You are here
Home > News > નાયબ મુખ્યમંત્રીએ નવુ એસ.ટી.સ્ટેન્ડ અને સિવિલમાં ઓપીડીનુ લોકાર્પણ કર્યુ વિસનગરને સુવિધાઓ મળે તેવી ઈચ્છા પુર્ણ થઈ-નીતિનભાઈ પટેલ

નાયબ મુખ્યમંત્રીએ નવુ એસ.ટી.સ્ટેન્ડ અને સિવિલમાં ઓપીડીનુ લોકાર્પણ કર્યુ વિસનગરને સુવિધાઓ મળે તેવી ઈચ્છા પુર્ણ થઈ-નીતિનભાઈ પટેલ

નાયબ મુખ્યમંત્રીએ નવુ એસ.ટી.સ્ટેન્ડ અને સિવિલમાં ઓપીડીનુ લોકાર્પણ કર્યુ
વિસનગરને સુવિધાઓ મળે તેવી ઈચ્છા પુર્ણ થઈ-નીતિનભાઈ પટેલ

નાયબ મુખ્યમંત્રીના વ્યક્તવ્યના મુખ્ય અંશ

  • –    ઉત્તર ગુજરાતમાં ક્યાંય ન હોય તેવી ૭૦ વર્ષ જુની ભવ્ય હોસ્પિટલ વિસનગરમા છે
  • –    વિસનગર સેવાનુ કેન્દ્ર છે
  • –    ભાજપ સરકાર માનવ સેવાવાળી સરકાર છે
  • –    ટીબીની ગંભીર બીમારી હોય તેવા દર્દિને રૂા.૧૮ લાખના ઈન્જેક્શન આપવાનો ખર્ચ ગુજરાતની ભાજપ સરકાર ભોગવે છે
  • –    અકસ્માતમાં રૂા.૫૦,૦૦૦ સુધીનો ખર્ચ આપવાની અને સિનિયર સિટીઝન્સને રૂા.૩ લાખની વિનામુલ્યે સારવાર આપવાની યોજના આખા દેશમાં ક્યાય નથી
  • –    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિર્ણય કર્યો છેકે વર્ષ ૨૦૨૫ સુધીમાં આખા દેશમાંથી ટીબી નાબુદ કરવો
  • –    એસ.ટી. ધર્માદા તરીકે ચલાવીએ છીએ, જેમાં ખુટતો ખર્ચ સરકાર આપે છે

