રૂા.૫.૩૦ લાખ રોકડ તથા ૧૦ તોલાના દાગીના ગુમાવ્યા ઠગ ટોળકીએ તાંત્રીકના સહારે ખેડૂતને છેતર્યો

રૂા.૫.૩૦ લાખ રોકડ તથા ૧૦ તોલાના દાગીના ગુમાવ્યા ઠગ ટોળકીએ તાંત્રીકના સહારે ખેડૂતને છેતર્યો

News, Prachar News No Comments on રૂા.૫.૩૦ લાખ રોકડ તથા ૧૦ તોલાના દાગીના ગુમાવ્યા ઠગ ટોળકીએ તાંત્રીકના સહારે ખેડૂતને છેતર્યો

રૂા.૫.૩૦ લાખ રોકડ તથા ૧૦ તોલાના દાગીના ગુમાવ્યા
ઠગ ટોળકીએ તાંત્રીકના સહારે ખેડૂતને છેતર્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના ચીત્રોડીપુરા ગામના એક ખેડૂત ભેંસ ખરીદવાની હોવાથી એક વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. આ વ્યક્તિએ તેમના સગા તાંત્રીક વિધિથી એકના ડબલ રૂપિયા કરી આપે છે. તેમજ ખેતરમાં દટાયેલ સોનુ શોધી આપે છે તેમ જણાવી ખેડૂતને ભોળવી રૂા.૫.૩૦ લાખ તથા ૧૦ તોલા સોનુ લઈ લીધુ હતુ. આ બાબતે ખેડૂતે પોલીસ ફરિયાદ કરતા પોલીસે પાંચ વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ જો ઉંડી તપાસ કરે તો ઠગ ટોળકીના વધુ કારસ્તાન બહાર આવે તેમ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ચીત્રોડીપુરા ગામના ૬૦ વર્ષના વૃધ્ધ શંકરભાઈ દેવજીભાઈ રેવાભાઈ ચૌધરી ખેતી તથા પશુપાલનનો વ્યવસાય કરે છે. જેમની સાથે દોઢ વર્ષ અગાઉ છેતરપીંડી થઈ હતી. જે બાબતે ડી.એસ.પી.ને અરજી કરી જાણ કરી હતી. જે અરજીના સાત માસ બાદ આ છેતરપીંડીનો પર્દાફાશ થયો છે. શંકરભાઈ ચૌધરીને ભેંસ ખરીદવાની હોઈ ભેંસ લે વેચનો વ્યવસાય કરતા મહેસાણા તાલુકાના ગીલોસણ ગામના યુનુસભાઈ ભીખાભાઈ ચૌહાણના સંપર્કમાં આવ્યા હતા. યુનુસભાઈ ચૌહાણના ચીત્રોડીપુરા ખેડૂતના ઘરે આવવા જવાના સબંધ થતા જણાવેલ કે સાણંદ તાલુકાના વિરચંદનગરમાં રહેતા તેમના સગા ઈદાબાપુ મીયા તથા ઈભાભાઈ મીયા તાંત્રીક વિધિઓ કરી રૂપિયા બનાવે છે. માણસ લાલચમાં આવે એટલે ફસાયા વગર રહેતો નથી. યુનુસભાઈ ચૌહાણ તથા ખેડૂત સાણંદ તાલુકાના અણદેજ ગામના જીવાભાઈ રેમુભાઈ મીયાના ઘરે ગયા હતા. ત્યારબાદ વિરચંદનગર રહેતા તાંત્રીક ઈદાબાપુ મીયા તથા ઈભાભાઈ મીયાને મળવા ગયા હતા. જ્યાં તાંત્રીકે કહેલ કે સંકટ દુર કરી આપીશુ. ત્યારબાદ તાંત્રીક માણસની ખોપડી લાવી કંકુ-ચોખા, ધુપ કરી ખોપડી જમીન ઉપર મુકી હતી. ત્યારબાદ લીલા કલરનુ કપડુ મુકી, કપડાના નીચેના ભાગે હાથ નાખી નોટોનુ બંડલ કાઢી બતાવ્યુ હતુ. જે નોટોનુ બંડલ તાંત્રીકે પોતાની પાસે રાખી ખેડૂતને કહેલ કે પૈસા ડબલ કરવા હોય તો રૂા.૫,૩૦,૦૦૦ લેતા આવજો. ખેડૂત પાસે રૂા.૨,૩૦,૦૦૦ હતા. બીજા ત્રણ લાખ લેવા પોતાની દિકરીઓના દાગીના યુનુસભાઈ ચૌહાણને ગીરો મુકવા આપેલ. જે મહેસાણા પેઢીમાં મુકી રૂા.૩,૦૦,૦૦૦ લાવ્યા હતા. યુનુસભાઈ તાંત્રીક સાથે ખેડુતના ઘરે આવતા, ખેડૂતના પત્ની સીતાબેન, દિકરો નાગજીભાઈ અને જમાઈ કાનજીભાઈ સવજીભાઈ ચૌધરી ખેંડોસણવાળાની હાજરીમાં રોકડ આપી હતી.
ખેડૂત, તેમનો દિકરો તથા જમાઈ યુનુસફભાઈ ચૌહાણની ગાડીમાં બેસી તાંત્રીક પાસે વિરચંદનગર ગયા હતા. જ્યાં તાંત્રીકે પૈસાનો ઢગલો બતાવ્યો હતો. ખેડૂત ફુલ લઈને ગયા હતા. જેમાંથી તાંત્રીકે નાગ કાઢી જણાવેલ કે તમો ગોગાના પૂજારી છો. નાગ પરચો બતાવવા તમારા ઘરેથી આવ્યો છે. પૈસાનો ઢગલો કોથળામાં ભરી તાંત્રીકે ખેડૂતને કહેલ કે તમે રૂા.૧૦૦૦ ની નોટ તથા લીલા કલરનુ કપડુ લઈ જાઓ. જે તમારા ઘરના પાછળના રૂમમાં પાથરી દેજો અને કપડા નીચે રૂા.૧૦૦૦ ની નોટ મુકી દેજો. તેના ઉપર ફુલ મુકી રૂમ બંધ કરી રોજ સવાર સાંજ અગરબત્તી કરજો. દસ દિવસ પછી રૂમ ખોલશો તો તમારા ઘરે જીન કોથળા ભરેલા રૂપિયા લઈને આવી જશે. તાંત્રીકના કહેવા પ્રમાણે ખેડૂતને ઘરે આવીને વિધિ કરી હતી.
આ વિધિ કરી તેના બીજા દિવસે યુનુસભાઈ ચૌહાણ ચીત્રોડીપુરા ખેડૂતના ઘરે ગયા હતા. જેમણે ખેડૂતને કહ્યુ હતું કે, તમારા ખેતરમાં સોનું દટાયેલુ છે. સોનુ કાઢવા અમારી નાતના જાણકાર છે. ખેડૂત પાછળ વિશ્વાસમાં આવી યુનુસભાઈ ચૌહાણ સાથે સમી તાલુકાના અમરાપુર ગામે જઈ આદમભાઈ મુસાભાઈ ડફેરના ઘરે ગયેલા. જેમની ગાડીમાં બેસી વગડામાં પવન ચક્કીની બાજુમાં અવાવરૂ જગ્યાએ ગયા હતા. જ્યાં આદમભાઈ ડફેરે તાંત્રીક વિધિ કરી જીન્નાતને સાધી પુછેલ કે ચૌધરીના ખેતરમાં કેટલા સોનાના ચરૂ છે તે શોધી બતાવ. ત્યાં બાજુમાંથીજ ભેદી અવાજથી કહેલ કે ચૌધરી ખેતરમાં ૬૦ કિલો સોનુ દટાયેલુ છે. પરચો બતાવવાનુ કહેતા બાજુના ખેતરમાં ઝાડ પાસે ઘડો પડેલો તેમાંથી આદમભાઈ ડફેરે એક એક ગ્રામ જેટલી સોનાની બે પતરીઓ કાઢી બતાવેલ. જેઓ આદમભાઈ ડફેરના ઘરે પરત આવી તાંત્રીક વિધિનો સામાન તેમજ લીલા કલરનુ કપડુ લાવી તેમાં દાગીના મુકવાનુ કહેતા ખેડૂતો ૧૦ તોલાના દાગીના કપડામાં મુક્યા હતા. ત્યારબાદ આ બીજા તાંત્રીક આદમભાઈ ડફેરે દરગાહ ઉપર ચઢાવવાનુ કહી સાત દિવસ પછી લઈ જવાનુ કહી દાગીના તાંત્રીકે પોતાની પાસે રાખ્યા હતા.
એવામાં દસ દિવસ થતા ખેડૂતે રૂા.૧૦૦૦ ની નોટ અને લીલા કલરનું કપડુ મુક્યુ હતુ તે રૂમનો દરવાજો ખોલતા પૈસાનો કોઈ ઢગલો જોવા મળ્યો નહોતો. તેમજ દરગાહ ઉપર ચઢાવવાના બહાને લઈ ગયેલ સોનાના દાગીના પણ પરત આપેલ નહી. જેની કડક ઉઘરાણી કરતા તાંત્રીકે ધમકી આપેલ કે તાંત્રીક વિધિ કરી તમારા પરિવારને હેરાન કરી નાખીશુ. ખેડૂતને છેતરાયાનો અહેસાસ થતા આ બાબતે પોલીસને જાણ કરતા ખેડૂત શંકરભાઈ દેવજીભાઈ ચૌધરીની ફરિયાદ આધારે પોલીસે ઠગ ટોળકીના ચૌહાણ યુનુસભાઈ ભીખાભાઈ રહે.ગીલોસણ, તા.મહેસાણા, મીયા જીવાભાઈ રેમુભાઈ રહે. અણદેજ, તા.સાણંદ, ડફેર આદમભાઈ મુસાભાઈ રહે.અમરાપુર તા.સમી, ઈદાબાપુ મીયા રહે.વિરચંદનનગર તા.સાણંદ તથા ઈભાભાઈ મીયા રહે.વિરચંદનગર, તા.સાણંદ વિરુધ્ધ છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a comment

Back to Top