You are here
Home > News > બક્ષીપંચના મતથી ભાજપે વિધાનસભામાં બહુમતી મેળવી ત્યારે બક્ષીપંચ સમાજના આસોડા ગામ પ્રત્યે ભાજપના ધારાસભ્યની અવગણના

બક્ષીપંચના મતથી ભાજપે વિધાનસભામાં બહુમતી મેળવી ત્યારે બક્ષીપંચ સમાજના આસોડા ગામ પ્રત્યે ભાજપના ધારાસભ્યની અવગણના

બક્ષીપંચના મતથી ભાજપે વિધાનસભામાં બહુમતી મેળવી ત્યારે
બક્ષીપંચ સમાજના આસોડા ગામ પ્રત્યે ભાજપના ધારાસભ્યની અવગણના
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
અનામત આંદોલનના કારણે ભાજપ સામે પાટીદારોનો રોષ હતો. વિધાનસભાની ચુંટણીમાં પાટીદારોના ગામમાં ભાજપના ઉમેદવારો પ્રચાર માટે જઈ નહોતા શકતા. આવા સમયે બક્ષીપંચ સમાજ ભાજપની વહારે આવ્યો અને વિધાનસભાની ચુંટણીમાં ભાજપની આબરૂ જતા રહી ગઈ. પણ સત્તામાં આવ્યા બાદ ભાજપના પાટીદાર ધારાસભ્ય બક્ષીપંચનુ ઋણ ટુંક સમયમાંજ ભુલ્યા હોય તેમ જણાય છે. વિજાપુર તાલુકાના બક્ષીપંચ સમાજના આસોડા ગામમાં પ્રાથમિક શાળા જર્જરીત બની છે. બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે વિજાપુર ધારાસભ્ય તેમજ સાંસદની મદદ નહી મળતા પ્રાથમિક શાળાનુ મકાન નવુ બની શકતુ નથી.
વિજાપુર તાલુકાનુ આસોડા ગામ બક્ષીપંચ સમાજનુ ગામ છે. આ ગામમાં ૬૨ વર્ષ પહેલા ૧૯૫૬ માં સમસ્ત ગ્રામજનોના લોકફાળાથી બે રૂમની પ્રાથમિક શાળા બનાવવામાં આવી હતી. અત્યારે બક્ષીપંચ સમાજના બાળકો જ્યા અભ્યાસ કરી રહ્યા છે તે પ્રાથમિક શાળા જર્જરીત બની છે. ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં છે. બક્ષીપંચ સમાજના બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. ગ્રામજનોએ પ્રાથમિક શાળાના રીપેરીંગ માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ પ્રા.શાળાની બાજુમાં જસમલનાથ વૈજનાથ મહાદેવનુ પૌરાણીક મંદિર આવેલુ છે. આ મંદિરનો કેન્દ્ર સરકાર હસ્તકના ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા વહિવટ થઈ રહ્યો છે. આ પુરાતત્વ વિભાગ શાળાના બે રૂમનુ કામકાજ થવા દેવામાં આવતુ નથી. શાળાનુ બાંધકામ કરવા જાય ત્યારે મંદિરની આસપાસ ૧૦૦ મીટર વત્તા બસો મીટરના અંદર કોઈ બાંધકામ કરવુ નહી તેમ કહી પુરાતત્વ વિભાગ દ્વારા નોટીસ આપવામાં આવી છે. શાળાના રીપેરીંગનો પ્રયત્ન કરનાર આચાર્યને પુરાતત્વ વિભાગ દ્વારા નોટીસ આપી તાકીદ કરવામાં આવી છેકે બાંધકામ કરવામાં આવશે તો બે લાખ રૂપિયા દંડ તથા સજા કરવામાં આવશે. બક્ષીપંચ સમાજના બાળકો તથા ગ્રામજનોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી મંદિર દેખભાળ કરતા સરકારી કર્મચારીઓને તેમજ મંદિરના બગીચા માટે મફત પાણી આપવામાં આવે છે. મંદિરના વિકાસ માટે ગ્રામ પંચાયત દ્વારા વડાસણથી આસોડા સુધી ગ્રામીણ રોડ બનાવવામાં આવ્યો છે. બસ સ્ટેન્ડ પાસે પાર્કિંગ માટે જગ્યા ફાળવવામાં આવી છે. ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત થકી મંદિરના વિકાસ માટે યોગદાન આપવામાં આવે છે. ત્યારે ગ્રામજનો નવીન બાંધકામ કરે પુરાતત્વ વિભાગ દ્વારા નોટીસ આપવામાં આવે છે.
બક્ષીપંચ સમાજના આસોડાના ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાના નવીનીકરણ તેમજ ગ્રામજનોની મુશ્કેલી બાબતે સાંસદ જયશ્રીબેન પટેલને વારંવાર રજુઆત કરવામાં આવી છે. વિજાપુરના બક્ષીપંચના મતથી ચુંટાયેલા ધારાસભ્ય રમણભાઈ પટેલને પણ ગ્રામજનોની મુશ્કેલી બાબતે રજુઆત કરવામાં આવી છે. પરંતુ પાટીદાર સમાજના સાંસદ અને ધારાસભ્ય દ્વારા ઠાકોર, રબારી, વણકર, સેનમા, શ્રીમાળી, જેવા પછાત સમાજના ગામ પ્રત્યે અવગણના કરવામાં આવી રહી છે. ઢીંચણ તો પેટ બાજુજ નમે. જેમણે મત નથી આપ્યા તેમને ભાજપના ધારાસભ્ય દ્વારા પંપાળવામાં આવી રહ્યા છે. તેમના કામ ચપટી વગાડતા થાય છે જ્યારે જેમને મત આપ્યા છે તેવા આસોડા જેવા બક્ષીપંચ સમાજના નાના ગામની અવગણના કરવામાં આવી રહી છે.

Leave a Reply

Top