અનેક મીટીંગો બાદ પણ સમાધાનની ફોર્મ્યુલા સફળ નહી થતા  –  વિસનગર વેપારી મહામંડળમાં ઉકળતો ચરૂ-બીજુ મહામંડળ અસ્તિત્વમાં

અનેક મીટીંગો બાદ પણ સમાધાનની ફોર્મ્યુલા સફળ નહી થતા – વિસનગર વેપારી મહામંડળમાં ઉકળતો ચરૂ-બીજુ મહામંડળ અસ્તિત્વમાં

News No Comments on અનેક મીટીંગો બાદ પણ સમાધાનની ફોર્મ્યુલા સફળ નહી થતા – વિસનગર વેપારી મહામંડળમાં ઉકળતો ચરૂ-બીજુ મહામંડળ અસ્તિત્વમાં

અનેક મીટીંગો બાદ પણ સમાધાનની ફોર્મ્યુલા સફળ નહી થતા
વિસનગર વેપારી મહામંડળમાં ઉકળતો ચરૂ-બીજુ મહામંડળ અસ્તિત્વમાં

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર વેપારી મહામંડળની રચનાને લઈ છેલ્લા પંદર દિવસથી ભારે વિવાદો ચાલી રહ્યા હતા. કાળુભાઈ પટેલના પ્રમુખ પદે હોદ્દેદારોની વિધિવત જાહેરાત થતા સામે પક્ષે સ્વાગત હોટલના હૉલમાં મળેલ વેપારીઓની મીટીંગમાં બીજા મહામંડળની રચના કરી પ્રમુખ તથા ઉપપ્રમુખની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વિવાદમાં પ્રચાર સાપ્તાહિકની આગાહી સાચી પડી અને વેપારી મહામંડળના બે ભાગ થઈને રહ્યા. જે શહેરના બુધ્ધીજીવી વેપારી વર્ગ માટે શરમજનક છે.
જ્યા ગંદુ રાજકારણ ઘુસે છે તે સંસ્થા તુટ્યા વગર રહેતી નથી. વિસનગર વેપારી મહામંડળમાં વિવાદો થવાનું અને તુટવા પાછળ ગંદુ રાજકારણ જવાબદાર છે. જેના માટે અગાઉની બોડીમાં સ્થાન ધરાવતા મોટાભાગના હોદ્દેદારો જવાબદાર છે. વેપારી મહામંડળને રાજકીય હાથો બનતા રોક્યુ નહી અને પોતાનો હોદ્દો સાચવવા ચુપચાપ બેસી રહ્યા તે હોદ્દેદારો પણ એટલાજ જવાબદાર છે. વેપારી મહામંડળના નવા બંધારણને બહાલી આપવા તેમજ પ્રમુખ સહીતના હોદ્દેદારોની કમિટિની નિમણુંક કરવા જ્યારથી એજન્ડા આપવામાં આવ્યો ત્યારથી મહામંડળના વિવાદો ચરમસીમાએ પહોચ્યા છે. તા.૨૫-૬-૨૦૧૮ ની ગંજબજાર હૉલમાં યોજાયેલ મીટીંગમાં મહામંડળની ટીમ જાહેર કરાઈ. જેનો એડહોક કમિટિના સભ્યોએ વિરોધ કર્યો. આ આખુ અઠવાડીયુ સમાધાન માટે પ્રયત્નો થયા પરંતુ સમાધાન નહી થતાં તા.૨-૬-૨૦૧૮ ના રોજ દૈનિક પેપરોમાં ગંજબજારમાં મળેલ મીટીંગમાં પ્રમુખ કે અન્ય કોઈપણ હોદ્દેદારોની નિમણુંક થઈ નથી તેવી જાહેરાત આવતા વિવાદનો મધપુડો વધુ છંછેડાયો હતો. તેના બીજાજ દિવસે કાળુભાઈ પટેલ અને તેમની કમિટિના હોદ્દેદારોના નામ સાથે બીજો ખુલાસો આપવામાં આવ્યો. આ દરમ્યાન પણ સમાધાનની ફોર્મ્યુલા ચાલતી હતી. એવામાં એડહોક કમિટિના ૨૧ મેમ્બરો પૈકી ૧૫ મેમ્બરોની બહુમતી ધરાવતી સહી સાથે તા.