You are here
Home > News > ભાજપના બતાવવાના અને ચાવવાના અલગ દાંત ખેરાલુ શહેરના વિકાસમાં પાલિકા મદદરૂપ થવા તૈયાર નથી

ભાજપના બતાવવાના અને ચાવવાના અલગ દાંત ખેરાલુ શહેરના વિકાસમાં પાલિકા મદદરૂપ થવા તૈયાર નથી

ભાજપના બતાવવાના અને ચાવવાના અલગ દાંત
ખેરાલુ શહેરના વિકાસમાં પાલિકા મદદરૂપ થવા તૈયાર નથી
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરનો છેલ્લા સાત આઠ વર્ષથી અભુતપૂર્વ વિકાસ બિલ્ડરો કરી રહ્યા છે. ત્યારે કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારને માત્ર વાહ વાહીમાંજ રસ છે. જ્યાં વિકાસ થાય ત્યાં પાલિકા ગટરલાઈન જેવી મહત્વની જરૂરીયાત પુરી પાડતી નથી. કોમ્પ્લેક્ષોના દુકાનદારો અને સોસાયટીઓના મકાન ધરાવતા લોકો પાલિકાની કિન્નાખોરીથી પરેશાન થઈ ગયા છે. હાલ ખેરાલુ પાલિકામાં પ્રમુખ સહિત ત્રણ ચૌધરી સમાજના સભ્યો પાલિકાનો વહીવટ કરે છે. આ ત્રણ સભ્યોનું મોનીટરીંગ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોઘજીભાઈ પટેલ કરે છે તેઓ બધુજ જાણતા હોવા છતા શહેરના વિકાસ માટે પાલિકાને મદદરૂપ થવા સુચના આપતા નથી.
ખેરાલુ શહેરનો અભુતપૂર્વ વિકાસ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપે છે. પરંતુ આ ગ્રાન્ટો શહેરના વિકાસ પામતા વિસ્તારોમાં વાપરવાને બદલે સિમ વિસ્તારોના રોડ બનાવવામાં વપરાઈ જાય છે. જેના કારણે વિકાસ થનાર વિસ્તારો તકલીફમાં મુકાઈ જાય છે. ખેરાલુ શહેરમાં ૨૦ ઉપરાંત જુની અને નવી સોસાયટીઓ બની છે. ગટરલાઈનની સગવડ આપવી હોય તો ખરેખર જે સોસાયટીની આકારણી સૌથી પહેલા થઈ હોય તેને પ્રથમ સગવડ મળવી જોઈએ પરંતુ સૌથી છેલ્લે બનેલી સોસાયટીને બિલ્ડર પાસેથી લાભ મેળવી સૌથી પહેલા ગટરલાઈનની સગવડ આપતા લોકોમાં હોબાળો શરુ થયાનું ચર્ચાય છે. ખેરાલુ શહેરમાં સાંઈમંદિર જતા છેલ્લે આવેલા વૃંદાવન કોમ્પલેક્ષની પાછળ આવેલી પુષ્પચમન સોસાયટી એક વર્ષ પહેલા બની છે. તે સોસાયટીમાં પાલિકાએ ગટરલાઈન નાંખવાનું શરુ કરતા ખેરાલુ શહેરની તમામ સોસાયટીઓ અને કોમ્પ્લેક્ષોવાળામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ખેરાલુ શહેરના લોકોનો ભારતીય જનતા પાર્ટી માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે. નગરપાલિકા, વિધાનસભા અને લોકસભાની ચુંટણીઓ આવે ત્યારે રાજ્યના મોટા મોટા નેતાઓ ખેરાલુમાં ગુજરાતની વિકાસ ગાથા બતાવવા ઉતરી પડે છે. ગુજરાતનો અભૂતપૂર્વ વિકાસ કરનાર તત્કાલિન