You are here
Home > News > વિસનગર તાલુકા હેલ્થ ઓફીસ ટીમની ફક્ત ૧૦ દિવસની મહેનત તાલુકાના ૫૬,૦૦૦ માંથી ૨૦,૦૦૦ બાળકોને ઓરી-રૂબેલાની રસી અપાઈ

વિસનગર તાલુકા હેલ્થ ઓફીસ ટીમની ફક્ત ૧૦ દિવસની મહેનત તાલુકાના ૫૬,૦૦૦ માંથી ૨૦,૦૦૦ બાળકોને ઓરી-રૂબેલાની રસી અપાઈ

વિસનગર તાલુકા હેલ્થ ઓફીસ ટીમની ફક્ત ૧૦ દિવસની મહેનત
તાલુકાના ૫૬,૦૦૦ માંથી ૨૦,૦૦૦ બાળકોને ઓરી-રૂબેલાની રસી અપાઈ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને મિઝલ્સ(ઓરી) અને રૂબેલા રોગની રસી આપવાનુ મહાઅભિયાન ચાલી રહ્યુ છે. બાળકોને વિવિધ રસી આપ્યા બાદ સામાન્ય રીતે બે-ત્રણ દિવસ તાવ વિગેરે આડ અસર જોવા મળે છે તેજ રીતે ઓરી-રૂબેલાની રસી બાદ કેટલાક બાળકોને તેની આડ અસરની ફરિયાદ મળતા અત્યારે કેટલાક વાલીઓ અને બાળકોમાં આ રસીને લઈ ખોટી અફવાઓથી ભય જોવા મળ્યો છે. પરંતુ રસી લેવામાં ન આવે તો ઓરી અને રૂબેલા રોગના ખરાબ પરિણામો મળી શકે છે. વિસનગર તાલુકા હેલ્થ ઓફીસની ટીમે ફક્ત ૧૦ દિવસના ગાળામાં તાલુકાના ૨૦,૦૦૦ ઉપરાંત બાળકોને આ રસી આપી છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ૯ મહિનાથી લઈને ૧૫ વર્ષ સુધીના લગભગ દોઢ કરોડ બાળકોને ઓરી(મિઝલ્સ) – રૂબેલાની રસી આપવાનુ અભિયાન હાથ ધર્યુ છે. જેમાં અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં થઈ કુલ ૫૦ લાખ બાળકોને રસી આપવામાં આવી છે. જેમાંથી આખા રાજ્યમાં થઈ કુલ ૧૬૦ જેટલા બાળકોને રસીના કારણે આડ અસર જોવા મળી છે. ઓરી-રૂબેલાની રસી આપ્યા બાદ બે થી ત્રણ દિવસ સાધારણ તાવ શરીરે ઓછા દાણા જોવા મળવા જેવી સાઈડ ઈફેક્ટ જોવા મળે છે. જે સાઈડ ઈફેક્ટ કોઈજ બાળકમાં જોવા મળે છે. ૫૦ લાખમાંથી હજુ સુધી ૧૬૦ બાળકોને સાઈડ ઈફેક્ટ થઈ એટલે ટકાવારીમાં તેનો રેસીયો ગણો. રસી લેવાથી થોડી આડઅસરો સહન કરવી સારી. પરંતુ રસી ન લેવાથી આ રોગના જે જોખમ છે તે વધારે ખરાબ છે.
રસીના કારણે કેટલાકજ બાળકોને આડઅસર થતા તેનો ખોટો હાઉ ઉભો થતા અત્યારે શિક્ષિત સમાજના વાલીઓ અને બાળકો આ રસી લેવાથી ડરી રહ્યા છે. પરંતુ ભારતમાં બનેલી રસી વિશ્વના અન્ય ૮૨ દેશોમાં પણ વપરાય છે. ૧૯૯૬ થી આજ સુધી રસીના ૪૦ ડોઝ અપાઈ ચુક્યા છે. બધાજ દેશોમાં આ રસીની સારી અસર જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં ત્રણ તબક્કાઓ હેઠળ ૨૦ રાજ્યોમાં ૯.૨ કરોડથી પણ વધારે બાળકોને રસી અપાઈ ચુકી છે. રસી ન લેવાના કારણે ૧.૩૫ લાખ બાળકો ઓરીના કારણે મૃત્યુ પામ્યા હતા. જેમાંથી ૩૬ ટકા મૃત્યુ ભારતમાં થયા છે. દર વર્ષે ૪૦ થી ૫૦ હજાર જેટલા બાળકો રૂબેલાના લક્ષણોવાળા જન્મે છે. બાળકોને આવી ગંભીર અસરો કરતા ઓરી-રૂબેલાની રસી બાદ થોડી આડઅસર શુ ખોટી?