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
વિસનગરમાં નવુ એસ.ટી.સ્ટેન્ડ અને સિવિલ હોસ્પિટલમાં નવુ ઓ.પી.ડી.નુ મકાનના ઉદ્‌ઘાટન અને લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ હતું કે આજે પ્રજા ઉપયોગી કાર્યો વિસનગરમાં પુર્ણ થાય છે. વિસનગરમાં બે મોટી સુવિધાઓ પુર્ણ કરવામાં આવી છે. વિસનગરને તમામ સુવિધાઓ મળે તેવી મારી ઈચ્છા હતી જે પુર્ણ થઈ છે. આ પ્રસંગે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને ભાજપ સંગઠન દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનુ પુર્ણ કદનો હાર પહેરાવી ભવ્ય સન્માન અને સ્વાગત કર્યુ હતુ.
વિસનગરમાં તા.૩-૬-૨૦૧૮ ને રવિવારના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા રૂા.૨.૮૦ કરોડના ખર્ચે બનાવેલ નવુ બસ સ્ટેન્ડ અને સિવિલ હોસ્પિટલમાં રૂા.૩ કરોડના ખર્ચે બનાવેલ ઓ.પી.ડી.વિભાગના મકાનનુ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા ધારાસભ્ય ઋષિભાઈ પટેલના મુખ્ય મહેમાન પદે ઉદ્‌ઘાટન તેમજ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે વર્ષ ૧૯૪૯ માં ગીરધરભાઈ ડોસાભાઈ પરીખના રૂા.૫.૨૫ લાખના દાનથી સિવિલ હોસ્પિટલનુ મકાન બન્યુ હતુ. જેમાં સુવિધાઓ વધે તે માટે ઓ.પી.ડી.વિભાગનુ ખાતમુહુર્ત પણ નીતિનભાઈ પટેલના હસ્તે થયુ હતુ. અને ઉદ્‌ઘાટન પણ લોકલાડીલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે થયુ. મહેસાણા જીલ્લાના નાનામાં નાના ગામમાં રસ દાખવી નાયબ મુખ્યમંત્રી વિકાસ કાર્યો કરી રહ્યા છે. જેમનુ સ્વાગત કરૂ છુ. વિસનગરના સરાઉડીંગ વિસ્તારમાં ફોરલેન રોડ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ જે સુવિધાઓ છે તે નીતિનભાઈ પટેલને આભારી છે. ધાધુસણથી રેડલક્ષ્મીપુરા અને ખેરવાથી વિસનગર રૂા.૩૪૮ કરોડના ખર્ચે પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. જેનાથી તળાવો ભરાશે અને ભુગર્ભ તળ ઉંડા જતા અટકશે. રસ્તા, આરોગ્ય, શિક્ષણ, સીંચાઈ, ખેડૂતોની સુવિધા વિગેરે ક્ષેત્ર સરકારનુ ધ્યાન ફક્ત વિકાસ તરફ છે. ઉનાળો આકરો છે. પીવાનુ પાણી પુરૂ પાડવામાં સરકારને આકરૂ પડશે તેવો ભય ઉભો કરવામાં આવ્યો હતો. પરંતુ પાણી માટે ક્યાંય બુમ આવી નથી. કોઈપણ મુશ્કેલી કે પ્રશ્ન ધ્યાનમાં આવે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, તાત્કાલીક તેનો નિકાલ કરે છે. રાત્રે ૧૧-૦૦ કલાકે કોઈ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ફોન કરે અને તે ફોન રીસીવ કરી ફોન કરનારની મુશ્કેલી દુર કરવા સુચના આવે તે ભાજપના કાર્યકરના સંસ્કારોને આભારી છે.
