You are here
Home > News > ૬ સભ્યોનો બળવો અને ભાજપની મશીનરી સામે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલની કુનેહથી – વિસનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો યથાવત

૬ સભ્યોનો બળવો અને ભાજપની મશીનરી સામે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલની કુનેહથી – વિસનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો યથાવત

૬ સભ્યોનો બળવો અને ભાજપની મશીનરી સામે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલની કુનેહથી
વિસનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો યથાવત

પ્રમુખ પદે પ્રવિણભાઈ રેવાભાઈ પટેલ(કાંસા) અને
ઉપપ્રમુખપદે બઈશાબબા રણજીતસિંહ ચાવડા(દઢિયાળ) ચુંટાયા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીને લઈ છેલ્લા બે અઠવાડીયાથી તાલુકામાં ભારે રાજકીય હલચલ મચી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખના એકથી વધારે ફોર્મ ભરાતા કોંગ્રેસમાં બળવો થયો હોવાનુ જણાયુ હતુ. બન્ને તરફ કેમ્પ થયા હતા. આખી રાત સભ્યોની ખેંચતાણ બાદ બીજા દિવસે પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બાર મતે ચુંટાતા કોંગ્રેસના બળવાખોર સભ્યો અને ભાજપની મશીનરી સામે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલની કુનેહથી તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો યથાવત રહ્યો હતો. પ્રમુખ પદે પ્રવિણભાઈ રેવાભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે બઈશાબબા રણજીતસિંહ ચાવડા ચુંટાતા કોંગ્રેસે મોટો જંગ જીત્યો હોવાની ખુશાલી વ્યક્ત કરી હતી. બીજાજ દિવસે કોંગ્રેસે તાત્કાલીક અસરથી બળવો કરનાર ૬ સભ્યોને સસ્પેન્ડ કરતા કોંગ્રેસી કાર્યકરોમાં પંચાયતની ચુંટણીની જીત કરતા પણ વધારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીનુ જાહેરનામુ બહાર પડતાજ રાજકીય ગતિવિધિ તેજ બની હતી. આ ચુંટણીમાં કોંગ્રેસમાં બળવો થવાનુ ચર્ચાતુ હતુ. ત્યારે ૧૯-૬ ના રોજ પ્રમુખપદે પ્રધાનજી તખાજી ઠાકોર, પ્રવિણભાઈ રેવાભાઈ પટેલ, મણાજી મોતીજી ઠાકોર તથા કલ્પનાબેન હર્ષદકુમાર ચૌધરીએ તેમજ ઉપપ્રમુખ પદે બઈશાબબા રણજીતસિંહ ચાવડા તથા રામજીભાઈ હલુભાઈ રબારીએ ફોર્મ ભરતાજ કોંગ્રેસમાં બળવો થયો હોવાનુ ચીત્ર સ્પષ્ટ થયુ હતુ. ફોર્મ ભરતાની સાથેજ કોંગ્રેસના ૧૨ સભ્યો અને બીજી બાજુ કોંગ્રેસના ૬ બળવાખોર સભ્યો અને ભાજપના ૫ સભ્યો મળી ૧૧ સભ્યોનો કેમ્પ થયો હતો. બન્ને કેમ્પ આબુ રોડ અને માઉન્ટ આબુ તરફ થયા હતા. પરંતુ રાજસ્થાનમાં ભાજપના શાસનના ડરથી કોંગ્રેસને કેમ્પનુ સ્થળ બદલવાની ફરજ પડી હતી. આખી રાત સભ્યોની ભારે ખેંચતાણ થઈ હતી. એક સભ્યની