પ્રાથમિક શાળાઓમાં વહીવટી સંચાલનમાં અસરકારકતા લાવવા માટે મહેસાણા જીલ્લા શિક્ષણખાતાએ ૩૦ મુદ્દાનો પરિપત્ર જાહેર કર્યો

પ્રાથમિક શાળાઓમાં વહીવટી સંચાલનમાં અસરકારકતા લાવવા માટે મહેસાણા જીલ્લા શિક્ષણખાતાએ ૩૦ મુદ્દાનો પરિપત્ર જાહેર કર્યો

News, Prachar News No Comments on પ્રાથમિક શાળાઓમાં વહીવટી સંચાલનમાં અસરકારકતા લાવવા માટે મહેસાણા જીલ્લા શિક્ષણખાતાએ ૩૦ મુદ્દાનો પરિપત્ર જાહેર કર્યો

પ્રાથમિક શાળાઓમાં વહીવટી સંચાલનમાં અસરકારકતા લાવવા માટે
મહેસાણા જીલ્લા શિક્ષણખાતાએ ૩૦ મુદ્દાનો પરિપત્ર જાહેર કર્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સરકારના શિક્ષણ વિભાગના આદેશથી મહેસાણા જીલ્લા પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક અને વહીવટી સંચાલનમાં અસરકારકતા લાવવા માટે મહેસાણા જીલ્લાના શિક્ષણખાતાએ તા.૧-૬-૨૦૧૮ ના રોજ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં વહીવટી કામગીરી તથા જવાબદારીને લગતા વિવિધ ૩૦ મુદ્દાઓનો અમલ કરવા શાળાના શિક્ષકો અને આચાર્યોને સુચના આપવામાં આવી છે. જ્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, સી.આર.સી., બી.આર.સી. તથા બીટ કેળવણી નિરિક્ષકશ્રીને શાળાની મુલાકાત દરમિયાન આ પરિપત્રની સમિક્ષા કરવાની જવાબદારી સોપવામાં આવી છે. જોકે રાજકીય વગ ધરાવતા શિક્ષકો, આચાર્યો સહિત શિક્ષણખાતાના કર્મચારીઓ આ પરિપત્રનો કેટલો અમલ કરે છે તે જોવાનુજ રહ્યુ?
ગુજરાતમાં શિક્ષણનુ સ્તર સુધારવા અને વહીવટી કામગીરીમાં પારદર્શકતા લાવવા માટે સરકારે અવાર-નવાર પરિપત્રો જાહેર કર્યો છે. પરંતુ શિક્ષણ ખાતાના તાલુકા કક્ષાના અધિકારીઓ સરકારના પરિપત્રનો ચુસ્તપણે અમલ નહી કરતા સરકારનો શિક્ષણનુ સ્તર સુધારવાનો હેતુ સિધ્ધ થતો નથી અને ગુજરાતમાં દિન પ્રતીદિન શિક્ષણનો ગ્રાફ ઘટતો જાય છે. ત્યારે સરકારના શિક્ષણ વિભાગના આદેશથી મહેસાણા જીલ્લા શિક્ષણખાતાએ પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક અને વહીવટી અસરકારકતા લાવવા માટે તા.૧-૬-૨૦૧૮ ના રોજ ૩૦ મુદ્દાઓનો પરિપત્ર જાહેર કરી તેનો અમલ કરવા શાળાના શિક્ષકો, આચાર્યો સહિતના કર્મચારીઓને સુચના આપવામાં આવી છે. જેમાં મુખ્યત્વે કયા મુદ્દાઓ છે તેની વિગત જોઈએ તો, દરેક શિક્ષકોએ શાળામાં નિયમિત અને સમયસર હાજરી આપવી, વિશ્રાંતિ દરમિયાન શિક્ષકોએ શાળામાં હાજર રહેવુ, શાળા છુટ્યા બાદ તમામ શિક્ષકે અભ્યાસક્રમ, માસવાર ફાળવણી, સમયપત્રક સહિતની વિગતો રોજનીશીમાં પધ્ધતિસર લખવી, શાળામાં સતત ગેરહાજર રહેતા બાળકો માટે શિક્ષકે વાલી સંપર્ક કરવો અને વાલી સંપર્ક રજીસ્ટર નિભાવવુ, શાળામાં શિક્ષકોના મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ છે તેનુ શિક્ષકે ચુસ્તપણે પાલન કરવુ, અધિકૃત વ્યક્તિ દ્વારા વોટ્‌સએપ પર મંગાવવામાં આવતી માહિતી શાળાના આચાર્યશ્રીએ સમયસર આપવી અને શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાતી પરીક્ષાઓમાં તેમજ સ્પર્ધાઓમાં મહત્તમ વિદ્યાર્થીઓ ભાગ લે તેવા સઘન પ્રયત્નો કરવા, શાળામાં કોઈપણ દુર્ઘટના થાય તો તાત્કાલિક તેની જાણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ જીલ્લા શિક્ષણાધિકારીને લેખીતમાં કરવી, શાળાના તમામ રેકર્ડને પ્રમાણિત કરવા અને રેકર્ડની યોગ્ય જાળવણી રાખવી, પેટાશાળાના આચાર્યશ્રીએ બધોજ પત્ર વ્યવહાર પગાર કેન્દ્ર શાળા મારફત કરવાનો રહેશે તથા પગારકેન્દ્ર શાળાએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત કરવાનો રહેશે. તમામ બાળકોના આધારકાર્ડ, બેન્ક એકાઉન્ટ નંબર, જન્મ તારીખ તેમજ વિદ્યાર્થીને લગતી તમામ માહિતીની પ્રોફાઈલ બનાવવી, શાળામાં સત્કાર તેમજ બિનશૈક્ષણિક કાર્યક્રમોનુ આયોજન પૂર્વમંજુરી સિવાય શાળાના કામકાજના કલાકોમાં કરવુ નહી, શાળામાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે તકેદારી રાખવી તથા તમામ શિક્ષકોએ પોતાનુ વેશ પરિધાન, વર્તન, વ્યવહાર શોભનીય રાખવુ, શાળા પરિસર તેમજ વર્ગો સાફ રાખવા અને પાણીની ટાંકી, શૌચાલય વિગેરેની સફાઈ નિયમિત કરવી સહિતના અન્ય મુદ્દાઓનુ શાળાના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રીઓને ચુસ્તપણે અમલ કરવા મહેસાણા જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સુચના આપવામાં આવી છે. ત્યારે શાળાના આચાર્યો અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શાળાના શિક્ષણ સાથે કોઈપણ પ્રકારનો દ્વેષભાવ કે વ્હાલા દવાલાની નિતિ રાખ્યા વગર અમલ કરશે ખરા? કારણકે શાળાના આચાર્ય અને શિક્ષકો વચ્ચેના અણ બનાવમાં શાળાના આચાર્ય આ પરિપત્રના આધારે શિક્ષકોને ખોટી રીતે હેરાન કરી શકે છે તેવુ શિક્ષણખાતામાં ચર્ચાય છે. જોકે આવો દ્વેષભાવ કે કિન્નાખોરી રાખનાર આચાર્ય અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામે શિક્ષણખાતાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શિક્ષાત્મક પગલા ભરવા જોઈએ. જેથી નિર્દોષ શિક્ષકોને આચાર્યનો કોઈ ખોટો ડર રહે નહી.

Leave a comment

Back to Top