એસ.ટી.સ્ટેન્ડનુ ઉદ્‌ઘાટન કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં આવેલ ઓ.પી.ડી.નુ ઉદ્‌ઘાટન કરી હોસ્પિટલના દર્દિઓની મુલાકાત લઈ કાર્યક્રમ સ્થળે આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ધારાસભ્ય ઋષિભાઈ પટેલ હોસ્પિટલ અને વિસનગરના વિવિધ પ્રશ્ને સતત જાગૃત રહ્યા છે. દર મંગળવારે ગાંધીનગર અધિકારીઓને મળી વિવિધ પ્રશ્ને રજુઆતો કરે છે અને તેને ફોલોપ કરી કામ આગળ વધે તેવા સતત પ્રયત્નો કરે છે. રોગી કલ્યાણ સમિતિના ઈશ્વરલાલ નેતા, પ્રચારના તંત્રી બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ તથા અન્ય સભ્યોને યાદ કરી વિકાસ માટેના પ્રયત્નો બીરદાવી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ર્ડા.પારૂલબેન પટેલ પુરા ઉત્સાહથી કામ કરી રહ્યા હોવાનુ જણાવ્યુ હતુ. નવુ ઓ.પી.ડી. ભવન બનાવવાના વિચારનો પાયો ક્યારથી નંખાયો તે બાબતે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે વર્ષ-૨૦૧૪ માં વિસનગર આવવાનુ થયુ ત્યારે તે વખતના ચેરમેન પ્રહેલાદભાઈ ગોસાએ સિવિલને એમ્બ્યુલન્સ આપવા જણાવ્યુ હતુ. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પણ હતા. ત્યારબાદ સિવિલમાં આવતા રોગી કલ્યાણ સમિતિ સાથે બે કલાક ચર્ચા થઈ હતી. જેમાં ૭૦ વર્ષ જૂની અને રૂા.૫.૨૫ લાખના દાનથી બનેલી ભવ્ય હોસ્પિટલનુ કામ વધતા નવી સગવડ વધારવા રજુઆતો કરી હતી. તે વખતે હુ આરોગ્યમંત્રી હતો. તે વખતે ઓપીડી મકાનનુ કામ મંજુર કર્યુ અને અત્યારે તેનુ ઉદ્‌ઘાટન થયુ. વિસનગર સેવાનુ કેન્દ્ર છે. શહેરમાં ટ્રસ્ટની અને સામાજીક હોસ્પિટલો વર્ષોથી દર્દીઓની સેવા કરે છે. વિસનગર સિવિલમાં વર્ષે ૧,૫૦,૦૦૦ દર્દીઓની ઓપીડી થાય છે અને ૧૮ થી ૨૦ હજાર દર્દીઓ દાખલ થઈ સારવાર લે છે. હવે દર્દીઓને નવી સુવિધા પ્રાપ્ત થશે. પહેલા ડાયાલીસીસની સુવિધા અમદાવાદ હતી. દર્દિઓને દુર દુરના ગામડામાંથી આવવુ પડતુ હતુ. લાંબો સમય રાહ જોવી પડતી હતી. ત્યારે હુ આરોગ્ય મંત્રી હતો અને દરેક જીલ્લામાં ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવા નિર્ણય કર્યો. ચાર પાંચ વર્ષ પહેલાજ નિર્ણય કર્યો હતો જે અંતર્ગત વિસનગર સિવિલમાં ડાયાલીસીસના સાત મશીન મુકવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં એક ડાયાલીસીસના રૂા.૨૦૦૦ થી ૨૫૦૦ થાય છે. ત્યારે વિસનગર સિવિલમાં વિનામુલ્યે દર્દીઓ ડાયાલીસીસની સારવાર લઈ રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ભાજપ સરકાર માનવ સેવાવાળી સરકાર છે. આ બધી સુવિધાઓ જાત અનુભવથી અને વિચારથી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં કોઈને પણ અકસ્માત થાય તો શરૂઆતના ૪૮ કલાક સુધી રૂા.૫૦,૦૦૦ સુધીનો સારવારનો ખર્ચ ગુજરાતની ભાજપ સરકાર આપશે. આખા દેશમાં કોઈ સરકાર આવી સેવા આપતી નથી. હાલના વડાપ્રધાન અને તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી મા અમૃતમ યોજના, મા વાત્સલ્ય યોજના લાવ્યા. જેમાં પ્રથમ રૂા.૨ લાખ, ત્યારબાદ રૂા.૨.૫ લાખ અને અત્યારે રૂા.૩ લાખનો વધારો કરાયો છે. જેમાં ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન્સનો પણ આ યોજનામાં સમાવેશ કર્યા છે. છોકરો મધ્યમ વર્ગનો હોય અને વૃધ્ધ મા-બાપ બીમાર પડે તો ગંભીર બીમારીની બાબતે સારવાર લેતા નહોતા. મધ્યમ વર્ગના છોકરાને વધારાનો ખર્ચ કરવો ન પડે તે માટે સહન કરતા હતા. જે બાબત ધ્યાનમાં આવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે બજેટની ચર્ચામાં બેઠા હતા ત્યારે સિનિયર સિટીઝન્સને સારવારનુ સુચન થયુ અને છોકરાઓ રૂા.