૬-૭-૨૦૧૮ ને શુક્રવારના રોજ બપોરે ૪-૦૦ કલાકે સ્વાગત હોટલના હૉલમાં વેપારી એસો.ના પ્રમુખ, મંત્રી, હોદ્દેદારો તથા કારોબારી સભ્યોની મીટીંગ માટે એજન્ડા કાઢવામાં આવ્યો. જે ઉપરથીજ સ્પષ્ટ થઈ ગયુ હતું કે, વેપારી મહામંડળના બે ભાગલા નિશ્ચીત છે. તેમ છતાં સમાધાનના પ્રયત્નો ચાલતા હતા. કાળુભાઈ પટેલને પ્રમુખ પદેથી રાજીનામુ આપવા સમજાવ્યા હતા. ત્યારે ઈલેક્ટ્રીક એસો.ના સભ્યોની મીટીંગ મળતા સભ્યોએ ઉગ્ર મીજાજ દાખવ્યો હતો કે પોતાના નવ વર્ષના શાસનમાં કાળુભાઈ પટેલે એવુ તે શું ગુનો કર્યો છેકે, મહામંડળને એવુ તે કયુ નુકશાન કર્યુ છેકે તેમનો આટલો વિરોધ કરવામાં આવે છે. જોકે કાળુભાઈ પટેલનો વિરોધ જુની બોડીના છ થી સાત લોકોનેજ છે. સ્વાગત હોટલના હૉલમાં મળનાર મીટીંગના વિરોધમાં ફરી કાળુભાઈ પટેલની ટીમ દ્વારા પત્રીકાઓ વહેચવામાં આવી. જેની વિવિધ વેપારી એસો. ઉપર અસર પડી. સ્વાગત હોટલના હૉલમાં મળેલ વેપારીઓની મીટીંગમાં બીજુ વેપારી મહામંડળની રચના કરવા નિર્ણય લેવાયો. જોકે આ મીટીંગમાં મોટાભાગના એસો.ના પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યોએ જવાનું ટાળ્યુ હતુ. નવા એસોસીએશનના વહીવટકર્તાઓ ૩૨ એસોસીએશન હાજર હતા તેઓ દાવો કરે છે. સ્વાગત હોટલની મીટીંગમાં રચાયેલ વિસનગર વેપારી મહામંડળમાં પ્રમુખ પદે પરેશભાઈ જે.પટેલ, ડીરેક્ટર, માર્કેટયાર્ડ તથા મહામંત્રી પદે નિમેષભાઈ ડી.શાહની સર્વાનુમતે વરણી કરવામાં આવી. બીજા હોદ્દેદારોની નિમણુંક હવે પ્રમુખ તથા મહામંત્રી દ્વારા કરવામાં આવશે.
સ્વાગત હોટલના હૉલમાં મળનાર મીટીંગના એજન્ડામાં કમિટિના જે ૧૫ સભ્યોના નામ લખવામાં આવ્યા હતા. તેમાંથી ચાર પાંચ સભ્યોને કાળુભાઈ પટેલની ટીમ મનાવવામાં સફળ રહેતા આ પૈકી કેટલાકનો ૧૨ હોદ્દેદારોની ટીમમાં સમાવેશ કરી હોદ્દેદારોની નિમણુકની યાદીનો આખરી ઓપ આપવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખ પદે કાળુભાઈ મોહનલાલ પટેલ(પ્રમુખ-ઈલેક્ટ્રીક મરચન્ટ એસો.), મહામંત્રી પદે પટેલ ભરતભાઈ બળદેવભાઈ(પ્રમુખ-એકાઉન્ટ એસો.), ઉપપ્રમુખ પદે ચાર એસો. ના પ્રમુખની નિમણુંક કરાઈ. જેમાં બ્રહ્મભટ્ટ બાલમુકુન્દ ગોવર્ધનદાસ(પ્રમુખ-વિસનગર નગરપાલિકા દુકાનદાર એસો.), પટેલ દશરથભાઈ નાગરભાઈ(પ્રમુખ-રેડીમેડ એસો.), નાયક ભરતભાઈ અશોકભાઈ (પ્રમુખ-વિસનગર બાર એસો.), પટેલ દામજીભાઈ વિસરામભાઈ(પ્રમુખ-સોમીલ એન્ડ ટીમ્બર મરચન્ટ એસો.), મંત્રી પદે બે એસો.ના પ્રમુખની વરણી કરાઈ. જેમાં પટેલ હર્ષલકુમાર મહેન્દ્રભાઈ(પ્રમુખ-કેમીસ્ટ એસો.), કડીયા ગૌતમભાઈ કરશનભાઈ (પ્રમુખ-કડીયા એસો.), ખજાનચી પદે પટેલ ડાહ્યાભાઈ ઈશ્વરભાઈ (પ્રમુખ-ઈલેક્ટ્રોનીક્સ એસો.), આમંત્રીત સભ્યોમાં ત્રણ એસો.ના પ્રમુખોની વરણી કરાઈ. જેમાં પટેલ મહેશકુમાર ભગવાનદાસ (પ્રમુખ-હાર્ડવેર એન્ડ પ્લાયવુડ એસો.), મોદી અશોકભાઈ જયંતિલાલ (પ્રમુખ-જથ્થાબંધ દાળ,ચોખા, ખાંડ એસો.) તથા સોની શીવકુમાર મંગળદાસ(અધ્યક્ષ, સુવર્ણકાર એસો.) આમ વિધિવત ૧૨ હોદ્દેદારોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. જોકે છેલ્લા નવ વર્ષમાં મહામંડળના હોદ્દેદારોનુજ મહત્વ જળવાતુ હતુ. પરંતુ આ વિવાદ થતા પ્રથમ વખત વેપારી એસો.ના પ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યો અને એસો.ના સભ્યોની કિંમત સમજાઈ છે અને મહત્વ આપવામાં આવ્યુ છે. સ્વાગત હોટલમાં રચાયેલા વેપારી મહામંડળના પ્રમુખ અને મહામંત્રી કોંગ્રેસની વિચારધારા ધરાવતા છે. જેથી વેપારીઓમાં ભાજપ વિરુધ્ધ કોંગ્રેસનુ મહામંડળ પણ ચર્ચાય છે. જોકે વિવિધ વિચારધારા ધરાવતા વેપારીઓના મહામંડળમાં પક્ષાપક્ષી કે રાજકારણ હોતુ નથી. પરંતુ વેપારી મહામંડળમાં રાજકારણે બરોબરનો પગપેસારો કર્યો છે ત્યારે સ્વાગત હોટલમાં રચાયેલા મહામંડળમાં કોંગ્રેસના આગેવાનોને મહત્વના હોદ્દા ઉપર બેસાડવા પાછળ ભાજપના આગેવાનોનુ મહત્વનુ યોગદાન છે. અસ્તિત્વમાં આવેલા બીજા મહામંડળના પ્રમુખ પરેશભાઈ પટેલે જણાવ્યુ છેકે બન્ને વેપારી મહામંડળને એક કરવામાં જો સારૂ પરિણામ આવતું હોય તો પ્રમુખપદેથી રાજીનામુ આપવા માટે તૈયાર છુ. ખોટી સત્તા લાલશા રાખવાના કારણે વેપારી મહામંડળ તોડવામાં જે જવાબદાર છે તે વેપારી મહામંડળના જુના હોદ્દેદારોએ નવાજ પ્રમુખ બનેલા પરેશભાઈ પટેલ પાસેથી બોધપાઠ શીખવાની જરૂર છે.

Leave a comment

Back to Top