You are here
Home > Prachar News > પાલિકામાં ભ્રષ્ટાચાર અને ગેરરીતીના લાંબા સમયના હોબાળા બાદ સંકલન સમિતિ જાગી – સંકલનનો ઘોડા છુટી ગયા પછી તાળા મારવાનો પ્રયત્ન

પાલિકામાં ભ્રષ્ટાચાર અને ગેરરીતીના લાંબા સમયના હોબાળા બાદ સંકલન સમિતિ જાગી – સંકલનનો ઘોડા છુટી ગયા પછી તાળા મારવાનો પ્રયત્ન

પાલિકામાં ભ્રષ્ટાચાર અને ગેરરીતીના લાંબા સમયના હોબાળા બાદ સંકલન સમિતિ જાગી
સંકલનનો ઘોડા છુટી ગયા પછી તાળા મારવાનો પ્રયત્ન

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
પાલિકાની ચુંટણી સમયે દર વખતે શહેરના આગેવાનો સ્વચ્છ વહીવટ આપતુ, સારા સભ્યોવાળુ બોર્ડ બનાવવુ છે તેમ કહી ચુંટણીમાં પ્રચાર કરવા નીકળી પડે છે. લોકો આગેવાનોને જોઈ મત આપે છે. અને થોડા સમય બાદ આગેવાનો બળતુ ઘર કૃષ્ણાર્પણ કરી નીકળી જાય છે. મતદારોને આપેલા વચનો ભુલી જાય છે અને ઘર પકડીને બેસી જાય છે. વિસનગરમાં આવુજ કંઈ બન્યુ છે. પાલિકામાં છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચાર અને ગેરરીતીના હોબાળા થઈ રહ્યા છે. ત્યારે બધુ જાણવા છતા છેલ્લા સમયે સફાળી જાગેલી સંકલને ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરી છે.
વિસનગર પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ અને વિકાસમંચમાં મોટાભાગે નવા ચહેરા ઉમેદવારી કરી રહ્યા હતા. ચુંટણી સમયે ભાજપ વિરુધ્ધ પાટીદાર આંદોલનની અસર હતી. આવા સમયે સંકલન સમિતિના સભ્યો ભાજપનુ બોર્ડ ભ્રષ્ટાચારી છે. સારો અને સ્વચ્છ વહિવટ થાય તેવુ બોર્ડ બનાવવુ છે. શહેરનો નવતર અભિગમો સાથે વિકાસ કરવાનો છે તેવા વિગેરે વિગેરે પ્રલોભનો આપી શહેરીજનોના મત લીધા હતા. અને ચુંટણી બાદ સન્માન અને સત્કાર સમારંભમાં જાહેરમાં શપથ લેવડાવ્યા હતા કે પાલિકામાં ગેરવહીવટ કે ભ્રષ્ટાચાર કરીશુ નહી. ભ્રષ્ટાચાર થશે તો સંકલન સમિતિ જવાબ માગશે તેવા ઉત્સાહમાં આવીને ભાષણો ઠોક્યા હતા. નવુ બોર્ડ બન્યુ ત્યાં સુધીતો પ્રથમ સવા વર્ષ વ્યવસ્થીત અને વિવાદ વગર ગયુ. સંકલનને વિશ્વાસમાં રાખીને વહિવટ થયો અને બીજુ સવા વર્ષના વહિવટમાં સંકલન સમિતિનો જાણે છેદ ઉડી ગયો. મનસ્વી વહિવટના કારણે પાલિકામાં ગેરરીતી અને કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારના ભારે હોબાળા થયા. અગાઉ પ્રજ્ઞાબેન પટેલના શાસનમાં એક આક્ષેપ થાય તો પણ સંકલન સમિતિની મીટીંગ મળતી હતી. જ્યારે શકુન્તલાબેન પટેલના શાસનમાં ભારે હોબાળા થવા છતા સંકલનને એકપણ મીટીંગ કરવાનુ સુજ્યુ નહી. સંકલન કેમ ચુપ હતી તે બાબતે પણ અનેક શંકાઓ અને અટકળો થઈ રહી છે. છેવટે કલેક્ટરની તપાસમાં ગેરરીતી પકડાઈ તો પણ સંકલન સમિતિ ચુપ રહી. કોન્ટ્રાક્ટર સળીયા ચોરી કરતા ઝડપાયો તો પણ સંકલન કુંભકર્ણની નિંદ્રામાં હતી. આ લાંબા સમયના વિવાદ બાદ જ્યારે મ્યુ.કમિશ્નર દ્વારા કારણદર્શક નોટીસ મળી ત્યારે સંકલનની આંખો ખુલી. ત્યારે પ્રશ્ન એ થાય છેકે સંકલન સમિતિના સભ્યો આટલા સમયથી ચુપ કેમ હતી? કયા કારણોસર તેમના મોં સીવાઈ ગયા હતા. સંકલન સિમિતના સભ્યોને કોઈએ ચુપ કરી દીધા હતા કે શુ?
પાલિકાની ચુંટણીમાં વિસનગરના મતદારોએ સંકલન સમિતિના સભ્યોના ભાષણો આધારે મત આપ્યા હતા. ત્યારે શહેરમાં પાણી, સ્વચ્છતા વિગેરે જેવા વિવિધ પ્રશ્ને પ્રજા હેરાન થતી હતી અને થઈ રહી છે. છતાં સંકલન ચુપચાપ બેસી રહી અને તમાશો જોયો. શકુન્તલાબેન પટેલના સવા વર્ષમાં સંકલને આંખે પાટા બાંધ્યા હતા અને જ્યારે પ્રમુખપદેથી ઉતરવાના થયા ત્યારે જણાવ્યુ સંકલન સ્વચ્છ વહીવટ માટે કટીબધ્ધ છે. અરે આટલો ભ્રષ્ટાચાર અને ગેરવહિવટ થયો ત્યારે ક્યા સંતાઈ ગયા હતા? ખરેખર તો સંકલને જાહેરમાં જવાબ માગવો જોઈએ. પ્રમુખ અને સભ્યો ગાંઠતા ન હોય તો સંકલન કંઈ લાલચે આ બધુ સહન કરી રહી છે. અત્યારે સંકલનના ૨૧ સભ્યોમાંથી માંડ ૬ થી ૭ સભ્યો સક્રીય છે. ત્યારે ચુંટણી વખતે નીકળી પડતા અને લોકોને ગેરમાર્ગે દોરી, રાજકીય દ્વેષભાવ પુરો કરી ઘેર બેસી જતા આવા સભ્યો પાસે પણ પ્રજાએ જવાબ માગવો જોઈએ. આટલા લાંબા સમયના વિવાદ બાદ આંખે પાટા બાંધી ચુપ રહ્યા પછી ભ્રષ્ટાચાર વિહિન વહિવટ ચલાવવા કટીબધ્ધ છે તેમ જણાવી સંકલન સમિતિએ ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરી છે.

Leave a Reply

Top