મારામારી હોવાથી સભ્યોને મનાવવા અને ખરીદવાના પ્રયત્નો થયા હતા. તાલુકા પંચાયત પ્રમુખ મધુબેન અમૃતભાઈ પટેલ ભાજપની સાથે બળવો કરનાર સભ્ય પૈકીના હતા. જ્યારે તેઓ કોંગ્રેસના કેમ્પમા નજરકેદ હતા. મધુબેન પટેલને કોંગ્રેસના કેમ્પમાંથી લાવવા ભારે પ્રયાસો થયા હતા. પરંતુ સફળતા નહી મળતા છેવટે મધુબેન પટેલના પતિ અમરતભાઈ પટેલ દ્વારા રાત્રે ૧-૩૦ કલાકે તાલુકા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના ચાર આગેવાનો સામે મધુબેન પટેલના અપહરણની ફરિયાદ કરતી અરજી આપવામાં આવી હતી. જે ફરિયાદ દાખલ થાય તે પહેલા મધુબેન પટેલને અડધી રાત્રે કોંગ્રેસે મુક્ત કર્યા હતા. બીજી બાજુ ભાન્ડુના શુભદ્રાબેન ભરતજી ઠાકોરને પણ મનાવવા ભાજપ તરફથી તમામ પ્રયાસો થયા હોવાનુ જાણવા મળ્યુ હતુ.
ચુંટણીની આગળની રાત્રીના આ ઘટનાક્રમ બાદ તા.૨૦-૬ ના રોજ તાલુકા પંચાયત હૉલમાં બપોરે ૧૨-૩૦ કલાકે ચુંટણી યોજાવાની હોવાથી તાલુકા પંચાયતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અજંપાભરી સ્થિતિ વચ્ચે બપોરે ૧૧-૩૦ કલાકે પ્રથમ કોંગ્રેસના ૧૨સભ્યોએ તાલુકા પંચાયતમાં પ્રવેશ કર્યો હતો. લગભગ ૧૨-૦૦ કલાકે બળવો કરનાર ૬ અને ભાજપના ૫ સભ્યો તાલુકા પંચાયતમાં આવ્યા હતા. હૉલમાં બન્ને પક્ષે સભ્યો ગોઠવાયા હતા. કોંગ્રેસના ૧૨ પૈકી ગમે તે એક સભ્ય બળવો કરનાર પ્રધાનજી ઠાકોર તરફે હાથ ઉંચો કરે તેવી શક્યતા હતી. દિલધડક ઘટનાક્રમ વચ્ચે ચુંટણી અધિકારી જીલ્લા શિક્ષણાધિકારી જી.ડી.પટેલ, ટી.ડી.ઓ.વિજયભાઈ ચૌધરી તથા અન્ય સ્ટાફની હાજરીમાં ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલ અને પ્રદેશ નિરિક્ષક દ્વારા કોંગ્રેસના ઉમેદવારનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો. જોકે મેન્ડેટ ફોર્મ ભરતી વખતે આપવાનો હોય છે. જેથી મેન્ડેટ માન્ય રહ્યો નહોતો. ચુંટણી હૉલમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કોંગ્રેસના સભ્યોને વ્હીપ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના ૧૨ સભ્યોએ વ્હીપ સ્વિકાર્યો હતો. જ્યારે બળવો કરનાર સભ્યોએ વ્હીપનો અસ્વિકાર કર્યો હતો.
બપોરે બરાબર ૧૨-૩૦ ના ટકોરે ચુંટણી અધિકારીએ પ્રમુખના ભરાયેલા ફોર્મ પ્રમાણે ઉમેદવારના નામ જાહેર કરી હાથ ઉંચા કરી મતદાન કરવા સભ્યોને સુચના આપી હતી. જેમાં પ્રમુખના ઉમેદવાર પ્રધાનજી ઠાકોરનુ નામ બોલી સભ્યોને હાથ ઉંચા કરી મતદાન કરવા સુચના આપતા ૧૧ સભ્યોએ હાથ ઉંચા કર્યા હતા. પ્રધાનજી ઠાકોરે આ સમયે કોંગ્રેસના બેઠેલા સભ્યો તરફ નજર કરી હતી. પરંતુ એમની ગણતરી પ્રમાણે એક મહિલા સભ્યએ હાથ ઉંચો નહી કરતા મોં પડી ગયુ હતુ. ચુંટણીનુ ચીત્ર સ્પષ્ટ થઈ ગયુ હતુ. ચુંટણી અધિકારીએ પ્રમુખના બીજા