You are here
Home > News > અર્બુદા સોસાયટીના રહીસોએ પાણીના મુદ્દે પાલિકા પ્રમુખને આડેહાથ લીધા

અર્બુદા સોસાયટીના રહીસોએ પાણીના મુદ્દે પાલિકા પ્રમુખને આડેહાથ લીધા

અર્બુદા સોસાયટીના રહીસોએ પાણીના મુદ્દે પાલિકા પ્રમુખને આડેહાથ લીધા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખ શકુન્તલાબેન સહિત વોર્ડના લોકોએ પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ અને વિકાસમંચના સભ્યોને ખોબલે ખોબલે મત આપી વિજયી બનાવનાર અર્બુદાનગર સોસાયટીના રહીશોને છેલ્લા છ મહિનાથી પુરતા પ્રમાણમાં પાણી નહી આપતા રહીશોએ ભારે બુમરાડ મચાવી હતી. ત્યારે પાલિકા પ્રમુખ સહિતના સભ્યોએ ગત રવિવારે રાત્રે અર્બુદા સોસાયટીમાં મીટીંગ યોજી પુરતા પ્રમાણમાં પાણી આપવાની રહીશોને હૈયાધારણા આપી છે. જોકે અર્બુદા સોસાયટીના રહીશો પુરતા પ્રમાણમાં પાણી આપવાની બાબતે નગરપાલિકામાં ગત બોર્ડના ભાજપના શાસનની ભારોભાર પ્રશંસા કરતા હતા.
વિસનગર નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ અને વિકાસમંચના ગઠબંધનના શાસનમાં પાણી, સ્વચ્છતા, ગટરલાઈન સહિતની જરૂરી સુવિધા સાથે પોતાના વિસ્તારનો વિકાસ થશે તેવુ વિચારી રહીશોએ પોતાના વોર્ડના સભ્યોને ખોબલે ખોબલે મત આપી વિજયી બનાવ્યા હતા. અને પાલિકા સભ્યો પોતાના વોર્ડનો અદ્‌ભૂત વિકાસ કરશે તેવા સપના જોતા હતા. ત્યારે પાલિકા સભ્ય જશવંતભાઈ પટેલ, ભરતભાઈ શંભુભાઈ પટેલ, રાગીણીબેન પટેલ તથા દમયંતીબેન પટેલ પોતાના વોર્ડની અર્બુદાનગર સોસાયટીમાં પુરતા પ્રમાણમાં પાણી પહોંચાડવામાં નિષ્ફળ જતા રહીશોએ ભારે બુમરાડ મચાવી હતી. અર્બુદાના રહીશોનો પાલિકાના કોંગ્રેસના પ્રમુખ શકુન્તલાબેન પટેલ, સહિત પાલિકાના આ વોર્ડના ચાર સભ્યો ઉપર ભારે રોષ ઉભો થયો હતો. પરંતુ આ સોસાયટીના રહીશ અને કોંગ્રેસ અગ્રણી ડી.આઈ.પટેલ કોંગ્રેસના શાસનની બદનામની થશે તેવુ વિચારીને સોસાયટીના રહીશોને પાણીનો પ્રશ્ન ઝડપી હલ થશે તેવી હૈયાધારણા આપતા હતા. પ્રો.ડી.આઈ.પટેલ સહિત સોસાયટીના આગેવાનો પાલિકા પ્રમુખ સહિત વોર્ડના સભ્યોને આજની ઉનાળાની કાળઝાળ ગરમીમાં પુરતા પ્રમાણમાં સોસાયટીમાં પાણી આપવાની વારંવાર રજુઆત કરતા હતા છતાં પાલિકાના સત્તાધિશોએ સોસાયટીના રહીશોની રજુઆતને નહી ગણકારતા છેવટે કંટાળેલા રહીશોએ પાલિકામાં જઈ હોબાળો કરવાનુ નક્કી કર્યુ હતુ. આ બાબતની પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ સહિત વોર્ડના ચારેય સભ્યોને જાણ થતા તેઓએ ગત રવિવારે રાત્રે ૯-૦૦ કલાકે પ્રો.ડી.આઈ.પટેલના ઘરે પાણીના પ્રશ્નનો ઉકેલ લાવવા મીટીંગ યોજી હતી. આ મીટીંગમાં પ્રો.ડી.આઈ.પટેલ નિખાલસપણે પાલિકા પ્રમુખ સહિત ચારેય સભ્યોને એવુ કહ્યુ હતુ કે પાલિકાના ગત બોર્ડમાં અમારી સોસાયટીમાં ત્રીજા માળ સુધી પાણી ચડતુ હતુ. પછી બીજા માળ સુધી આવ્યુ. હવે તમારા શાસનમાં અંડર ગ્રાઉન્ડ ટાંકી પણ ભરાતી નથી. આતો પાલિકાનો કેવો વિકાસ કહેવાય? જોકે મીટીંગમાં ડી.આઈ.પટેલે જણાવ્યુ હતું કે આ વોર્ડના સભ્ય ફક્ત જશુભાઈ પટેલ મુશ્કેલી હોય તો દેખાય છે. બીજા સભ્યો ક્યારેક જોવા મળે છે. જ્યારે સોસાયટીના બીજા રહીશ નિકુંજભાઈ રાવલે રોષ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખાવા કરતા પાણીની વધુ જરૂીયાત હોય છે. પરંતુ પાલિકા દ્વારા સોસાયટીમાં પુરતા પ્રમાણમાં પાણી આપવામાં નહી આવતા અમારે પાણી માટે ટળવળવુ પડે છે. હાલ ઉનાળાનું વેકેશન હોવાથી બહારગામથી આવતા સગા-સબંધીઓને પાણીની સમસ્યાના લીધે ઘરે આવવાની સામેથી ના પાડવી પડે છે. જ્યારે પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલે રહીશોને એવુ કહ્યુ હતુ કે પૂર્વ પાલિકા પ્રમુખ ગીરીશભાઈ પટેલ પાલિકાના વિકાસ કામમાં રોડા નાખી રહ્યા છે. જેના કારણે વિકાસ કામો થતા નથી. જ્યારે સોસાયટીના કેટલાક રહીશોમાં એવી પણ ચર્ચા હતી કે પાલિકાતંત્ર શહેરના બીજા વિસ્તારોમાં પાણીની રેલમછેલ કરે છે. જ્યારે અમને જરૂરીયાત પ્રમાણે પાણી પહોચાડતા નથી. આમ પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ કોઈ કારણોસર કિન્નાખોરી રાખી અમને પાણી ઓછુ આપી રહ્યા છે. જ્યારે ભાજપના શાસનમાં અમારી સોસાયટીમાં પુરતા પ્રમાણમાં પાણી મળતુ હતુ. ત્યારે ભાજપના શાસનમાં વિકાસના અન્ય પ્રશ્ને ભાજપનો જાહેરમાં વિરોધ કરનાર કોંગ્રેસ અગ્રણી પ્રો.ડી.આઈ.પટેલ પાણીની સમસ્યા હલ કરવા પાલિકા સામે બાયો ચઢાવશે ખરા?

Leave a Reply

Top