મુખ્યમંત્રી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી તાલુકા કક્ષાના શહેરોનો વિકાસ કરવા ગ્રાન્ટો આપે છે. પરંતુ તાલુકા કક્ષાના શહેરોના ડેવલપમેન્ટ પ્લાન બનાવવા ફરજ પાડતા નથી. જેના કારણે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ક્યાં વાપરવી તેની કોઈ જાણકારી ન હોવાથી પાલિકા સભ્યો પોતાની વોટબેંક મજબુત કરવા માત્ર બે-ચાર ઘર સિમ વિસ્તારમાં હોય ત્યાં ૧૦ થી ૨૫ લાખના રોડ ક્રમશઃ મંજુર કરી રોડો બનાવી ગ્રાન્ટો વેડફી નાંખે છે. વિકાસ કામની ગ્રાન્ટો એવી જગ્યાએ વપરાવવી જોઈએ કે જ્યાં શહેર અને તાલુકાની પ્રજાની સગવડો વધે પરંતુ આડેધડ ગ્રાન્ટો વાપરી કમિશનો લઈ નાણાં ભેગા કરવાનું મસ મોટુ ષડયંત્ર ચાલતુ હોવાનું ચર્ચાય છે. ખેરાલુ શહેરમાં કઈ સોસાયટીઓ અને કોમ્પ્લેક્ષોમાં ગટરલાઈનની સગવડ નથી તે જોઈએ તો, સ્વામિનારાયણ મંદિર સામેનું ક્રિષ્ના કોમ્પ્લેક્ષ, જલારામ કોમ્પ્લેક્ષ, રાજપુત કોમ્પ્લેક્ષ, યોગેશ્વર કોમ્પ્લેક્ષ, ધરતી કોમ્પ્લેક્ષ, સાંઈમંદિરથી પરત આવતા પહેલુ તીરુપતી બાલાજી કોમ્પ્લેક્ષ, વૃંદાવન કોમ્પ્લેક્ષ, રાધે કોમ્પ્લેક્ષ, ચંદ્રપુષ્પ કોમ્પ્લેક્ષ, રંગોલી આર્કેડ, કલરવ કોમ્પ્લેક્ષ, સ્પાન બજાર, કલરવ કોમ્પ્લેક્ષની સામે એપલ કોમ્પ્લેક્ષ, ગુરુ કોમ્પ્લેક્ષ, અવસર આર્કેડ, પૃથ્વી પ્લાઝા, શીતલ પેટ્રોલપમ્પ પાસે ધરતી એવન્યુ જેવા કોમ્પ્લેક્ષો બન્યા છે. ત્યારે દેવભુમિ રેસીડેન્સી, અલમદીના સોસાયટી, ધરતી બંગ્લોઝ, તીરુપતી સોસાયટી, બાલાજી સોસાયટી, ગણેશનગર સોસાયટી, સામવેદ બંગ્લોઝ, ઋષિવન સોસાયટી, શીવ બંગ્લોઝ, અક્ષરધામ સોસાયટી, પ્રમુખસ્વામી નગર, સ્પાન હોમ ટાઉન જેવી સોસાયટીઓ બની છે. આ તમામ કોમ્પ્લેક્ષો અને સોસાયટીઓનો વેરો ગણીયે તો દરેક કોમ્પ્લેક્ષ અને સોસાયટી દીઠ લાખો રૂપિયા વેરો ભરાય છે. પાલિકા વર્ષે દાહડે લાખોના વેરા ઉઘરાવીને ગટર લાઈનની સગવડ આપતી નથી.
લોકસભાની ચુંટણીમાં લોકો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જોઈને વોટ આપે છે. બાકી ભાજપના પદાધિકારીઓના કારણેતો એક વોટ પણ મળેતેમ નથી. ખેરાલુ શહેરનો વિકાસ કરવા માટે વિધાનસભાના દંડક અને ધારાસભ્ય ભરતસિંહ ડાભી વ્યક્તિગત રસ લઈ ધ્યાન નહી રાખે તો ખેરાલુ શહેરનો વિકાસ વ્યવસ્થીત જોઈએ તે રીતે થશે નહી અને છેવટે ખરાબ તો ભાજપનુજ દેખાવાનુ છે જોઈએ હવે ભરતસિંહ ડાભી પાલિકા સભ્યોના ક્યારે કાન પકડી જરૂરીયાતના વિકાસ કામો કરાવે છે.

Leave a Reply

Top