You are here
Home > News > ભાજપની નબળી નેતાગીરીનુ પરિણામ-તાલુકામાં કોઈ સારા અધિકારી ટકતા નથી એમ.એન.કોલેજના પ્રિન્સીપાલની બદલી થતા રોષ-આંદોલનની ચીમકી

ભાજપની નબળી નેતાગીરીનુ પરિણામ-તાલુકામાં કોઈ સારા અધિકારી ટકતા નથી એમ.એન.કોલેજના પ્રિન્સીપાલની બદલી થતા રોષ-આંદોલનની ચીમકી

ભાજપની નબળી નેતાગીરીનુ પરિણામ-તાલુકામાં કોઈ સારા અધિકારી ટકતા નથી
એમ.એન.કોલેજના પ્રિન્સીપાલની બદલી થતા રોષ-આંદોલનની ચીમકી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર એમ.એન.કોલેજનો જેમની દેખરેખમાં સર્વાંગી વિકાસ થયો છે તેવા એમ.એન.કોલેજના પ્રીન્સીપાલ કે.એમ. જોષીની કોઈપણ કારણો વગર અચાનક બદલી થતા શિક્ષણ જગતમાં આંચકો અનુભવાયો છે. જોકે આ ભાજપની નબળી નેતાગીરીનુ પરિણામ છે. શહેરમાં એકપણ સારા અધિકારી ટકતા નથી. પ્રીન્સીપાલ કે.એમ.જોષીની જો ફરીથી કોલેજમાં પ્રીન્સીપાલ તરીકે નિમણુંક કરવામાં નહી આવે તો વિદ્યાર્થી મંડળે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
એમ.એન.કોલેજના ઉત્સાહી, અનુભવી, લોકપ્રીય કે જેમણે વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે સેવાનો ભેખ ધારણ કર્યો છે તેવા પ્રીન્સીપાલ કે.એમ.જોષીની કોઈપણ કારણો વગર હારીજ સાયન્સ કોલેજમાં બદલી કરવામાં આવી છે. જેમની બદલીથી વિદ્યાર્થી આલમ તથા ઉત્તર ગુજરાતના શિક્ષણ જગતમાં ભાજપની સરકાર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. કોલેજમાં છેલ્લે કાયમી પ્રીન્સીપાલ ર્ડા.એમ.આઈ.પટેલ નિવૃત્ત થતા કોલેજના સાયન્સના કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર તરીકે કાર્યશીલ અધ્યાપક તરીકે કામ કરતા કે.એમ.જોષીની કાર્યકારી પ્રીન્સીપાલ તરીકે નિમણુંક કરી હતી. કોલેજના સિનિયર અધ્યાપકો હોવા છતાં કે.એમ.જોષીની શૈક્ષણિક સેવાઓને ધ્યાને રાખી તેમને જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાતની સરકારી કોલેજોમાં કોઈ કાર્યક્રમ હોય, અધ્યાપકોની નિમણુંક સમિતિ હોય, નવા અભ્યાસક્રમોની ચર્ચા હોય કે અન્ય શૈક્ષણિક જવાબદારી હોય તમામ બાબતોમાં એક એક્ષપર્ટ તરીકે કામ કરતા હતા. યુ.જી.સી. અને શિક્ષણ વિભાગ કામ સોપે તો પુરી વફાદારી, વિશ્વાસ અને ખંતથી કામગીરી કરતા હતા. પર્યાવરણ પ્રેમી હોવાથી કોલેજમાં અસંખ્ય વૃક્ષારોપણ કર્યુ. સાંસ્કૃતિક પ્રેમી હોવાથી કરોડોની ગ્રાન્ટ લાવી વિશાળ હૉલ બનાવ્યો. સ્વાસ્થ્ય પ્રેમી હોવાથી આધુનિક સાધનો સાથેનુ કોલેજમાં જીમ ઉભુ કર્યુ. શિક્ષણ પ્રેમી તો હતા, જેથી કોલેજમાં વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર ટ્રેનીંગ સેન્ટર, અંગ્રેજી સ્પીકીંગ ક્લાસ શરૂ કર્યા. એન.એસ. એસ., એન.સી.સી.ની વિદ્યાર્થીઓએ પ્રથમ કક્ષાની ટ્રેનીંગ મેળવી. વકતૃત્વ સ્પર્ધા, સ્પર્ધાત્મક પરીક્ષાનુ ટ્રેનીંગ સેન્ટર, નવીન વાંચનાલય, બોટનિકલ ગાર્ડન, જુદા જુદા વિષયના નિષ્ણાંત અધ્યાપકો દ્વારા સેમીનાર, કોલેજમાં યુનિવર્સિટીના પી.જી.કેન્દ્રો, વિદ્યાર્થીઓને તાલુકાની બહાર જવુ ન પડે તે માટે જરૂર પડે વર્ગો વધાર્યા. વર્ગોમાં સંખ્યા વધારી જેવા અનેક કાર્યો કર્યા હતા. સરકારી કોલેજમાં અધ્યાપકોનો અને વહિવટી મહેકમમાં ૫૦ ટકા સ્ટાફ હોવા છતાં આગવી કોઠાસુઝથી કાર્ય કર્યુ. વિદ્યાર્થીઓના હિતમાં જરૂર પડે અભ્યાસક્રમ પુરો કરવા નિવૃત્ત અધ્યાપકો બોલાવી શિક્ષણ કાર્ય પુરૂ કર્યુ. કોલેજ અને વિદ્યાર્થીઓની રાત દિવસ ચીંતા કરતા આ પ્રીન્સીપાલ જોષી વિરુધ્ધ વિદ્યાર્થીઓ કે વાલીઓ દ્વારા ગાંધીનગર સુધી કોઈપણ પ્રકારની ફરિયાદ ગઈ નથી.
આવા કર્મશીલ, શિક્ષણપ્રેમી પ્રીન્સીપાલની બદલી થતા વિદ્યાર્થીઓની ખુબજ નારાજગી જોવા મળી છે. કે.એમ.જોષીની બદલીથી એમ.એસ.સી. વિભાગ બંધ થઈ જશે. કોલેજની વિદ્યાર્થી કલ્યાણ સમિતિ, એમ.એન.કોલેજ પૂર્વ વિદ્યાર્થી મંડળે આ બાબતે ભારે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યુ છેકે પ્રીન્સીપાલ કે.એમ.જોષીની બદલી અટકાવવામાં નહી આવે તો ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલે આ બાબતે સરકારમાં રજુઆત કરી છે. પરંતુ જડ તેમજ બીન ગુજરાતી ઉચ્ચ શિક્ષણના અધિકારીઓ ગુજરાતના આવા નવોદય અધિકારીઓ આગળ ન આવે તે માટે તેમની કારકીર્દિ ખતમ કરવા આ બદલી કરવામાં આવી હોવાનુ શિક્ષણ આલમમાં ચર્ચાય છે. શિક્ષણની ઘોર ખોદતા નિર્ણયો લેતા આવા અધિકારીઓની સરકાર તપાસ કરે તે જરૂરી બન્યુ છે. પ્રીન્સીપાલ કે.એમ.જોષીની બદલી રોકવામાં નહી આવે તો કોલેજના વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ આંદોલનનુ પગલુ ભરવામાં પાછી પાની નહી કરે તે ચોક્કસ વાત છે. જો આંદોલન થશે તો સરકારે કદી નહી વિચાર્યુ હોય તેવા સંગઠનોનો ટેકો પણ મળી શકે છે.

Leave a Reply

Top