You are here
Home > News > પાઈપલાઈન વિવાદમાં ફસાયેલા ૧૭ સભ્યોને મ્યુનિસિપલ કમિશ્નરનુ તેડુ સભ્યોને હોદ્દા ઉપરથી દુર કેમ ન કરવા કારણદર્શક નોટીસ

પાઈપલાઈન વિવાદમાં ફસાયેલા ૧૭ સભ્યોને મ્યુનિસિપલ કમિશ્નરનુ તેડુ સભ્યોને હોદ્દા ઉપરથી દુર કેમ ન કરવા કારણદર્શક નોટીસ

પાઈપલાઈન વિવાદમાં ફસાયેલા ૧૭ સભ્યોને મ્યુનિસિપલ કમિશ્નરનુ તેડુ
સભ્યોને હોદ્દા ઉપરથી દુર કેમ ન કરવા કારણદર્શક નોટીસ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર નગરપાલિકાના ગઠબંધનના શાસનમાં પાઈપલાઈનની કામગીરી બાદ ગેરકાયદેસર નાણાંના ચુકવણાનો અહેવાલ કલેક્ટરે મ્યુનિસિપલ કમિશ્નરને મોકલી આપ્યો છે. જેમાં વિવાદમાં ફસાયેલા પ્રમુખ સહિતના ૧૭ સભ્યોને હોદ્દા ઉપરથી દુર કેમ ન કરવા અને થયેલ રૂા.૮૩ લાખના ચુકવણામાં વરાળે પડતી રકમનો વસુલાતનો હુકમ કેમ ન કરવો તેવી કારણદર્શક નોટીસ આપવામાં આવતા સભ્યોના પગતળેથી જમીન સરકી ગઈ છે. જવાબ રજુ કરવા મુદત માગવામાં આવતા તા.૧૩-૬ ની મુદત આપવામાં આવી છે.
વિસનગર પાલિકા દ્વારા ખેરાલુ રોડ હિરો હોન્ડા શો રૂમ પાસેના નેળીયામાં સીસી રોડનુ ટેન્ડરીંગ કરી વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. ત્યારે ગઠબંધનના શાસનમાં ટેન્ડરમાં ફેરફાર કરી મંજુરી મેળવ્યા વગર સીસી રોડની જગ્યાએ વરસાદી પાણીની પાઈપલાઈન નાખી કોન્ટ્રાક્ટરને રૂા.૮૪,૦૩,૩૭૨ નું ચુકવણુ કરવામાં આવ્યુ હતુ. જે કામગીરીની બહાલી મેળવવા પ્રમુખ શકુન્તલાબેન પટેલની અધ્યક્ષતામાં મળેલ જનરલમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જેને કલમ ૨૫૮ મુજબ ઠરાવને રીવ્યુમાં લેવા રસીલાબેન કાન્તીભાઈ પટેલ દ્વારા અરજી કરવામાં આવતા કલેક્ટરશ્રીએ સમગ્ર કામગીરીની તપાસ કરી અને અભ્યાસ કરી ગેરકાયદેસર કામ થયુ હોવાનો હુકમ કરી આ અહેવાલ કમિશ્નર મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશનની કચેરી ગાંધીનગરને મોકલી આપવામાં આવ્યો હતો.
ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નરને મળેલા કલેક્ટરના અહેવાલ પ્રમાણે ગેરકાયદેસર કામગીરીના ઠરાવને મંજુરી આપનાર પ્રમુખ સહિતના ૧૭ સભ્યોને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે.                                        કયા સભ્યોને કારણદર્શક નોટીસ મળી                                                      (૧) શકુન્તલાબેન એન.પટેલ-પ્રમુખ
(૨) પ્રકાશભાઈ સી.દાણી-ઉપપ્રમુખ
(૩) રશ્મીબેન કે.બારોટ
(૪) ઈકબાલભાઈ એ.મેમણ
(૫) રણછોડભાઈ જી.ભીલ
(૬) દમયંતીબેન એન.પટેલ
(૭) ભરતકુમાર એસ.પટેલ
(૮) કુસુમબેન બી.ત્રીવેદી
(૯) ગોવિંદભાઈ જે.પટેલ
(૧૦) સુરેશભાઈ એ.સથવારા
(૧૧) નયનાબેન આર.પટેલ
(૧૨) રાજેશકુમાર કે.પટેલ
(૧૩) પરેશભાઈ એસ.પટેલ
(૧૪) મધુબેન બી.ઠાકોર
(૧૫) સંગીતાબેન કે.પટેલ
