You are here
Home > News > પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલે માહિતી માગી – પાલિકા વહીવટ ઉપર શંકા ઉપજાવતી RTI

પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલે માહિતી માગી – પાલિકા વહીવટ ઉપર શંકા ઉપજાવતી RTI

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા દ્વારા કેટલાક વિવાદાસ્પદ વિકાસના કામ કરવામાં આવતા પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલ દ્વારા વિવિધ મુદ્દે આર.ટી.આઈ.કરવામાં આવી છે. સભ્ય દ્વારા વિવિધ ઠરાવોની અને વિકાસ કામ માટે થયેલ ભલામણની સર્ટીફાઈડ નકલ માગવામાં આવી છે. આર.ટી.આઈ.ની વિગતો પાલિકાના વહીવટ ઉપર શંકા ઉપજે તેવી છે. ખાનગી માલિકીની જગ્યામાં થયેલ વિકાસ કામના ઠરાવો રદ કરવા કલેક્ટર સમક્ષ વધુ એક રીવ્યુ અરજી થાય તો નવાઈ નહી.
વિસનગર પાલિકાના ઈતિહાસમાં ક્યારેય કોઈ ખાનગી માર્કેટો અને ખાનગી સંસ્થાની જગ્યામાં પાલિકાના ખર્ચે વિકાસ કામ થયા નથી. શરમાશરમીમાં કોન્ટ્રાક્ટરે કામ કર્યુ હશે પરંતુ તેનુ બીલ ક્યારેય પાલિકામાં મુકવામાં આવ્યુ નથી. પરંતુ પાલિકાના વર્તમાન શાસનમાં માલિકીની પેઢીની જેમ વહિવટ ચાલી રહ્યો છે. ઠરાવો વગર આડેધડ વિકાસ કામ થઈ રહ્યા છે. ખાનગી માલિકીની જગ્યામાં કામ થઈ રહ્યા છે. પાલિકાના આવા અંધેર વહીવટ સામે પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલે બાયો ચઢાવી, પાલિકાનો ગેરવહીવટ ખુલ્લો પાડવા આર.ટી.આઈ.નુ હથિયાર ઉગામ્યુ છે. નૂતન હાઈસ્કુલ રોડ ઉપર જયશંકર સુંદરી હૉલની બાજુમાં આવેલ ઈદગાહની જગ્યા મુસ્લીમ સમાજની ખાનગી સંસ્થાની જગ્યા છે. તેવીજ રીતે એમ.એન.કોલેજ સામે આવેલ આનંદ માર્કેટ પણ પ્રાઈવેટ માલિકીનુ માર્કેટ છે. માર્કેટમાં ચાની કીટલી કે રસનુ કોલુ મુકવા માટે ખાનગી વ્યક્તિ દ્વારા ભાડુ ઉઘરાવવામાં આવે છે. આ બન્ને જગ્યાએ પાલિકાને સુપરત કરવામાં આવી નથી. તેમ છતાં પાલિકા દ્વારા ઈદગાહના ગ્રાઉન્ડમાં સીસી કામ કરાયુ તથા આનંદ માર્કેટમાં સીસી રોડ બનાવવામાં આવ્યો. જે બાબતે સભ્ય ગીરીશભાઈ પટેલ દ્વારા આર.ટી.આઈ. કરી માહિતી માગવામાં આવી છેકે પ્રાઈવેટ જગ્યામાં પાલિકા કામ કરી શકતી હોય તો પાલિકા અધિનિયમની કોપી આપવી. બન્ને ખાનગી જગ્યામાં વિકાસ કામ કરવા ઠરાવ કરાયો હોય તો તેની વિગત, ટેન્ડરીંગ કરાયુ હોય તો તેની વિગત તથા કયા સભ્યની ભલામણથી કામ કરાયુ તેની વિગતો માગવામાં આવી છે. પાલિકાની માલિકીની જુની એસ.બી.આઈ.વાળા મકાનમાં રીનોવેશન કરવા ગત બોડીમાં વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. તેનુ કેટલુ કામ થયુ તેની વિગત તથા બામણચાયડામાં સંપ અને ઓવરહેડ ટાંકીને લગતા ટેન્ડર, વર્કઓર્ડરની વિગતો આર.ટી.આઈ.માં માગવામાં આવી છે.
તળાવો, ચેકડેમો, નદીઓ ઉંડી કરી જયસંચય કરવાની સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાલિકા દ્વારા દેળીયુ અને મધેક તળાવની સફાઈ કરવા ટેન્ડરીંગ કરાતા તે બાબતે ગીરીશભાઈ પટેલે પાલિકામાં અરજી કરી હતી કે તા.૨૭-૪-૧૮ ના રોજ દૈનિકપેપરમાં ટુંકી મુદતની નિવિદા આપી તા.૧-૫-૧૮ સુધીમાં ફીઝીકલ ડોક્યુમેન્ટ પાલિકામાં પહોચતા કરવા જણાવાયુ હતુ. મ્યુ.અધિનિયમની કલમ ૬૭(૧) માં સ્પષ્ટ જોગવાઈ છેકે જાહેરાતમાં ઓછામાં ઓછા સાત દિવસનો સમયગાળો રાખવો ફરજીયાત છે. જ્યારે આ નિવિદામાં ફક્ત પાંચ દિવસની મુદત રાખવામાં આવી છે. તેમાં પણ ત્રણ દિવસ જાહેર રજાના હતા. જેથી આ જાહેરાત રદ થવા પાત્ર છે. આ નિવિદાની માહિતી માટે પણ આર.ટી.આઈ. કરવામાં આવી છે. તળાવ સફાઈની નિવિદા બાબતે ગીરીશભાઈ પટેલે જણાવ્યુ છેકે, આઠ મહિના પહેલા દેળીયા તળાવ સફાઈનુ ટેન્ડરીંગ કરાયુ હતુ. જેની સફાઈ થયા વગર પેમેન્ટ ચુકવાઈ ગયુ છે. ફરીથી તળાવ સફાઈની જાહેરાત આપવામાં આવી છે. જેમાં પાલિકાને મોટુ આર્થિક નુકશાન થાય તેમ છે.
અગાઉ ખેરાલુ રોડ ઉપર હિરો હોન્ડા શો રૂમ પાસેના વિકાસની કામગીરીમાં ફેરફાર કરવામાં આવતા આ વિવાદ કલેક્ટરમાં ચાલી રહ્યો છે. ૨૫૮ મુજબ ઠરાવ રદ કરવા અરજી કરવામાં આવી છે. ગીરીશભાઈ પટેલ દ્વારા આર.ટી.આઈ. સર્ટીફાઈડ નકલો માગવામાં આવી છે. જેથી આ ઠરાવો પણ ૨૫૮ મુજબ કલેક્ટરમાં પડકારવામાં આવે, તેમજ ખાનગી જગ્યાઓમાં થયેલ વિકાસ કામગીરીમાં ચુકવાયેલ પેમેન્ટની રીકવરી કરતા રજુઆત કરવામાં આવે તેમ જણાય છે.

Leave a Reply

Top