You are here
Home > Prachar News > તંત્રી સ્થાનેથી… કર્ણાટકમાં આપેલા વચન ઉપરથી સાબિત થાય છેકે – ભાજપ દ્વારા એક રાજ્યને ઠોર અને બીજા રાજ્યને ખોળ

તંત્રી સ્થાનેથી… કર્ણાટકમાં આપેલા વચન ઉપરથી સાબિત થાય છેકે – ભાજપ દ્વારા એક રાજ્યને ઠોર અને બીજા રાજ્યને ખોળ

pen_PNG7408

તંત્રી સ્થાનેથી…

કર્ણાટકમાં આપેલા વચન ઉપરથી સાબિત થાય છેકે
ભાજપ દ્વારા એક રાજ્યને ઠોર અને બીજા રાજ્યને ખોળ

કર્ણાટકમાં ધારાસભાની ચુંટણી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ભાજપ પક્ષે પોતાના ચુંટણી ઢંઢેરામાં મતદારોને આકર્ષવા અનેક લોભામણા વચનો આપ્યા છે. જેમાં (૧) ખેડૂતોનું એકલાખ રૂપિયા સુધીનું દેવુ માફ કરાશે (૨) ૨૦ લાખ ખેડૂતો કે જેમને સરકારી દેવુ નથી તેમને દસ હજાર રૂપિયા સુધીની સરકારમાંથી સહાય આપવામાં આવશે (૩) ખેતર સુધી પાણી પહોંચાડવા ૧.૫૦ લાખ કરોડની યોજના (૪) ખેડૂતોને દસ કલાક વીજળી મફત (૫) બી.પી.એલ.મહિલા યુવતિઓને સેનેટરી નેપકીન મફત અથવા એક રૂપિયાના ભાવે અપાશે (૬) મહિલાઓને એક ટકાના વ્યાજે બે લાખની લોન (૭) સ્ત્રી ઉન્નતિ માટે લોનો અપાશે (૮) બી.પી.એલ.પરિવારની યુવતિના લગ્નપ્રસંગે મંગળસુત્ર અને ૨૫,૦૦૦/- રૂપિયા અપાશે. (૯) મહિલાઓને સ્માર્ટ ફોન મફત આપવામાં આવશે. (૧૦) ઉચ્ચ શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓને લેપટોપ મફત અપાશે. ભાજપ પક્ષે જે જગ્યાએ સત્તા નથી ત્યાં સત્તા મેળવવા માટે લોભામણા વચનો આપ્યા છે જે સરાહનીય છે. ભાજપને કર્ણાટકમાં સત્તા મળવાની છે ત્યારે ઉપરના વચનો પાળવાજ પડશે. દેશમાં અનેક રાજ્યોમાં ભાજપની સરકાર છે. ત્યાં કર્ણાટકના વચનો પ્રમાણે કાર્યવાહી થાય છે ખરી? દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રાજ્ય માદરે વતન ગુજરાત છે તે રાજ્યના ખેડૂતોના એક લાખ રૂપિયા સુધીના દેવા માફ કરાયા છે? કર્ણાટકમાં ૧૦ કલાક વીજળી મફત આપવાના વચન પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પૈસા ખર્ચી ૧૦ કલાક વીજળી અપાય છે ખરી? બી.પી.એલ. મહિલાઓને સેનેટરી નેપકીન મફત, બી.પી.એલ.યુવતિના લગ્ન પ્રસંગે મંગળસુત્ર અને ૨૫,૦૦૦/- રૂપિયા અપાય છે ખરા? મહિલાઓને સ્માર્ટ ફોન મફત, વિદ્યાર્થીઓને લેપટોપ મફત આવી કરેલી જાહેરાતો ખરેખર સરાહનીય છે. ભાજપ દ્વારા જ્યાં જગ્યાએ સત્તા નથી ત્યાં આવી જાહેરાતો કરાય તો જે રાજ્યોએ સત્તા આપી છે તે રાજ્યોએ ભાજપને સત્તા આપવાની ભૂલ તો નથી કરી ને? ભાજપ પાર્ટીની નીતિ ખરેખર આખા દેશમાં એકજ હોવી જોઈએ. આવી જાહેરાતોથી રાજસ્થાનની જેમ દર પાંચ વર્ષે સત્તા બદલવા માટે લોકો પ્રેરાશે તો નહિ ને? આવુ જોઈ લોકો ઈચ્છતા થશે કે એક પક્ષ પાંચ વર્ષજ સત્તા આપવી જોઈએ. કોઈપણ કાયમી સત્તા આપવી જોઈએ નહિ. કાયમી સત્તા આપવાથી પક્ષો માની જતા હોય છેકે આ વિસ્તાર તો અમારો છે, તેને નહિ સાચવીએ તો ચાલશે. મતદારોએ કોઈપણ પક્ષના વફાદાર બની જવું તે પણ એક નુકશાનકારક વિચારસરણી છે. મતદારોને પોતાની જાતને જ વફાદાર રહેવુ જોઈએ. જે પક્ષ સારી રીતે મતદારોને સાચવી શકે તેને મત આપવા જોઈએ. મતદારોને સાચવવામાં કોઈ પક્ષ ઉણપ રાખે તો તેને બીજા પાંચ વર્ષમાં તિલાંજલિ આપવી જોઈએ. તે લોકશાહીની સાચી પ્રણાલિ છે. દર પાંચ વર્ષે સત્તા ઉપર આવતો પક્ષ બદલાય તો દરેક પક્ષને ચિંતા રહે કે આપણે મતદારોને સાચવી શકીશું નહિ તો આવતા પાંચ વર્ષ આપણા નથી. વર્ષો સુધી લોકોએ કોંગ્રેસને મત આપ્યા તેને લઈને કોંગ્રેસે ઓછા પ્રમાણમાં વિકાસ કર્યો. જેથી લોકોએ ભાજપને સત્તા સોંપી, જેનુ પરિણામ જોઈ શકાય છે. જો ભાજપ પક્ષ મતદારોને સંતોષ આપવામાં સફળ નહિ રહે તો ભાજપની સત્તા કોંગ્રેસ જેટલી રહેવાની નથી. મતદારોની આશાઓ અને આકાંક્ષાઓ એટલી બધી વધી ગઈ છેકે મતદારોને કોઈપણ પક્ષ પૂરો સંતોષ આપી શકવાનો નથી જેથી હવે એવી પરિસ્થિતિ આવી રહી છેકે લાંબા સમય સુધી કોઈપણ પક્ષ સત્તા ઉપર રહી શકે નહિ. અને આજ સાચી લોકશાહી આવી છે તેવું કહી શકાય.

Leave a Reply

Top