You are here
Home > News > પાલિકાની નિષ્કાળજીના કારણે લોકોનો જીવ જોખમમાં – ફતેહ દરવાજામાં રાત્રે મકાન પડતા મહિલાનો આબાદ બચાવ

પાલિકાની નિષ્કાળજીના કારણે લોકોનો જીવ જોખમમાં – ફતેહ દરવાજામાં રાત્રે મકાન પડતા મહિલાનો આબાદ બચાવ

પાલિકાની નિષ્કાળજીના કારણે લોકોનો જીવ જોખમમાં
ફતેહ દરવાજામાં રાત્રે મકાન પડતા મહિલાનો આબાદ બચાવ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર ફતેહ દરવાજા રામનારાયણની ખડકીમાં જર્જરીત મકાન ઉતારવાની જવાબદારી પાલિકાતંત્રની હતી. પરંતુ પાલિકા તંત્રની નિષ્કાળજીના કારણે લોકો ભગવાન ભરોસે જીવી રહ્યા છે. જમીન બેસી જવાના કારણે ભયગ્રસ્ત બનેલા ત્રણ મકાનમાંથી એક મકાન ઉતારવામાં આવ્યુ નહોતુ. જે મકાનનો ભાગ રાત્રે અચાનક તુટી પડતા સામે રહેતા વિધવા મહિલાનો આબાદ બચાવ થયો હતો. પાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફીસર તથા પ્રમુખ કોઈ મોટી હોનારત થાય પછી જાગશે?
પ્રચાર સાપ્તાહિકના ગત અંકમાં ફતેહ દરવાજા રામનારાયણની ખડકીમાં હજુ પણ ભયગ્રસ્ત પરિસ્થિતિનો અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. જે સંદર્ભે પાલિકા તંત્ર નહી જાગતા તા.૯-૫-૨૦૧૮ ને બુધવારની રાત્રે ૧૧-૦૦ કલાકે વધુ એક હોનારત સર્જાઈ હતી. ખડકીમાં જમીન બેસી જતા ત્રણ મકાનો ભયગ્રસ્ત થયા હતા. જેમાં બે મકાન ઉતારવામાં આવ્યા હતા. પાલિકા મકાન ઉતારે તો તેનો કાટમાળ પણ પાલિકા જપ્ત કરે તેવો નિયમ હોવાથી અમીતકુમાર સુરેન્દ્રભાઈ ચોકસીએ તેમનુ લાકડાનુ મકાન હોવાથી કાટમાળ ઉતારવા દીધો નહોતો અને પોતે જાતે મકાન ઉતારવાની જવાબદારી લીધી હતી. જે મકાન તાત્કાલીક ઉતારવાની જરૂર હતી પરંતુ મકાન માલિકે બનાવના એક માસ સુધી પણ મકાન ઉતાર્યુ નહોતુ. અમીતભાઈ ચોકસીના મકાનનો ભાગ નમી ગયો હતો. આ ભયગ્રસ્ત મકાનની સામે વિષ્ણુભાઈ ઢગુભાઈ પટેલના મકાનમાં વિધવા બહેન રહે છે. જેમણે પણ મકાનના કાટમાળ ગમે ત્યારે તૂટી પડવાથી ભયજનક પરિસ્થિતિ હોવાથી મકાન તાત્કાલીક ઉતારવા માગણી કરી હતી. પરંતુ ઈન્ચાર્જ ચીફ ઓફીસર મામલતદાર સોલંકી તથા પ્રમુખ શકુન્તલાબેન પટેલે આ બાબતને કોઈ ગંભીરતાથી લીધી નહોતી. વિધવા બહેન રાત્રે તેમના છાપરાવાળા મકાનમાં સુતા હતા તે સમયે અમીતભાઈ ચોકસીનુ ભયજનક મકાનનો ભાગ તુટી પડ્યો હતો. જેના કારણે વિધવા બહેનના મકાનના પતરાને તથા બારણાને નુકશાન થયુ હતુ. નસીબ જોગે વિધવા બહેન મકાનના અંદરના ભાગે સુતા હોવાથી કોઈ ઈજા થઈ નહોતી. કાટમાળની લાલચે મકાન નહી ઉતરાવતા ખડકીના લોકો મકાન માલિક ઉપર રોષે ભરાયા હતા. મકાન માલિકે થાય તે કરી લેવાનુ જણાવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો હતો.
રામનારાયણની ખડકીમાં હજુ પણ ભયજનક પરિસ્થિતિ છે. બીજા ત્રણ આરસીસીના મકાનોને તિરાડો પડી છે. જમીન કેમ દબાઈ થઈ તે બાબતે કોઈ તપાસ કરવામાં આવી નથી. પાલિકા તંત્ર નહી જાગે તો હજુ પણ મોટી હોનારત થવાની પુરેપુરી શક્યતા છે.

Leave a Reply

Top