You are here
Home > News > પુરતા પુરાવા છતા પોલીસ ફરિયાદ નહી થતા અનેક શંકાઓ કાજીઅલીયાસણામાં તંત્રની ચુપકિદીથી ગૌચરમાં માટી ચોરી કૌભાંડ

પુરતા પુરાવા છતા પોલીસ ફરિયાદ નહી થતા અનેક શંકાઓ કાજીઅલીયાસણામાં તંત્રની ચુપકિદીથી ગૌચરમાં માટી ચોરી કૌભાંડ

પુરતા પુરાવા છતા પોલીસ ફરિયાદ નહી થતા અનેક શંકાઓ
કાજીઅલીયાસણામાં તંત્રની ચુપકિદીથી ગૌચરમાં માટી ચોરી કૌભાંડ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ભાજપના શાસનમાં ગૌરક્ષાની વાતો કરવામાં આવે છે અને એજ સરકારના અધિકારીઓ દ્વારા ગાયો અને મુંગા પશુઓને ચરવાની જગ્યા ગૌચરને ભૂમાફિયાઓને માટી ખાવા વેચી મારવામાં આવે છે. ખરેખર તો માટી ચોરનાર ખનીજચોરો ઉપરાંત્ત જેમના ઈશારે ગૌચરમાં માટી ચોરીનુ કૌભાંડ થયુ તે જવાબદાર અધિકારીઓ સામે પણ ગુનો દાખલ કરવો જોઈએ. વિસનગર તાલુકાના કાજીઅલીયાસણા ગામમાં છેલ્લા દોઢેક મહિનાથી ચાલતુ ગૌચરમાં માટી ચોરી કૌભાંડ પકડતા જવાબદાર અધિકારીઓના પગ તળે રેલો આવ્યો છે. માટી ચોરી કરતા સાધનો વાહનોના વીડીયો તથા ફોટા હોવા છતા ફરિયાદ દાખલ કરવામાં ન આવતા આ બાબતે અનેક શંકાઓ અને કુશંકાઓ થઈ રહી છે.
વિસનગર તાલુકા પંચાયતના બાહોશ ટીડીઓ વિજયભાઈ ચૌધરી તા.૨૩-૭-૨૦૧૮ ના રોજ કાજીઅલીયાસણામાં ગ્રામ પંચાયતના કામ અર્થે ગયા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી દરમ્યાન કેટલાક જાગૃત ગ્રામજનો દ્વારા ટીડીઓને માહિતી આપવામાં આવી હતી કે ગામના ગૌચરના જુના સર્વે નં.૩૧ માં છેલ્લા દોઢ માસથી મોટા પ્રમાણમાં માટી ખોદીને ચોરવામાં આવી રહી છે. ટીડીઓ વિજયભાઈ ચૌધરી તેમના સ્ટાફ સાથે તાત્કાલીક ૬ વિઘાના આ ગૌચરના સ્થળે ગયા હતા. જ્યાં વિસનગરના નાગણેશ્વરી એન્ટરપ્રાઈઝના ચાર આઈવા ડમ્પર અને જેસીબી દ્વારા માટી ખોદવાનુ અને ભરવાનુ કામ ચાલુ હતુ. જેના પુરાવા રૂપે મોબાઈલમાં ફોટા પાડી, મોબાઈલથી વીડીઓ રેકોર્ડીંગ કરવામાં આવ્યુ હતુ. ટીડીઓ અને તેમની ટીમ જોઈ માટી ચોરનાર ભૂમાફિયા આઈવા અને જેસીબી લઈને ભાગ્યા હતા. ટીડીઓએ પુછપરછ માટે એક ટ્રક રોકવાનો પ્રયત્ન કરતા ડ્રાઈવરે વચ્ચે ઉભેલા ટીડીઓની ચીંતા કર્યા વગર ટ્રક હંકારી હતી. ભૂમાફિયા જીવ ઉપર આવી જતા ટીડીઓ અને તેમની ટીમ ટ્રક તથા જેસીબી રોકી શક્યા નહોતા.
સ્થળ ઉપર તપાસ કરતા છ વિઘાનુ આ ગૌચર ૧૦ થી ૧૫ ફૂટ જેટલુ ખોદી નાખ્યુ હતુ. ખોદકામના કારણે ગૌચરમાંથી પસાર થતો વિજ થાંભલો પણ જોખમમાં મુકાયો છે. ગમે ત્યારે પડી જાય તેમ હોવાથી અકસ્માતનો ભય છે. ટીડીઓએ તાત્કાલીક આ બાબતની જાણ મામલતદાર એ.એન.સોલંકીને કરી હતી. ટીડીઓએ છેલ્લા દોઢ મહિનાથી ચાલતુ માટી ચોરીનુ કૌભાંડ પકડતા સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયુ હતુ. બનાવના બીજા દિવસે માટી ચોરી કૌભાંડમાં આગળ શુ કાર્યવાહી થઈ તે બાબતે મામલતદાર એ.એન.સોલંકીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, ટીડીઓ સાહેબનો ફોન આવ્યો હતો અને જાણ કરાઈ છે. તપાસ માટે પોલીસ ટીમ સાથે સ્થળ ઉપર પહોચતા કોઈ સાધનો જોવા મળ્યા નહોતા. જેથી હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાબતે કલેક્ટર એચ.એન.પટેલનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યુ હતું કે, ગેરકાયદેસર રીતે માટી ચોરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. માટી ચોરી કૌભાંડ સામે તાલુકા તંત્ર લેવલે કાયદેસરની કાર્યવાહી કરવા કોઈ પગલા નહી ભરાતા કલેક્ટરશ્રીએ અધિકારીઓનો ઉધડો લીધો હોવાનુ પણ જાણવા મળ્યુ છે.
નવાઈની બાબત છેકે માટી ચોરનાર નાગણેશ્વરી એન્ટરપ્રાઈઝના સાધનો મોબાઈલમાં તસ્વીર અને વીડીઓ રૂપે કેદ થયા છે. ત્યારે તંત્ર હજુ પુરાવા શોધે છે. ગેરકાયદેસર માટી ચોરનાર સામે પોલીસ ફરિયાદ કરી સાધનો જપ્ત કરવાની જગ્યાએ તંત્ર હજુ પણ માટી ચોરનાર માફીયાઓને છાવરી રહ્યુ છે.
જોકે ટીડીઓએ તો તેમના સત્તામાં આવતી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ટીડીઓએ કાજીઅલીયાસણા ગ્રામ પંચાયતના સરપંચને નોટીસ આપી છેકે સર્વે નં.૩૧ ની ગૌચરની જમીનમાં કોઈપણ જાતની પરવાનગી વગર માટીનુ ગેરકાયદેસર ખોદકામ થતુ જણાઈ આવેલ છે. તો આ બાબતે તમારી સામે ફોજદારી કાર્યવાહી કેમ ના કરવી. જે બાબતની લેખીતમાં જાણ કરવી. જો આ બાબતે ખુલાસો કરવામાં નહી આવે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Top