ઓરી-રૂબેલાની રસી બાબતે હેલ્થ કમિશ્નર જયંતી રવિએ જણાવ્યુ છેકે વેક્સીન આપતા સમયે કેટલાક ઠેકાણે બાળકો ગભરાઈ જવાના કારણે સામાન્ય અસર થઈ હોવાનુ ધ્યાને આવ્યુ છે. આવા તમામ બાળકો માટે સરકારે સારવારની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી રાખી છે. રાજ્યમાં એકપણ જગ્યાએ બાળક માટે જીવનુ જોખમ ઉભુ થયુ હોય એવી એક પણ ઘટના બની નથી. અત્યાર સુધી દેશના ૨૦ રાજ્યોના ૯ કરોડના બાળકોને આ રસી આપવામાં આવી છે. બાળકોને કોમ્પ્લીકેશન થાય તો તેનુ મોનીટરીંગ કરવા સરકારે કંટ્રોલરૂમ બનાવ્યો છે. આપણા દેશમાંથી પોલીયો નાબુદ કરી શકાયો તેજ રીતે મિઝલ્સ(ઓરી) અને રૂબેલા પણ નિયંત્રણમાં આવે તેવો સરકારનો પ્રયાસ છે. આ રસીથી બાળકને જીવનુ જોખમ નથી. દરેક માતા-પિતાએ નિશ્ચિત રહી પોતાના બાળકોને રસી અપાવવી જોઈએ.
રસી બાદ બાળકોને સામાન્ય આડઅસર જોવા મળી રહી છે. તે બાબતે બાળરોગના સિનિયર ર્ડાક્ટરોના મંતવ્યો છેકે ઓરી-રૂબેલા વેક્સીનની કોઈ આડઅસર નથી. દરેક બાળકને વેક્સીન આપવી જરૂરી છે. કેટલાક બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. બાળકોને ઈન્જેક્શનનો ડર હોય તો આડઅસર થઈ શકે. વાતાવરણના કારણે શરદી, ઉધરસ, તાવ આવી શકે છે. તેના કારણે માતા પિતાએ ગભરાવાની જરૂર નથી. આ ચિન્હો રસીની આડઅસર નથી. બાળકને ઘણી વખતે ભુલ્યા પેટે રસી આપવામાં આવી હોય તો પણ આ મુશ્કેલી સર્જાઈ શકે છે. અત્યારે ગૌરીવ્રત ચાલતુ હોવાથી રસી આપતા પહેલા સંસ્થાઓને ફળાહાર આપવાની પણ સુચના આપવામાં આવી છે.
ઓરી-રૂબેલાની રસી બાબતે વિસનગર તાલુકા હેલ્થ ઓફીસર શુકલાબેન રાવલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ છેકે, વિસનગર શહેર અને તાલુકાના પી.એચ.સી.સેન્ટરોમાં તા.૧૬-૭ થી ઓરી-રૂબેલાની રસી આપવાનુ શરૂ કર્યુ છે. તાલુકાના કુલ ૫૬૬૮૯ માંથી ૨૦૭૩૩ બાળકોને આ રસી અપાઈ ચુકી છે. તાલુકામાં અત્યાર સુધી બાળકને રસી બાદ આડઅસરનો એકપણ કેસ જોવા મળ્યો નથી. રસીકરણ માટે તાલુકા હેલ્થ ઓફીસની ટીમ, આશાવર્કર બહેનો, આગણવાડી બહેનો, શિક્ષણ વિભાગનો સ્ટાફ, શિક્ષકોનો અભૂતપૂર્વ સહયોગ મળી રહ્યો છે.

Leave a Reply

Top