You are here
Home > Prachar News > વિસનગર પાલિકા પ્રમુખની નિષ્કાળજીના લીધે – વડનગરી દરવાજા આંગણવાડી પાસે ગંદકીનું સામ્રાજ્ય

વિસનગર પાલિકા પ્રમુખની નિષ્કાળજીના લીધે – વડનગરી દરવાજા આંગણવાડી પાસે ગંદકીનું સામ્રાજ્ય

વિસનગર પાલિકા પ્રમુખની નિષ્કાળજીના લીધે
વડનગરી દરવાજા આંગણવાડી પાસે ગંદકીનું સામ્રાજ્ય

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર નગરપાલિકાની નિષ્કાળજીના લીધે શહેરના વડનગરી દરવાજા પાસે આવેલ આંગણવાડી કેન્દ્રોની બહાર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. આ બાબતે આંગણવાડીના કાર્યકરોએ વારંવાર પાલિકામાં રજુઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે વહીવટીમાં જાણીતા પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ આંગણવાડી પાસે ફેલાતી ગંદકી દુર કરાવવા કોઈ કડક પગલા ભરશે કે પછી કોઈ બાળક ગંભીર બિમારીમાં સપડાય તેની રાહ જોશે ?
સરકાર રાજ્યના તમામ શહેરોને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે દરેક પાલિકાને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ પાલિકાના સત્તાધિશોની સરકારી ગ્રાન્ટોમાંથી ખાયકી કરવાની કે વ્હાલાદવાલાની નિતિના લીધે કેટલાંક શહેરોના જાહેર રસ્તાઓ ઉપર સ્વચ્છતા નહી થતા ભારે ગંદકી જોવા મળે છે. જેમા વિસનગરના વડનગરી દરવાજા બહાર વર્ષોથી ફેલાતી ગંદકી દુર કરવા માટે પાલિકાએ ત્રણ આંગણવાડીઓને જગ્યા ફાળવી હતી. પરંતુ આ વિસ્તારના રહીશોને કચરો નાખવા માટે પાલિકાએ કોઈ મોટી કચરાપેટી નહી મુકતા સ્થાનિક રહીશો આંગણવાડીની બહાર કચરો નાખે છે. કચરાના લીધે ગંદકી ફેલાતા આંગણવાડીના કાર્યકરો અને બાળકોને નાક ફાટી જાય તેવી દુર્ગંધ મારે છે. ગંદકીના લીધે ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે. આ બાબતે આંગણવાડીના કાર્યકરોએ વારંવાર નગરપાલિકામાં રજુઆત કરી છે. છતાં પાલિકાના સત્તાધિશોનું પેટનું પાણી પણ હલતુ નથી. એક બાજુ પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ તેમના શાસનમાં શહેરનો સર્વાગી વિકાસ કરવાના જાહેરમાં બણગા ફુંકે છે. શહેરમાં સ્વચ્છતાના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોવા છતાં શહેરના જાહેર માર્ગો ઉપર કચરાના ઢગલા જોવા મળે છે. પાલિકા પ્રમુખ શકુન્તલાબેન જાહેર રોડ ઉપર ફેલાતી ગંદકી દુર કરાવવા કોઈ કાર્યવાહી કરતા નથી. અગાઉ પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલના શાસનમાં શકુન્તલાબેનને ખુણે ખાંચરે ફેલાયેલી ગંદકી દેખાતી હતી ત્યારે તાત્કાલીક પાલિકા પ્રમુખને રજુઆત કરી ગંદકી દુર કરાવતા હતા. પરંતુ પોતે પાલિકા પ્રમુખ બન્યા પછી તેમને શહેરના વડનગરી દરવાજા બહાર ફેલાતી ગંદકી દુર કરાવવાની જરાય ફુરસદ નથી. પાલિકા પ્રમુખને ગરમીમાં એ.સી.ઓફિસમાં બેસી માત્ર વહીવટ કરવામા રસ છે. પ્રમુખના આવા વહીવટથી આગામી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસને વિધાનસભાની ચુંટણી કરતા પણ મોટુ નુકશાન ભોગવવુ પડેતો કંઈ નવાઈ નહી ?

Leave a Reply

Top