(૧૬) જગદીશભાઈ યુ.ચૌહાણ
(૧૭) ફુલચંદભાઈ બી.પટેલ
ભાજપના ૬ સભ્યો અને રંજનબેન દર્શનભાઈ પરમારે ઠરાવમાં વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે બાકીના સભ્યો આ જનરલમાં ગેરહાજર રહ્યા હતા.જેમાં જણાવ્યુ છેકે પ્રમુખ સહીતના ૧૭ સભ્યોએ પાલિકાના નાણાંનો દુરવ્યવહાર તેમજ સત્તાનો દુરઉપયોગ કરીને બહુમતિથી ઠરાવો પસાર કરીને ગેરકાયદેસર નાણાંનુ ચુકવણુ કરવામાં આવ્યુ છે. પાઈપલાઈન નાખવા રૂા.૮૨ લાખ કરતા વધારે રકમનુ કામ કરાવવા કોઈજાતનો ઠરાવ કર્યો નથી. ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી. સક્ષમ અધિકારી પાસેથી ફેરફારની વહિવટી મંજુરી મેળવી નથી. રીવાઈઝ વહિવટી મંજુરી લેવામાં આવી નથી. તાંત્રીક મંજુરી કે વહિવટી મંજુરી મેળવ્યા સીવાય, પ્લાન એસ્ટીમેટ બનાવ્યા વગર, ટેન્ડર પ્રક્રિયા અનુસર્યા વગર, કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવી રૂા.૮૪,૦૩, ૩૭૨ નુ ચુકવણુ કરી ગંભીર પ્રકારની ગેરરીતી આચરીને ગેરવર્તણુક કરાઈ છે. ટેન્ડરની રકમ કરતા વધુ રકમના કામો મંજરુ કરીને બીલો ચુકવીને નાણાંકીય ઉચાપત કરવામાં આવી છે. તા.૧૪-૫-૨૦૧૮ ના કલેક્ટરશ્રીના અહેવાલ પ્રમાણે ગેરરીતી આચરેલ ઠરાવ બહુમતીથી બહાલી આપી ગેરવર્તણુક આચરવામાં આવી છે. જેથી ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ-૩૭ હેઠળ પગલા લેવા પાત્ર થાય છે. જેથી તમોને પાલિકા પ્રમુખ / સભ્યપદેથી દુર કેમ ન કરવા? બીજી કારણદર્શક નોટીસ આપી છેકે રૂા.૮૪,૦૩,૩૭૨ નું ખર્ચ કરીને ગેરકાયદેસર ચુકવણુ કરીને પાલિકાને આર્થિક નુકશાન કરેલ છે. જેથી થયેલ આર્થિક નુકશાન તમારી પાસેથી ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની કલમ ૭૦(૧) હેઠળ પગલા લઈને વરાળે પડતી રકમનો વસુલાતનો હુકમ કેમ ન કરવો? બન્ને કારણદર્શક નોટીસ આપી તા.૨૯-૫-૨૦૧૮ બપોરે ૩-૦૦ કલાકે હાજર રહેવા જણાવ્યુ હતુ. જેમાં પ્રમુખ અને સભ્યોએ સંયુક્ત રીતે જવાબ આપવાની જગ્યાએ પ્રમુખે અલગ વકીલ રોકી તથા ૧૬ સભ્યોએ અલગ વકીલ રોકી હાજર થઈ જવાબ આપવા માટે સમય માગતા તા.૧૩-૬-૨૦૧૮ ની મુદત આપવામાં આવી છે.
નોંધપાત્ર બાબત છેકે કલેક્ટરમાં જે બે ઠરાવ માટે ૨૫૮ મુજબ રીવ્યુ અરજી કરવામાં આવી તે પાલિકા કર્મચારીઓને છઠ્ઠા પગારપંચનો લાભ આપવાનો ઠરાવ નં.૧૨૨ તથા પાઈપલાઈન કામગીરીને મંજુરી આપવાનો ઠરાવ નં.૧૨૭ એકજ જનરલમાં થયા હતા. જેમાં પાલિકા અધિનિયમ અને જોગવાઈઓના અનુભવી દર્શનભાઈ પરમાર જોલીના પત્ની પાલિકા સભ્ય રંજનબેન પરમાર આ જનરલમાં હાજર હોવા છતા પાલિકા કર્મચારીઓના લાભના ઠરાવને મંજુરી આપી હતી. અને પાઈપલાઈનના ઠરાવનો વિરોધ નોંધાવ્યો હતો. દર્શનભાઈ પરમારના અનુભવ અને સુચના પ્રમાણે સભ્યોએ અમલ કર્યો હોત તો આજ સભ્યો કારણદર્શક નોટીસમાંથી બચી શક્યા હોત.

Leave a Reply

Top