You are here
Home > Prachar News > ગઢવાડા કેળવણી મંડળના ૯૨ લાખના ઉચાપત કેસને દબાવવા – સતલાસણા ખાતે લોકાર્પણ કાર્યક્રમ ફરીથી કરાવ્યાનો આક્ષેપ

ગઢવાડા કેળવણી મંડળના ૯૨ લાખના ઉચાપત કેસને દબાવવા – સતલાસણા ખાતે લોકાર્પણ કાર્યક્રમ ફરીથી કરાવ્યાનો આક્ષેપ

ગઢવાડા કેળવણી મંડળના ૯૨ લાખના ઉચાપત કેસને દબાવવા
સતલાસણા ખાતે લોકાર્પણ કાર્યક્રમ ફરીથી કરાવ્યાનો આક્ષેપ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ટીમ્બા ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત તળાવ ઉંડુ કરવા શ્રમદાન કરવા આવવાના હતા તેના સમાચારો ગઢવાડા વિભાગ કેળવણી મંડળને મળતા યુધ્ધના ધોરણે રાતોરાત સતલાસણા હાઈસ્કુલનો લોકાર્પણ બીજી વખત એટલેકે ફરીથી કરવાનું પ્લાનીંગ કરાયુ હતુ. શ્રીમતી રેખાબેન કરશનભાઈ પ્રજાપતિ વિદ્યાસંકુલમાં ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શેઠ સી.એન.ઉચ્ચત્તર માધ્યમિક શાળા અને કે.એમ.કોઠારી હાઈસ્કુલના નવા બનેલા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ ૭-૫-૨૦૧૮ ને સોમવારના રોજ યોજાઈ ગયો છે. ત્યારે સતલાસણાના અગ્રણી એડવૉકેટ કનુભાઈ એલ.પટેલે જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રી સહિત તંત્રને ગેરમાર્ગે દોરીને લોકાર્પણ કરાયુ છે. અગાઉ એક વર્ષ પૂર્વ ૪-૬-૨૦૧૭ ના રોજ દાતાઓના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ ગયો છતા રાજકીય ફાયદો લઈ ઉચાપત કેસને દબાવવા રાતોરાત લોકાર્પણ કાર્યક્રમ યોજી દેવામાં આવતા આખા ગઢવાડાની પ્રજામાં આશ્ચર્ય ફેલાયુ છે.
હાઈસ્કુલના લોકાર્પણ સાથે સખાવતી શ્રેષ્ઠીવર્ય દાતા સ્વ.શ્રી કરશનભાઈ એમ.પ્રજાપતિ પ્રેરણામંદિર પ્રતિમા અનાવરણ વિધી યોજાઈ હતી. જેમાં અસંખ્ય ભુલોના કારણે ભાજપના અગ્રણીઓનેજ હાઈસ્કુલમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. જેના કારણે ભારે વિરોધ આગેવાનોમાં જોવા મળ્યો હતો. અગ્રણી ખેડૂતો સહિત ભાજપના કયા કાર્યકરોને બહાર ઉભુ રહેવુ પડ્યુ તે જોઈએ તો, સતલાસણા તાલુકા ભાજપ મહામંત્રી માનસિંહભાઈ ચૌધરી તથા મુકેશભાઈ મહેતા ખેરાલુ, માર્કેટયાર્ડના ચેરમેન ભિખાલાલ ચાચરીયા, દાતા મનુભાઈ એમ.પ્રજાપતિ, ડેલીગેટ બાબુજી ઠાકોર, સંકુલના દાતાઓ પૈકી કેટલાક દાતાઓ સરપંચો, ડેલીગેટો સહિત અનેક આગેવાનોને પ્રવેશ મળ્યો નહોતો. મુખ્યમંત્રી કોઈપણ સ્થળે જવાના હોય ત્યારે સૌપ્રથમ તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ, ઉપપ્રમુખો, મંત્રીઓ, મોરચાના અધ્યક્ષોની સેન્સ લેવામાં આવે અને તમામની સંમતિ હોય તો જીલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યની સેન્સ લઈ મુખ્યમંત્રી જે તે સ્થળે આવે તેવી પ્રણાલી તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાવી હતી. પરંતુ સંગઠનને બાજુ ઉપર હડસેલી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સીધેસીધા ટીમ્બા અને સતલાસણા આવી પહોચતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી.
