You are here
Home > News > વિસનગર વિસાનાગર વણિક મંડળ દેશના જવાનોની વ્હારે રોજના રૂા.૧ ફંડ પેટે મુકી વર્ષે રૂા.૧ લાખ સૈનિક ફંડમાં આપશે

વિસનગર વિસાનાગર વણિક મંડળ દેશના જવાનોની વ્હારે રોજના રૂા.૧ ફંડ પેટે મુકી વર્ષે રૂા.૧ લાખ સૈનિક ફંડમાં આપશે

વિસનગર વિસાનાગર વણિક મંડળ દેશના જવાનોની વ્હારે
રોજના રૂા.૧ ફંડ પેટે મુકી વર્ષે રૂા.૧ લાખ સૈનિક ફંડમાં આપશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
દેશના જવાનો ટાઢ, તડકો અને વરસાદ સહન કરી આપણા જાન-માલના રક્ષણ માટે પોતાનુ બધુજ ન્યોછાવાર કરી રહ્યા છે. ત્યારે દેશના નાગરિકોની પણ ફરજ છેકે સૈનિકો માટે કંઈક કરી છુટવુ જોઈએ. વિસનગર વિસાનાગર વણિક મંડળના સભ્યોએ રોજના રૂા.૧ ફંડ પેટે મુકવાનુ સ્વિકારી, વાર્ષિક રૂા.૧ લાખ સૈનિક ફંડમાં આપવાનો નિર્ણય કરી વિવિધ ધાર્મિક, સામાજીક, શૈક્ષણિક, વેપારી મિત્રમંડળોને દેશના જવાનોનુ ઋણ અદા કરવા નવો રાહ ચીન્ધ્યો છે. મંડળના પ્રમુખ દ્વારકેશભાઈ મણીયારે મંડળની મીટીંગમાં આ વિચાર મુકતા તમામ સભ્યોએ આવકાર આપ્યો છે.
શ્રી વિસનગર વિસાનાગર વણિક મંડળ, વિસનગરની તા.૨૨-૭-૨૦૧૮ ના રોજ જનરલ મીટીંગ મળી હતી. સમાજની આ મીટીંગમાં મંડળના પ્રમુખ દ્વારકેશભાઈ મણીયારે મીટીંગમાં હાજર સભ્યોને જણાવ્યુ હતું કે, દેશની સરહદ ઉપર માભોમની રક્ષા કરનાર-દેશની રક્ષા કરનાર આપણા વિર બહાદુર જવાનોના કારણે આપણા દેશ વાસીઓ સુરક્ષીત અને સલામત જીવન જીવી રહ્યા છીએ. દેશના સૈનિકોના કારણે આપણા ધર્મસ્થાનો સુરક્ષિત છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણેય ઋતુઓની અંદર એમાંય ખાસ કરીને માઈનસ ૪૦ ડીગ્રીની અતિશય ઠંડીમાં પણ દુશ્મનોને હંફાવી-હરાવી, પોતાના જીવનની, કુટુંબ પરિવારની પરવાહ કર્યા વગર સીમાની તથા આપણા સૌની સુરક્ષા કરી રહ્યા છે. ત્યારે આપણી પણ ફરજ છેકે દેશની અને આપણી રક્ષા કરતા દેશના જવાનોના કુટુંબીજનોને મદદરૂપ બનવા અવશ્ય યોગદાન આપવુ જોઈએ. હક્ક અને ફરજ પરસ્પર છે.
શ્રી વિસનગર વિસાનાગર વણિક મંડળ વિસનગરના પ્રમુખ દ્વારકેશભાઈ મણીયારે સમાજની મીટીંગમાં દેશના જવાનોની પ્રત્યે ફરજ અદા કરવાના પોતાના વિચારો રજુ કરતા મંડળના તમામ સભ્યોએ આ દેશ સેવાના વિચારને આવકાર્યો હતો. દરેક સભ્યોએ રોજ રૂા.૧ ફંડમાં આપવાનો નિર્ણય કર્યો હતો. મંડળની સભ્ય સંખ્યા ૨૮૫ છે. અને રોજના રૂા.૧ પ્રમાણે રૂા.૩૬૫ ટ ૨૮૫ સભ્ય સંખ્યા પ્રમાણે વર્ષ રૂા.૧,૦૪,૦૨૫/- નુ ફંડ એકઠુ થાય. રોજના રૂા.૧ ની બચતમાં વર્ષના અંતમાં સારૂ એવુ સૈનિક ફંડ એકત્રીત થશે. જે ચેક દ્વારા સૈનિક ફંડમાં પહોચતુ કરવામાં આવશે.
વિસનગર વિસાનાગર વણિક મંડળના પ્રમુખ દ્વારકેશભાઈ મણીયારે નમ્ર અપીલ કરી છેકે, દરેક સમાજની સામાજીક સંસ્થાઓ, સમાજના વિવિધ મંડળો, ધાર્મિક શૈક્ષણિક સંસ્થાના સભ્યો, મોટી ફેક્ટરીના કારીગરોની સંમતી મેળવી ફેક્ટરીના માલિક, વેપારી એસોસીએશનો, મિત્ર મંડળો, મહિલા મંડળો, મોબાઈલ વ્હોટ્‌સએપ ગૃપના સભ્યો, શાળા-કોલેજોના યુવક-યુવતીઓ આવુ સ્તુત્ય પગલુ અપનાવે તો રોજના ફક્ત રૂા.૧ ની બચતમાં મોટુ ભંડોળ એકઠુ થાય અને દેશની તથા જવાનોની મોટી સેવા થઈ શકે તેમ છે. શ્રી વિસનગર વિસાનાગર વણિક મંડળના પ્રમુખ દ્વારકેશભાઈ મણીયાર અને મંડળના ૨૮૫ સભ્યોએ દેશના સૈનિકોના પરિવારની સેવા કરવાનો નિર્ણય કરી ૧૨૫ કરોડની વસતી ધરાવતા દેશને અને સમાજને નવો રાહ ચીન્ધ્યો છે. શ્રી વિસનગર વિસાનાગર વણિક મંડળનો આ અભિગમ આવકારણીય અને અભિનંદનને પાત્ર છે. દેશ સેવાનો નિર્ણય કરનાર આ મંડળના સભ્યોને પ્રચાર સાપ્તાહિક પરિવાર નત મસ્તક પ્રણામ કરે છે.

Leave a Reply

Top