૫ લાખ કરતા પણ વધારે કમાતા હોય તેવા છોકરાઓના વૃધ્ધ મા-બાપને મા વાત્સલ્ય યોજનાનો લાભ આપવા નિર્ણય કર્યો. આખા ભારતમાં આવી ક્યાય સેવા નથી.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિર્ણય કર્યા છેકે વર્ષ ૨૦૨૫ સુધીમાં આખા દેશમાંથી ટીબી નાબુદ કરવો. સેવાભાવી સંસ્થાઓના સહકારથી પોલીયોના ટીપા પીવડાવી પોલીયો નાબુદ કર્યો. વર્ષ-૨૦૦૭ પછી ગુજરાતમાં એકપણ પોલીયોવાળા બાળકનો જન્મ થયો નથી. તેમ ટીબી નાબુદ કરવાના અભિગમ મુજબ વિસનગર સિવિલમાં રૂા.૨૫ લાખના ખર્ચે ટીબીના ટેસ્ટ માટેનુ મશીન આપવામાં આવ્યુ. જેમાં ફક્ત બેજ કલાકમાં ટીબીનો રીપોર્ટ આવે છે.
નાયબ મુખ્યમંત્રી ભુતકાળની યાદો તાજી કરતા જણાવ્યુ હતું કે નાનો હતો ત્યારે મહેસાણાથી વિસનગર એસ.ટી.માં આવતો હતો અને ચાલતો દાદાના ઘરે જતો હતો. ત્યારથી એસ.ટી.ડેપો જુનો હતો. છાપરાવાળો, કોઈ સુધારા વધારા નહોતા. અગાઉ વાહન વ્યવહાર મંત્રી હતો ત્યારે બધાજ તાલુકાના ડેપો નવા અદ્યતન બનાવવા નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે વિસનગર એસ.ટી.સ્ટેન્ડ નવુ બન્યુ છે. નાના ગામડાના રોડ ઉપર એસ.ટી.સ્ટેન્ડ પણ નવા બનાવીએ છીએ. સમગ્ર રાજ્યમાં રોજના ૨૩ થી ૨૪ લાખ મુસાફરો મુસાફરી કરે છે. વિદ્યાર્થીઓને, સ્વાતંત્ર્ય સેનાનીઓને, અપંગ વ્યક્તિઓને મફત મુસાફરી પાસ આપવામાં આવે છે. એસ.ટી.ને ધર્માદા તરીકે ચલાવીએ છીએ. સરકાર એસ.ટી.વિભાગને ખુટતો ખર્ચ આપે છે. વિસનગરને તમામ સુવિધાઓનો લાભ મળે તેવી ઈચ્છા હતી. જે ઈચ્છા આજે પરિપુર્ણ થઈ છે. પાન-મસાલા ખાઈ જ્યા ત્યા પીચકારી મારતા લોકોને એસ.ટી.સ્ટેન્ડ, સિવિલ હોસ્પિટલ, રેલ્વે સ્ટેશન, સરકારી કચેરીઓમાં જ્યા ત્યાં પીચકારી નહી મારી સ્વચ્છતા રાખવા વિનંતી કરી હતી.
આ પ્રસંગે સુરત ઉધનાના ધારાસભ્ય વિસનગરના વતની વિવેકભાઈ પટેલ, પૂર્વ સાંસદ પુજાજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય પ્રહેલાદભાઈ ગોસા, સાંકળચંદ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, ભાજપ અગ્રણી જશુભાઈ પટેલ, મજુર સહકારી મંડળીના ચેરમેન પી.સી.પટેલ, રાજુભાઈ પટેલ આર.કે., કિર્તિભાઈ કલાનિકેતન, મહેન્દ્રભાઈ પટેલ વાલમ, તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ, મુકેશભાઈ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ ચૌધરી, ગંજબજારના વેપારી અગ્રણી કરશનકાકા, એસ.ટી.અધિકારી રાજેન્દ્રસિંહ સરવૈયા, વિભાગીય નિયામક યોગેશભાઈ પટેલ, મહેસાણાના સિવિલ સર્જન ર્ડા.હર્ષદભાઈ પરમાર, મામલતદાર એ.એન. સોલંકી, ટી.ડી.ઓ.વિજયભાઈ ચૌધરી વિગેરે અધિકારીઓ અને પદાધિકારીઓએ હાજરી આપી હતી. આભારવિધિ સિવિલ હોસ્પિટલના રાજુભાઈ મોદીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન પ્રસિધ્ધ સ્ટેજ કલાકાર હાસ્ય કલાકાર વિજાપુરના અજયભાઈ બારોટે કર્યુ હતુ.

Leave a Reply

Top