ઉપરોક્ત બાબતે એડવૉકેટ કનુભાઈ પટેલ જણાવે છેકે જ્યારે મુખ્યમંત્રીશ્રી આવતા હોય તો જે સ્થળે એન.એ થયુ છેકે નહી તેની તપાસ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીએ કરવી જોઈએ પણ કોઈ તપાસ કર્યા વગર મુખ્યમંત્રીને બોલાવી લીધા. આમંત્રણ પત્રિકામાં ખોટા નામો રાજકીય જસ ખાટવા આડેધડ લખી દીધા હતા. બે ટ્રસ્ટીઓ પટેલ જોઈતાભાઈ લીલાભાઈ અને ચૌધરી ધનજીભાઈ ગલાભાઈના રાજીનામા આપ્યા હોવા છતા ઈરાદાપૂર્વક ફરીથી લખાયા છે. હાઈસ્કુલ સંકુલનુ એન.એ.જૂનુ છે જે રીવાઈઝ થયુ નથી તેવુ સરકારી તંત્ર જાણે છે છતા ઉચ્ચકક્ષાએ જાણ કરી નહોતી. મામલતદારશ્રીએ જે પાસ પ્રિન્સીપાલને આપ્યા તેમાં પોલીસ અધિક્ષકની સહી નહોતી. આવી અનેક પ્રકારની ક્ષતિઓ રાખીને મુખ્યમંત્રી પાસે લોકાર્પણ કરાવ્યુ હતુ. ગઢવવાડા વિભાગ કેળવણી મંડળે સરકારને ગેરમાર્ગે દોરી મુખ્યમંત્રીને બોલાવી આબરૂના ધજાગરા કરાવ્યા હતા.
આ બધુ કરવા પાછળનુ કારણ શું? તેવુ કનુભાઈ પટેલને પુછતા તેમણે જણાવ્યુ હતું કે, ગઢવાડા વિભાગ કેળવણી મંડળમાં તેઓ મંત્રી હતા ત્યારે વ્યાપક ગેરરીતી ધ્યાને આવી હતી જે બાબતે સતલાસણા પોલીસ સ્ટેશનમાં ઉચાપતની ફરિયાદ પુરાવા સાથે આપી હતી. જે ફરિયાદ પોલીસે રાજકીય પ્રેશરમાં દાખલ ન કરતા સ્પેશિયલ ક્રિમિનલ એપ્લીકેશન ૫૧૦૦૧૭ થી હાઈકોર્ટમાં ઉચાપત કેસ દાખલ કર્યો છે. જેમાં ૯૨,૬૭,૦૯૭/- રૂપિયાની ઉચાપતનો કેસ દાખલ કરવા અપીલ કરી છે. આ અપીલને દબાવી રાખવા માટે સરકારી અધિકારીઓ ઉપર ધાક જમાવવા રાતોરાત મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કાર્યક્રમ ગોઠવી દેવાયો છે. આમ ગઢવાડા વિભાગ કેળવણી મંડળના ટ્રસ્ટીઓ પોતાના સંતાનોને સતલાસણામાં ભણાવવાના બદલે મોટા શહેરોમાં ભણાવે છે. જેથી આગેવાનો જાહેરમાં ચર્ચાઓ કરે છેકે ટ્રસ્ટીઓએ ઉદ્‌ઘાટનો અને લોકાર્પણોમાં ખર્ચા બંધ કરી શિક્ષણ તરફ ધ્યાન આપે, દાતાઓએ આપેલી રકમથી ભૌતિક સુવિધાઓનો ઉમેરો કરી શકાય પરંતુ દાનની રકમથી રાજકીય મેળાવડાઓ કરીને સંકુલને હાની ન પહોચાડવી જોઈએ. જે હોય તે પણ છેલ્લે એક ચર્ચા શરુ થઈ કે બજાર કેમ બંધ કરાવ્યા? ત્યારે પાટીદાર આંદોલનમાં સક્રિય ભુમિકા ભજવનાર સતલાસણાના પાટીદારો ઉપર રોફ જમાવવા બજાર બંધ કરાવી ધાક બેસાડવાનો પ્રયત્ન હતો તેવુ ચર્ચાતુ હતુ. અને બીજી ચર્ચા એવી પણ થતી હતી કે મુખ્યમંત્રી જૈન હોવાથી જૈન ટ્રસ્ટીઓના કહેવાથી લોકાર્પણ કરવા આવ્યા. ગઢવાડા વિભાગ કેળવણી મંડળે મુખ્યમંત્રી પાસે લોકાર્પણ કરાવ્યુ પણ જળસંચયના હેતુથી આવેલા મુખ્યમંત્રીના ગયા પછી હાઈસ્કુલે જળસંચય માટે શુ પગલા લીધા? અને છેલ્લે સતલાસણામાં જ્યારે પણ મુખ્યમંત્રીઓ આવ્યા છે તે તમામ મુખ્યમંત્રીઓને બચુભાઈ શાહે જ બોલાવ્યા છે જે તેમની રાજકીય વગ સાબિત કરે છે.

Leave a Reply

Top