You are here
Home > Prachar News > પાલિકા દ્વારા સમયસર બીલની ચુકવણી નહી થતા – પીંડારીયા તળાવ વિકાસની કામગીરી સ્થગીત કરવા કોન્ટ્રાક્ટર મજબુર

પાલિકા દ્વારા સમયસર બીલની ચુકવણી નહી થતા – પીંડારીયા તળાવ વિકાસની કામગીરી સ્થગીત કરવા કોન્ટ્રાક્ટર મજબુર

પાલિકા દ્વારા સમયસર બીલની ચુકવણી નહી થતા
પીંડારીયા તળાવ વિકાસની કામગીરી સ્થગીત કરવા કોન્ટ્રાક્ટર મજબુર

કામ નહી કરતા કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવે છે જ્યારે ઝડપી કામ કરવાની ધગશ ધરાવતા કોન્ટ્રાક્ટરને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે-ફુલચંદભાઈ પટેલ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પીંડારીયા તળાવની ગ્રાન્ટ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મંજુર કરી ત્યારથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયુ છે. તળાવ વિકાસના ખાતમુર્હતમાં પણ નાયબ મુખ્યમંત્રીને આમંત્રણ આપ્યુ નહોતુ. ત્યારે હવે તળાવ વિકાસની કામગીરી ખોરંભે પડે તેવી પ્રવૃત્તિ પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલના શાસનમાં ચાલી રહી હોવાનુ પાલિકા સભ્ય ફુલચંદભાઈ પટેલ દ્વારા જણાવ્યુ છે. કોન્ટ્રાક્ટરને એક બીલ ચુકવાયા બાદ બીજા બે રનીંગ બીલો આપવામાં નહી આવતા કોન્ટ્રાક્ટર તળાવ વિકાસ કામગીરી સ્થગીત કરવા મજબુર બનતા આ બાબતે ઈન્ચાર્જ ચીફ ઓફીસર મામલતદારને લેખીત જાણ કરી છે.
વિસનગરમાં પીંડારીયા તળાવનો રૂા.૪ કરોડના ખર્ચે વિકાસ હાથ ધરાયો છે. તળાવના પૂર્ણ વિકાસ માટે ખૂટતી ગ્રાન્ટ લાવવા પાલિકા સભ્ય ફુલચંદભાઈ પટેલ તથા અન્ય સભ્યો દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે. પરંતુ પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરો સાથેની વ્હાલા દવાલાની નિતિના કારણે પીંડારીયા તળાવ વિકાસની કામગીરી ખોરંભે પડે તેમ જણાય છે. તળાવના રીનોવેશનની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરે ઈન્ચાર્જ ચીફ ઓફીસરને જાણ કરી છેકે, તળાવ વિકાસની કામગીરી પ્રમાણે બીજા રનીંગ બીલની અંદાજીત રકમ રૂા.૭૮ લાખની થાય છે. જે બીલ રજુ કર્યા બાદ સમય થવા છતા બીલની ચુકવણી કરવામાં આવી નથી. તપાસ કરતા ગ્રાન્ટ ન હોવાના કારણે ચુકવણી થાય તેમ નથી. ત્રીજુ રનીંગ બીલ અંદાજે રૂા.૬૦ લાખ જેટલુ થાય છે. આગામી ચોમાસા દરમ્યાન કામગીરી બંધ ન રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે. પરંતુ સત્વરે બીલની ચુકવણી ન થાય તો મજબુરન આ કામગીરી સ્થગીત કરવી પડે તેમ છે. તળાવ વિકાસનુ બીલ ઘરમાંથી આપવાનુ નથી તેમ છતા ઝડપી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને બીલ ચુકવણામાં જે હેરાન કરાય છે તે પાલિકા તંત્ર ઉપર શંકા ઉપજાવતી બાબત છે.
પીંડારીયા તળાવ વિકાસની ગ્રાન્ટ મંજુર કરાવવાથી માંડી વિકાસની કામગીરી ઉપર દેખરેખ રાખતા પાલિકા સભ્ય ફુલચંદભાઈ પટેલે આ બાબતે રોષ ઠાલવતાં જણાવ્યુ છેકે તળાવ વિકાસની રૂા.૪ કરોડની ગ્રાન્ટમાંથી કલેક્ટરશ્રીએ રૂા.૫૦ લાખનો પ્રથમ હપ્તો આપ્યો હતો. ત્યારબાદ કોન્ટ્રાક્ટરની કામગીરીની ઝડપ જોતા બીજા રૂા.૫૦ લાખ માટે ત્રણ માસ પહેલા પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલે દરખાસ્ત કરવાની હતી. પરંતુ ગમે તે કારણોસર દરખાસ્ત ઉપર પ્રમુખે સહી ન કરી દરખાસ્ત અટકાવી રાખી હતી. જ્યારે આ બાબતે કેટલાક સભ્યોએ પ્રમુખ ઉપર પ્રેશર લાવતા બીજા રૂા.૫૦ લાખનો હપ્તો મંજુર કરવા ૧૦ દિવસ પહેલાજ કલેક્ટરશ્રીમાં દરખાસ્ત મોકલી આપી હતી. કયા હેતુથી, કયા કારણે અને કયા સ્વાર્થમાં દરખાસ્ત મોકલવામાં વિલંબ કરાયો તે સમજાતુ નથી. પાલિકામાં જે કામ થતુ નથી તેના બીલ રાતોરાત ચુકવાય છે. એક દોઢ વર્ષ સુધી કામ નથી કરતા તે કોન્ટ્રાક્ટરોને ખોટી મુદત વધારી આપવામાં આવે છે. જ્યારે જે કોન્ટ્રાક્ટર કામ ઝડપી કરે છે તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે.

Leave a Reply

Top