરી તેમની સમાજસેવાને બિરદાવી હતી. આ સાથે ઋષિભાઈએ તળ કડવા પાટીદાર સમાજના સંકુલમાં લાયબ્રેરી બનાવવા માટે તાત્કાલિક પોતાની અંગત ગ્રાન્ટમાંથી તથા સરકારમાંથી આર્થિક સહયોગ આપવાની જાહેરાત કરી હતી. વધુમાં તેમને નિખાલસપણે જણાવ્યુ હતું કે આ સમાજના સમુહલગ્નમાં પહેલા હુ તમામ દિકરીઓને રૂા.૫૦૦ ની ભેટ આપતો હતો અને આગામી સમયમાં સમાજ મને આમંત્રણ આપશે તો રૂા.૧૦૦૦ ની ભેટ આપવાનો છુ. જોકે વચ્ચે સમાજે તેમને આમંત્રણ આપવાનુ બંધ કર્યુ હતુ તે ચાલુ કરવા વિનંતી કરી હતી અને પાટીદાર સમાજના શિક્ષિત યુવાનોને નોકરી મેળવવા માટે શિક્ષણ, ગૌણસેવા પસંદગી, પંચાયત, પોલીસ, જેવા ક્ષેત્રોમાં ભાગ લેવા સલાહ આપી હતી. આ ઉપરાંત પાટીદાર સમાજને અડધી રાત્રે પોતાની જરૂર પડે ત્યારે પોતાના ઘરનો દરવાજો ખખડાવવા જણાવ્યુ હતુ. પોતાનુ સન્માન કરવા બદલ ધારાસભ્ય ઋષિભાઈ પટેલે વિસનગર તળ કડવા પાટીદાર સમાજના આગેવાનોનો આભાર માન્યો હતો. જ્યારે સમાજ વતી પાટીદાર અગ્રણી બાબુલાલ પટેલ (આખલી)એ સમાજના વિવિધ કાર્યક્રમોમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલને કોઈપણ મન દુઃખ રાખ્યા વગર આમંત્રિત કરવાની ખાત્રી આપી હતી. જ્યારે સાંસદ જયશ્રીબેન પટેલે પાટીદાર સમાજના દિકરા-દિકરીઓ વધુમાં વધુ સમુહલગ્નમાં જોડાય તેવી અપીલ કરી હતી. અને વિસનગર તળ કડવા પાટીદાર સમાજના આગેવાનોની સમાજસેવાની કામગીરીની ભારોભાર પ્રશંસા કરી હતી. આ સાથે સાંસદ જયશ્રીબેન પટેલે વિસનગર તળ કડવા પાટીદાર સમાજના સંકુલમાં વિદ્યાર્થીઓ માટે છાત્રાલય અને લાયબ્રેરી બનાવવા માટે રૂા.૧૦ લાખ આપવાની જાહેરાત કરી હતી. વધુમાં તેમને આવનારી લોકસભા-૨૦૧૯ ની ચુંટણીમાં નરેન્દ્રભાઈ મોદી ફરીથી દેશના વડાપ્રધાન બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. અને મહેસાણામાં પાસપોર્ટ ઓફીસ શરૂ કરવા માટે સહયોગ આપનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનો આભાર માન્યો હતો. કાર્યક્રમનુ મનોરંજન સાથે સફળ એન્કરીંગ સમાજના અગ્રણી બાબુભાઈ પટેલ(આખલી)એ કર્યુ હતુ. ત્યારબાદ સમાજના ભાઈ-બહેનોને મોડી રાત્રી સુધી સંગીતના તાલે ગરબાની રમઝટ માણી હતી. આ મહોત્સવની ઉજવણી નિમિત્તે સમાજના દાતાઓના સહયોગથી રમતોત્સવ, સન્માન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા બ્લડ ડોનેશન કેમ્પનુ પણ આયોજન કરાયુ હતુ.

Leave a Reply

Top