ઉમેદવાર પ્રવિણભાઈ રેવાભાઈ પટેલનુ નામ બોલતા કોંગ્રેસના ૧૨ સભ્યોએ પુરા જુસ્સાથી આંગળી ઉંચી કરી મતદાન કર્યુ હતુ. આવુજ ઉપપ્રમુખની ચુંટણીમાં પણ થયુ હતુ. બળવો કરનાર સભ્યમાં રબારી રામજીભાઈ હલુભાઈને ૧૧ મત અને બઈશાબબા રણજીતસિંહ ચાવડાને ૧૨ મત મળ્યા હતા. ચુંટણી અધિકારીએ પ્રમુખ પદે પ્રવિણભાઈ રેવાભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે બઈશાબબા રણજીતસિંહ ચાવડાને ચુંટાયેલા જાહેર કર્યા હતા. ચુંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને હાર પહેરાવી સભ્યો અને કોંગ્રેસના કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી.
તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં કુલ ૨૪ સભ્યો પૈકી એક સભ્ય વિદેશ ગયા હોવાથી કોંગ્રેસના ૧૮ અને ભાજપના ૫ સભ્યો છે. જેમાં કોંગ્રેસના ૬ સભ્યોએ બળવો કરતા તેમજ ભાજપની મશીનરી સામે સત્તા ટકાવવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ, શૈલેષભાઈ રબારી ખંડોસણ, કમલેશભાઈ ભાઈચંદભાઈ પટેલ સહીતના પ્રદેશથી માંડીને તાલુકા સુધીના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કામે લાગી ગયા હતા. કોંગ્રેસની આ સંગઠન શક્તિના કારણે તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો યથાવત રહ્યો હતો. કોંગ્રેસમાંથી બળવો કરનાર સામાજીક ન્યાય સમિતિના ચેરમેન નરેશકુમાર મથુરદાસ નાગર હાલ તાલુકા પંચાયતની ચુંટણીના રીએક્શનનો સામનો કરી રહ્યા છે. જેઓ વાાલમમાંથી બીનહરિફ ચુંટાયા હતા. બળવો કરતા મતદારોને વિશ્વાસમાં નહી લેતા મતદારોનો રોષ જોતા વિસનગર એન.એ.વિસ્તારમાં આવેલ તેમના નિવાસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો છે. હાલ નરેશભાઈ નાગરનો પરિવાર પોલીસ પ્રોટેક્શન નીચે છે.
તાલુકા પંચાયતની ચુંટણીમાં કોંગ્રેસના ૬ સભ્યોએ બળવો કરતા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કીર્તિસિંહ ઝાલાના આદેશથી બળવો કરનાર સભ્યોને તાત્કાલીક અસરથી કોંગ્રેસે ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. આ સીવાય કોંગ્રેસના જે હોદ્દેદારોએ પાર્ટી વિરુધ્ધ કામ કર્યુ હોય તે હોદ્દેદારોને પણ સસ્પેન્ડ કરવામાં આવશે. બળવો કરનાર કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા પાર્ટીના આ નિર્ણયને આવકારી કોંગ્રેસના જીલ્લા માલધારી સેલના પ્રમુખ શૈલેષભાઈ સાગરભાઈ રબારી ખંડોસણે પ્રતિભાવ આપ્યો હતો કે, કોંગ્રેસના ભાજપના કારણે નહી પરંતુ કોંગ્રેસમાં રહેલા બળવાખોરો અને પાર્ટીમાં રહેલા ગદ્દારોના કારણે કોંગ્રેસ પાર્ટી પરિણામ મેળવી શકતી નથી. પાર્ટીના આ નિર્ણયથી કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

Leave a Reply

Top