You are here
Home > News > કાપડની ૨૦,૦૦૦ થેલીનુ રાહતદરે વિતરણ કરાશે – વિસનગરને પ્લાસ્ટીકની ગુલામીમાંથી મુક્ત કરવા નવા ગાંધીનો જન્મ

કાપડની ૨૦,૦૦૦ થેલીનુ રાહતદરે વિતરણ કરાશે – વિસનગરને પ્લાસ્ટીકની ગુલામીમાંથી મુક્ત કરવા નવા ગાંધીનો જન્મ

કાપડની ૨૦,૦૦૦ થેલીનુ રાહતદરે વિતરણ કરાશે
વિસનગરને પ્લાસ્ટીકની ગુલામીમાંથી મુક્ત કરવા નવા ગાંધીનો જન્મ

પ્લાસ્ટીક પ્રદુષણ અટકાવવા પ્રમુખે પ્રચાર સાપ્તાહિક દ્વારા અપીલ કરતા સંસ્થાઓ અને દાતાઓએ સામેથી સહયોગ આપવા તૈયારી દર્શાવી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિશ્વ પર્યાવરણ દિને પ્લાસ્ટીક પ્રદુષણ રોકવા ઉપર વધુમાં વધુ ભાર મુકવામાં આવ્યો હતો. વિસનગરને પ્લાસ્ટીક મુક્ત કરવા માટે પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી દ્વારા ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યુ છે. શહેરના લોકો પ્લાસ્ટીકની થેલીઓનો ઉપયોગ ટાળી કાપડની થેલીઓ વાપરતા થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. શહેરમાં પ્લાસ્ટીક પ્રદુષણ અટકાવવા કપડાની થેલીઓનુ રાહતદરે વિતરણ કરવા લોકફાળાના સહકાર માટે પ્રમુખે પ્રચાર સાપ્તાહિક દ્વારા અપીલ કરી હતી. ત્યારે શહેરના દાતાઓ અને સંસ્થાઓએ પ્રમુખના આ ભગીરથ કાર્યમાં સહભાગી બનવા માટે સામે ચાલીને સહકાર આપવા તૈયારી બતાવી છે. જેમના સહકારથી ૨૦,૦૦૦ કપડાની થેલીઓનુ રાહતદરે વિતરણ કરવામાં આવશે.
પ્લાસ્ટીક એક એવુ પ્રદુષણ છેકે જે માનવ સમાજને ભરખી જશે. વિશ્વ પર્યાવરણ દિને પ્લાસ્ટીકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. વિસનગર પ્લાસ્ટીક મુક્ત બને અને શહેરીજનો પ્લાસ્ટીકની થેલીઓની જગ્યાએ કપડાની થેલીઓનો ઉપયોગ કરતા થાય તે માટે પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ શહેરના દરેક ઘરમાં કપડાની થેલી આપવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ પ્રચાર સાપ્તાહિક દ્વારા શહેરના દાતાઓ સંસ્થાઓને અપીલ કરી હતી કે, કોઈ સંસ્થા કે દાતા લોકફાળામાં સહયોગ આપશે તો કપડાની થેલી ઉપર તેમનુ નામ લખવામાં આવશે. પ્રમુખની આ અપીલથી સમર્થ ચેરીટેબલ ટ્રસ્ટ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, આર.કે.જ્વેલર્સ, પ્રગતિ સ્ટીલ કોર્પોરેશન, પટેલ જ્વેલર્સ, સિનિયર સિટીઝન્સ કાઉન્સીલ, રોટરી ક્લબ, માર્કેટયાર્ડ જેવી સંસ્થાઓ ઉપરાંત્ત સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓ, સંકલન સમિતિ, તમામ રાજકીય પક્ષો, વેપારી મહામંડળ વિગેરેએ સામે ચાલીને શહેરને પ્લાસ્ટીક મુક્ત બનાવવા કપડાની થેલીમાં સહયોગ આપવા માટેની તૈયારી દર્શાવી હતી. પાલિકા પ્રમુખના આ પ્રયાસમાં પાલિકાના તમામ સભ્યોનો પણ સહકાર મળી રહ્યો છે. પાલિકા સભ્ય કુસુમબેન ત્રીવેદીના પતિ બકુલભાઈ ત્રીવેદી પ્રમુખ સાથે ખભેખભો મીલાવી કામ કરી રહ્યા છે.
વિસનગરમાંથી પ્લાસ્ટીકને જાકારો આપવાના આ મહાઅભિયાનના આયોજન માટે તા.૧૯-૬-૨૦૧૮ ના રોજ સાંજે ૫-૦૦ કલાકે પાલિકા પ્રમુખની ચેમ્બરમાં પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીના અધ્યક્ષ સ્થાને, સંકલન સમિતિના પ્રમુખ ગોરધનભાઈ પટેલ, સમર્થ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રીમતી કામીનીબેન ગોવિંદભાઈ પટેલ તથા તેમની સમસ્ત ટીમ તેમજ પાલિકા સભ્યોની ઉપસ્થિતિમાં એક મીટીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તા.૧-૭-૨૦૧૮ થી શહેરને પ્લાસ્ટીક મુક્ત કરવાની ઝુંબેશ ઉપાડવાનો નિર્ણય કરાયો હતો. પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ જણાવ્યુ હતું કે, ૧ લી જુલાઈથી ૫૦ માઈક્રોનથી નીચેની પ્લાસ્ટીકની થેલીઓના વપરાશ પ્રતિબંધીત થશે. તા.૫ થી ૧૦ જુલાઈ સુધી લોકજાગૃતિના તથા પ્લાસ્ટીક જપ્તીનો કાર્યક્રમ કરવામાં આવશે. તમામ પાલિકા સભ્યો, વેપારીઓ, સંસ્થાઓ અને અગ્રણીઓ સાથે કાર્યક્રમ થશે.
પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ જોઈતારામ પટેલ ગાંધી વિચારસરણી ધરાવતા હોવાથી તેમને ગાંધીના હુલામણા નામથી બોલાવાઈ છે. જેઓ હસમુખા, માયાળુ અને આવકારદાયી સ્વભાવના હોવાથી તમામ સંસ્થાઓ, રાજકીય પક્ષો અને આગેવાનોએ પ્રમુખના પ્લાસ્ટીક મુક્ત વિસનગરના ભગીરથ કાર્યને આવકાર્યુ છે. પાલિકામાં ખર્ચ નહી પાડી લોકફાળાથી વિસનગરને પ્લાસ્ટીક મુક્ત બનાવવાના પ્રમુખના વિચારોને આવકાર આપ્યો છે. પ્રમુખના આ પ્રયાસોથી શહેરના લોકોમાં પ્લાસ્ટીકની ગુલામીમાંથી છુટવા માટેની જાગૃતિ અને નવી ચેતનાનો સંચાર થતા વિસનગરમાં નવા ગાંધીનો જન્મ થયો હોય તેવુ માની રહ્યા છે.

Leave a Reply

Top