ઈન્ચાર્જ ચીફ ઓફીસર મામલતદારની શંકા ઉપજાવતી કામગીરી  –  દેળીયા તળાવ સફાઈનુ વિવાદાસ્પદ પેમેન્ટ ચુકવાઈ ગયુ!

ઈન્ચાર્જ ચીફ ઓફીસર મામલતદારની શંકા ઉપજાવતી કામગીરી – દેળીયા તળાવ સફાઈનુ વિવાદાસ્પદ પેમેન્ટ ચુકવાઈ ગયુ!

News, Prachar News No Comments on ઈન્ચાર્જ ચીફ ઓફીસર મામલતદારની શંકા ઉપજાવતી કામગીરી – દેળીયા તળાવ સફાઈનુ વિવાદાસ્પદ પેમેન્ટ ચુકવાઈ ગયુ!

ઈન્ચાર્જ ચીફ ઓફીસર મામલતદારની શંકા ઉપજાવતી કામગીરી
દેળીયા તળાવ સફાઈનુ વિવાદાસ્પદ પેમેન્ટ ચુકવાઈ ગયુ!

પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલનો કટાક્ષ – કામ કર્યા વગર બીલ મંજુર કરાવવુ હોય તો વિસનગર પાલિકામાં ટેન્ડર ભરો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર

વિસનગર પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલના શાસનમાં શહેરનુ દેળીયુ અને દેપલ સાફ કરવા માટે ટેન્ડરીંગ કરાયુ ત્યારથી આ ટેન્ડર વિવાદમાં હતુ. જેમાં દેપલ તળાવ સાફ કરતા ૫૦ ટકા પેમેન્ટ ચુકવાયુ હતુ. ત્યારે મામલતદારે ઈન્ચાર્જ ચીફ ઓફીસરનો ચાર્જ સંભાળતા થોડાજ દિવસોમાં બાકીનુ ૫૦ ટકા પેમેન્ટ ચુકવાતા ઈન્ચાર્જ ચીફ ઓફીસરની કામગીરી ઉપર શંકા સેવાઈ રહી છે. આ વિવાદાસ્પદ પેમેન્ટ ચુકવાતા પાલિકા સભ્ય સાથે ગીરીશભાઈ પટેલે કોમેન્ટ્‌સ સાથે કટાક્ષ કર્યો છેકે કામ કર્યા વગર બીલ મંજુર કરાવવુ હોય તો વિસનગર પાલિકામાં ટેન્ડર ભરો.
વિસનગર પાલિકા દ્વારા લગભગ આઠ માસ પહેલા શહેરનુ દેળીયુ અને જાળેશ્વર રોડ ઉપર આવેલ દેપલ તળાવમાં સ્વચ્છતા અને સફાઈ કરવા રૂા.૭ લાખ ૮૦ હજારનુ ટેન્ડરીંગ કરવામાં આવ્યુ હતુ. બન્ને તળાવ સફાઈ માટે આટલી મોટી રકમનુ ટેન્ડરીંગ કરતા ત્યારથીજ વિવાદ ઉભો થયો હતો. ગઠબંધનના કેટલાક સભ્યોજ આ ટેન્ડર બાબતે વિરોધ કરતા હતા કે દેપલ તળાવ ખાલી છે. અંદર બાવળીયા ઉગ્યા છે. પાલિકાનુ જેસીબી કામે લગાડી બાવળીયા કાઢવામાં આવે તો પણ રૂા.૨૫,૦૦૦ ખર્ચમાં તળાવમાં સફાઈ થઈ જાય. ટેન્ડર ભરનાર કોન્ટ્રાક્ટરે પ્રથમ દેપલ તળાવની સફાઈ હાથ ધરી અને તળાવમાંથી બાવળીયા કાપી નાખી સફાઈ કરતા ટેન્ડરની રકમનુ ૫૦ ટકા પેમેન્ટ તાત્કાલીક કોન્ટ્રાક્ટરને ચુકવાઈ ગયુ હતુ. દેપલ તળાવની સફાઈનુ પેમેન્ટ ચુકવાતા ગઠબંધનનાજ કેટલાક સભ્યોએ પેમેન્ટ ચુકવણા સામે ભારે વિરોધ કર્યો હતો. ત્યારબાદની પાલિકા જનરલમાં પણ પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલે તળાવ સફાઈના ટેન્ડર બાબતે ચર્ચા કરી ખોટુ પેમેન્ટ ચુકવાયુ છે. બીજુ પેમેન્ટનુ ચુકવણીનુ ન થવુ જોઈએ તેમ જણાવ્યુ હતુ. સભ્યોનો વિરોધ જોતા તત્કાલીન ચીફ ઓફીસર જયેશભાઈ પટેલે બીજુ પેમેન્ટ અટકાવ્યુ હતુ. દેપલ તળાવ બાદ દેળીયા તળાવની સફાઈ માટે કોન્ટ્રાક્ટરે થોડી ઘણી સફાઈ કરી હતી. જે દેખાવ પુરતી કામગીરી હોય તેવુ જણાતુ હતુ. ત્યારે મામલતદાર એ.એન.સોલંકીએ પાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફીસરનો ચાર્જ સંભાળતા તેના થોડાજ દિવસોમાં દેળીયા તળાવની સફાઈના બાકીના ૫૦ ટકા પેમેન્ટનો ચેક આપવામાં આવતા ઈન્ચાર્જ ચીફ ઓફીસરની કામગીરી ઉપર અનેક શંકાઓ સેવાઈ રહી છે.
નોંધપાત્ર બાબત છેકે ગીરીશભાઈ પટેલે તેમના પ્રમુખ કાળમાં દેળીયુ તળાવ સાફ કરાવ્યુ ત્યારે તેની સફાઈ ઉડીને આંખે વળગે તેવી હતી. તળાવ સરોવર જેવુ લાગતુ હતુ ત્યારે છેલ્લા છ આઠ માસમાં સ્વચ્છ દેળીયુ તળાવ કોઈએ જોયુ નથી. દર શનિવારે છબીલા હનુમાન મંદિર જતા લોકો તેના સાક્ષી છે. ત્યારે તળાવ સફાઈનુ પેમેન્ટ કેવી રીતે ચુકવાયુ તે પ્રશ્ન છે. પેમેન્ટની ચુકવણી સામે વાંધો ઉઠાવતા પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલે જણાવ્યુ છેકે, દેળીયા તળાવની સફાઈ થયા વગરજ જેતે એજન્સીને પેમેન્ટ ચુકવાઈ ગયુ છે. પાલિકા જનરલમાં વારંવાર રજુઆત કરવા છતા પેમેન્ટ ચુકવાઈ ગયુ છે. સભ્ય ગીરીશભાઈ પટેલ દ્વારા પાલિકામાં આર.ટી.આઈ.કરી વિગતો માગવામાં આવી છેકે બન્ને તળાવની સફાઈનુ ક્યારે ટેન્ડરીંગ કરાયુ. કંઈ એજ્નસીને વર્કઓર્ડર અપાયો, કયા સમયગાળામાં પેમેન્ટ ચુકવાયુ, છેલ્લુ પેમેન્ટ ક્યારે ચુકવાયુ. સમયમર્યાદામાં કામ કરેલ ન હોય તો કેટલી નોટીસ આપવામાં આવી વિગેરે માહિતી માગવામાં આવી છે.

Leave a comment

Back to Top