ધારાસભ્ય કાર્યાલય અને માર્કેટયાર્ડ કાર્યકરોનો અડ્ડો બનતા  –  વિસનગર તાલુકા ભાજપ કાર્યાલયના બંધ તાળા ક્યારે ખુલશે?

ધારાસભ્ય કાર્યાલય અને માર્કેટયાર્ડ કાર્યકરોનો અડ્ડો બનતા – વિસનગર તાલુકા ભાજપ કાર્યાલયના બંધ તાળા ક્યારે ખુલશે?

Prachar News No Comments on ધારાસભ્ય કાર્યાલય અને માર્કેટયાર્ડ કાર્યકરોનો અડ્ડો બનતા – વિસનગર તાલુકા ભાજપ કાર્યાલયના બંધ તાળા ક્યારે ખુલશે?

ધારાસભ્ય કાર્યાલય અને માર્કેટયાર્ડ કાર્યકરોનો અડ્ડો બનતા
વિસનગર તાલુકા ભાજપ કાર્યાલયના બંધ તાળા ક્યારે ખુલશે?

(પ્ર.ન્યુ.સ.)             વિસનગર,         રવિવાર
વિસનગર તાલુકા ભાજપ કાર્યાલય એક સમય હતો કે ધમધમતુ હતુ. પરંતુ અત્યારે ધારાસભ્ય કાર્યાલય તેમજ માર્કેટયાર્ડ ઓફીસ કાર્યકરોનો અડ્ડો બનતા તાલુકા ભાજપ કાર્યાલયને તાળા લાગી ગયા છે. ભાજપના આગેવાનો, કાર્યકરો અને દાતાઓના સહયોગથી તાલુકા કાર્યાલયની સ્થાપના કરાઈ હતી. પરંતુ ધારાસભ્ય અને તાલુકાના આગેવાનોની દુર્લક્ષતાથી તાલુકા કાર્યાલય સુમસામ ભાસી રહ્યુ છે.
વિસનગરમાં સ્ટેશન રોડ ઉપર તાલુકા પંચાયત સામેના ગોલ્ડકોઈન માર્કેટમાં આવેલ તાલુકા ભાજપ કાર્યાલયનો એક વખતે દબદબો હતો. તાલુકાના ભાજપના પાયાના કાર્યકર જશુભાઈ વી.પટેલના પ્રયત્નો તેમજ ભાજપના જુના કાર્યકરોના દાનથી ગોલ્ડકોઈન માર્કેટના બીજા માળે રૂા.૫ લાખના ખર્ચે બે દુકાનો ખરીદી તાલુકા ભાજપ કાર્યાલયની સ્થાપના કરાઈ હતી. તે સમયે તાલુકાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોને કાર્યાલયમાં બેસવા માટે તાત્કાલીક ખુરશીઓ, ગોદળા, ટેલીફોન સહીતની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. કાર્યાલયમાં રંગરોગાન પણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યાલય બનતા ભાજપના કાર્યકરોનો ઘસારો રહેતો હતો. તાલુકાની પ્રજાના પ્રશ્નો હલ થતા હતા. વર્ષ ૨૦૦૭ ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપના ધારાસભ્ય ઋષિભાઈ પટેલનો વિજય થયા બાદ વર્ષ ૨૦૧૨ સુધી તાલુકા કાર્યાલયમાં ભાજપના કાર્યક્રમો થતા હતા, મીટીંગો થતી હતી. ત્યારબાદ ધારાસભ્ય કાર્યાલય શરૂ કરવામાં આવતા તાલુકા કાર્યાલયમાં કાર્યકરોનો ઘસારો ઓછો થયો હતો. તાલુકા પંચાયતમાં ભાજપનુ શાસન હતુ ત્યારે તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ     ચૌધરીના શાસનમાં તાલુકા કાર્યાલયમાં ફરીથી ભાજપના કાર્યક્રમો શરૂ થયા હતા. પરંતુ સમય જતા કાર્યકરોનો તાલુકા પંચાયતમાં ઘસારો વધતા તાલુકા કાર્યાલય ધૂળ ખાતુ ખંડેર હાલતમાં બની ગયુ હતુ. ત્યારબાદ તો તાલુકા કાર્યાલય પ્રત્યે એટલી દુર્લક્ષતા રાખવામાં આવી કે કાર્યાલયનુ વિજ બીલ ભરપાઈ ન થતા કનેક્શન પણ કપાઈ ગયુ હતુ. ધારાસભ્ય માર્કેટયાર્ડના ચેરમેન બનતા ભાજપના કાર્યકરોને બેઠક માટે નવુ સ્થળ મળ્યુ. માર્કેટયાર્ડની ઓફીસમાં કાર્યકરોનો ઘસારો શરૂ થયો. વળી ભાજપના મોટાભાગના કાર્યકર્મો માર્કેટયાર્ડના હૉલમાં થતા દાતાઓના દાનથી સ્થાપના કરાયેલ કાર્યાલય બંધ હાલતમાં પડી રહ્યુ છે. ભાજપના ધારાસભ્ય સાથે કાર્યકરોને ગમો અણગમો હોય ત્યારે આ કાર્યાલય તાલુકાના કાર્યકરો માટેની બેઠકનુ સ્થળ હતુ. પરંતુ અત્યારે તાલુકા કાર્યાલયની અવગણના કરવામાં આવી રહી છે. કાર્યાલયનુ મહત્વ ન જળવાતા દાન આપનાર ભાજપના જુના કાર્યકરોમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે જશુભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે તાલુકા ભાજપ કાર્યાલય બનાવવા માટે ભાજપના પાયાના કાર્યકરોનુ મોટુ યોગદાન રહ્યુ છે. આ કાર્યાલય ફરીથી ધમધમતુ કરવા પુરા પ્રયત્નો કરીશુ.

Leave a comment

Back to Top