You are here
Home > Prachar News > ભણતર પુરુ થયુ, નોકરી મળી ગઈ તે પછી ભણવાની લોન આપતી ભાજપ સરકાર – ખેરાલુ મુસ્લીમ યુવકને લોન આપવામાં મશ્કરી કરતી સરકાર

ભણતર પુરુ થયુ, નોકરી મળી ગઈ તે પછી ભણવાની લોન આપતી ભાજપ સરકાર – ખેરાલુ મુસ્લીમ યુવકને લોન આપવામાં મશ્કરી કરતી સરકાર

ભણતર પુરુ થયુ, નોકરી મળી ગઈ તે પછી ભણવાની લોન આપતી ભાજપ સરકાર
ખેરાલુ મુસ્લીમ યુવકને લોન આપવામાં મશ્કરી કરતી સરકાર

(પ્ર.ન્યુ.સ.)               ખેરાલુ,રવિવાર
ગુજરાત રાજ્યની અને ક્ન્દ્રની ભાજપ સરકાર એવી જાહેરાતો કરે છેકે ભારતમાં રહેનાર તમામ ભારતીયો અમારા ભાઈ બહેન છે. સૌનો સાથ સૌનો વિકાસ થવો જોઈએ. મુસ્લીમ સમાજ પણ ભારતીય છે તેમના વિકાસમાં કચાશ ન રહેવી જોઈએ. ગુજરાત સરકાર દ્વારા લઘુમતી મુસ્લીમ સમાજના ઉત્થાન માટે ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ બનાવ્યુ છે. જેમાં અસંખ્ય પ્રકારોની લોનો સબસીડી સાથે મળે છે. જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે તે જગજાહેર છે ત્યારે ખેરાલુના મુખ્તિયાર અહેમદ અલ્લારખાં ખોખરે ડીસેમ્બર ૨૦૧૫ માં મહેસાણાના ખેરવા ખાતે બી.એસ.સી. પુર્ણ કરી એમ.એસ.સી. બાયોટેકનોલોજીના અભ્યાસ માટે લોન મેળવવા અરજી કરી હતી. જે લોન યુવકનુ ભણતર પુર્ણ થયુ ૧૩-૫-૨૦૧૮ ના દિવસે ખેરવા ગણપત વિદ્યાનગર ખાતે પ્લેસમેન્ટમાં જોબ મળી ગઈ તે પછી ૧૭-૫-૨૦૧૮ ના દિવસે લોન મંજુરીનો પત્ર મળ્યો ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છેકે ગુજરાતની ભાજપ સરકાર ગુજરાત રાજ્યના આવા કેટલાય વિદ્યાર્થીઓને લોનો આપવાના ખોટા વચનો આપી જીંદગી બરબાદ કરતી હશે તેતો ભગવાન કે અલ્લાહ જાણે.
ખેરાલુ શહેરના બહુચર માતાના મંદિર સામે લક્ષ્મીપુરા વાસમાં રહેતા ખોખર મુખ્તિયાર એહમદ અલ્લારખાંએ બી.એસ.સી. પાસ કરી એમ.એસ.સી. બાયોટેકનોલોજીમાં એડમીશન મેળવ્યુ ત્યારે તેણે તેના એસ.ટી.માં નોકરી કરતા પિતાને કહ્યુ કે હું તમારા ઉપર બોજ બનવા માંગતો નથી હું ગુજરાત સરકારની અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ લિમીટેડમા લોન લઉ છુ. સરકારી પૈસે ભણીને મારુ દેવુ ચુકતે કરી ઘડપણમાં તમારો સહારો બનીશે. ડીસેમ્બર ૨૦૧૫ માં લોન માટે ફોર્મ ભર્યુ પિતાએ પ્રથમ સેમિસ્ટરની રૂા.૨૮૨૦૦ ફી ભરી તેમને એવુ લાગ્યુ કે એક સેમિસ્ટરની ફી ભરુ પછી સરકારી લોન આવવાનીજ છે. બીજુ ત્રીજુ અને ચોથા સેમિસ્ટર પુર્ણ થયુ ત્યાં સુધી લોન ન આવી. ખેરાલુથી ખેરવા આવવા જવાનો ખર્ચ, ભણવા માટે ચોપડા, ચોપડીઓનો ખર્ચ કપડા લત્તાનો ખર્ચ આમ કુલ બે લાખ ઉપરાંત ખર્ચ પિતાએ એસ.ટી.માંથી લોન લઈ પુર્ણ કર્યો. ૨૦૧૮ ના મે મહિનામાં ભણવાનું પુર્ણ થયુ. ૧૩-૫-૨૦૧૮ ના દિવસે ખેરવા ગણપત વિદ્યામંદિર ખાતે જોબ પ્લેસમેન્ટમાં નોકરી મળી ગઈ. બીજા દિવસથી નોકરી શરુ કરી ૧૭-૫-૨૦૧૮ ના દિવસે સરકારમાંથી કાગળ આવ્યો કે તમારી લોન મંજુર થઈ છે મોકલેલા ફોર્મને ભરીને મોકલો.
અત્રે ઉલ્લેખનીય છેકે સરકાર દ્વારા મોટી મોટી વાતો કરી ખોટી ખોટી જાહેરાતો માત્રને માત્ર મત મેળવવાજ કરાતી હોય તે આ બનાવ ઉપરથી સ્પષ્ટ સાબિત થાય છે. ભણવાની શરુઆત સમયે લોન લેવા કરેલી અરજી ભણતર પુરુ થયા પછી મંજુર થાય તે મુસ્લીમ સમાજની મશ્કરીરૂપ છે. આટલા સમય સુધી ખેરાલુના મુસ્લીમ યુવકની અરજી મુકી કેમ રાખી? કસુરવાર કર્મચારીઓ ઉપર સરકાર પગલા લઈ શકશે ખરી? ભાજપ સરકાર માત્ર વાતોના વડા કરે છે તેવો કોંગ્રેસનો આક્ષેપ સાચો ઠર્યો છે. આ બાબતે લોન મંજુર ન થનારનો પરિવાર સરકાર ઉપર ફીટકાર વરસાવવાને બદલે પ્રચાર સાપ્તાહિકને જણાવે છેકે અમારી જોડે થયુ તે થયુ અમારુ નસીબ પણ બીજા કોઈ લઘુમતી, દલિત, બક્ષીપંચના યુવકો સાથે અમારા જેવુ ન બને તે માટે પ્રચાર સાપ્તાહિકમાં સમાચાર છાપજો તેમ જણાવ્યુ છે. ખરેખર આ પરિવારને લોન મળવાનો અફસોસ નહોતો પણ બીજા વધુ ગરીબ લોકોને સરકાર મશ્કરીરૂપ સ્થિતિમાં મુકી ભણતર ન બગાડે તે માટે સમાચાર છપાવ્યા છે. છેલ્લે ત્રણ વર્ષના લોન મેળવવાના સમય દરમિયાન મહેસાણા જિલ્લા ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખ મહંમદઅલી જેસરખાન પઠાણ પાસે રજુઆત કરાઈ હતી. છતા લોન સમયસર મળી નહોતી સરકારી બાબુઓને સજા તો સરકાર નહી કરે પણ ભગવાન કે અલ્લાહ આવા બેરહેમોને માફ પણ નહી કરે.

Leave a Reply

Top