You are here
Home > News > વિકાસમંચ, કોંગ્રેસના ગઠબંધનના પ્રમુખનો બેજવાબદાર જવાબ સફાઈવેરો સોસાયટીઓ સાફ કરવા માટે નથી

વિકાસમંચ, કોંગ્રેસના ગઠબંધનના પ્રમુખનો બેજવાબદાર જવાબ સફાઈવેરો સોસાયટીઓ સાફ કરવા માટે નથી

વિકાસમંચ, કોંગ્રેસના ગઠબંધનના પ્રમુખનો બેજવાબદાર જવાબ
સફાઈવેરો સોસાયટીઓ સાફ કરવા માટે નથી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાના વિકાસમંચ અને કોંગ્રેસના પાલિકા પ્રમુખ સફાઈવેરાનું ખોટુ અર્થઘટન કરી શહેરની પ્રજાને બેજવાબદાર જવાબો આપે તે દુઃખની વાત છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિસનગર નગરપાલિકા દ્વારા લાઈટ અને સફાઈવેરો નાંખવામાં આવ્યો છે. સફાઈવેરો મિલકત ઉપર ૧૫૦ રૂપિયા અને કોમર્શીયલ મિલકત ઉપર ૩૦૦ રૂપિયા આકરો વેરો નંખાતા શહેરના કેટલાક શોપીંગ સેન્ટરના વેપારીઓએ પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી સમક્ષ રજુઆત કરી હતી કે કચરો વાળવાવાળા આવતા નથી તો વેરો શાનો? ત્યારે પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ જવાબ આપ્યો હતો કે વિસનગરની ૬૦ ટકા સોસાયટીઓમાં કચરો વાળવાવાળા જતા નથી. જે સફાઈ વેરો લેવામાં આવે છે તે વેરામાંથી ગામના રોડ, કેનાલો સાફ કરવા માટે, રોડના ખાડા પૂરવા માટે નાણાંનો ઉપયોગ કરવાનો છે. જે સોસાયટીમાં સફાઈ કામદારની જરૂર હોય તો સોસાયટી પાલિકામાં ખર્ચ આપવા તૈયાર થશે તો તે સોસાયટીમાં સફાઈ કામદાર મૂકી આપવામાં આવશે. પાલિકા પ્રમુખનો આ બેજવાબદાર જવાબ યોગ્ય નથી. પહેલી વાત છેકે પ્રમુખ જે સોસાયટીમાં રહે છે, બાંધકામ કમિટિના ચેરમેન જે જગ્યાએ રહે છે તે સોસાયટીઓમાં દરરોજ સફાઈ થાય છે. કોઈ કોઈ વખત તો બે વખત સફાઈ થાય છે. તેમની સોસાયટીઓએ પાલિકામાં કેટલો સફાઈનો ચાર્જ ભર્યો? પાલિકા દ્વારા જે સફાઈ વેરો લેવાય છે તે ગામની સોસાયટીઓ સાફ કરવા માટે જ લેવાય છે પાલિકા જે મિલકત વેરો લે છે તેની સામે કઈ સગવડ આપે છે? અગાઉના વર્ષો કરતા પ્રવર્તમાન સંજોગોમાં અનેકઘણા વેરા લેવાય છે ત્યારે પહેલાં જે મહેકમ હતું તેજ મહેકમથી કામ ચલાવાય તે યોગ્ય નથી. પાણીવેરા સામે પાણી અપાય છે. લાઈટવેરા સામે સ્ટ્રીટલાઈટ અપાય તો સફાઈ વેરા સામે કેમ સફાઈ કામદારો ન પૂરા પડાય? પ્રવર્તમાન સંજોગોમાં ચુંટાયેલા પાલિકા સભ્યો પટેલ અનામતના પવનમાં ચુંટાયા છે. પણ જ્યારે નવી ચુંટણી આવે ત્યારે ભણેલા ગણેલા બુદ્ધિશાળી વ્યક્તિઓને જ લોકોએ પાલિકામાં મોકલવા પડશે. નહિ તો સફાઈવેરાના નાણાંમાંથી કેનાલો સાફ કરવાનો જવાબ મળશે. પાલિકા પ્રમુખના આવા જવાબને રાજ્ય લેવલે પડકારવામાં આવશે તે ચોક્કસ વાત છે. સ્વચ્છતા ચેરમેન દ્વારા યોગ્ય જવાબ મળ્યો છેકે સફાઈ કામદાર માટે સોસાયટીઓનું સર્વે ચાલે છે.

Leave a Reply

Top