You are here
Home > News > સજાની સુનાવણી પછી પણ હાર્દિક પટેલનો જુસ્સો અકબંધ

સજાની સુનાવણી પછી પણ હાર્દિક પટેલનો જુસ્સો અકબંધ

સજાની સુનાવણી પછી પણ હાર્દિક પટેલનો જુસ્સો અકબંધ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર સેસન્સ કોર્ટ ધારાસભ્ય કાર્યાલયના તોડફોડ અને પત્રકાર ઉપર કરેલા હુમલાના કેસમાં પાસના નેતા હાર્દિક પટેલ, એસપીજી અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તથા અનામત આંદોલન સમિતીના કન્વીનર એ.કે.પટેલને બે વર્ષની સજા અને રૂા.૫૦,૦૦૦ ના દંડનો હુકમ કર્યો હતો. ત્યારબાદ ત્રણેય આરોપીઓના વકીલ મારફતે કોર્ટમાં જામીન પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન ઉપર મુક્ત કર્યા હતા. ત્યારબાદ કોર્ટની બહાર નિકળતા હાર્દિક પટેલે અગાઉના જેવા જોમ અને જુસ્સા સાથે મિડીયાને જણાવ્યું હતુ કે, દરેક લડવૈયા માટે આવુ બધુ ગૌણ વસ્તુ છે. અને સજા પડી એટલે અમે ઘરમાં બેસી રહેવાના નથી. પણ હવે મજબુત બનીને સમાજને ન્યાય અપાવવા લડાઈ લડવાના છીએ. વાત રહી ઉપવાસ ઉપર બેસવાની તો જો આ પ્રશ્ન મારો હોત તો હું ક્યારનોય ઉપવાસ ઉપર બેસી ગયો હોત. પરંતુ આ પ્રશ્ન હજ્જારો ગરીબ પરિવાર અને ખેડૂતોનો છે. એટલા માટે હું ૨૫ મી ઓગષ્ટે જેલમાં કે બહાર ગમે ત્યાં હોત પણ અનામતના મુદ્દાની લડાઈ ચાલુ રાખીશ. આ લડાઈમાં લાખ્ખો લોકો જોડાયેલા છે. જેથી અમે એજ જોમ અને જુસ્સા સાથે સરકાર સામે ન્યાયની લડાઈ લડીશુ. બીજુ તમે તો જાણો છોકે એફ.આઈ.આરમાં કોના નામ છે. હું અને લાલજીભાઈ(અહીથી) વિસનગરથી નિકળી ગયા હતા. પણ આતો સત્તાના ઈશારે અમને હેરાન-પરેશાન કરવા માટે કાવતરા થઈ રહ્યા છે. આજે કેટલાય લોકો એવા છેકે જેમના ૨૦-૨૦ વર્ષ સુધી કેસના ચુકાદા આવતા નથી. અને અમારો ચુકાદો આટલો ઝડપી આવ્યો તે નવાઈની વાત છે? છતાં સરકારને જે કરવુ હોય તે કરે અને મારાથી જે કરવુ હશે તે હું કરીશ. જ્યારે લાલજીભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ન્યાયતંત્રનો ચુકાદો અમને શિરોમાન્ય છે. અને ન્યાયતંત્ર ઉપર અમને પુરેપુરો ભરોસો હોવાથી આગામી સમયમાં અમે નામદાર હાઈકોર્ટમાં અપીલ કરી નિર્દોષ સાબિત થઈશુ. અમે પાટીદાર સહિત બીનઅનામત જ્ઞાતિના સમાજને તથા શહિદ થયેલા પાટીદાર ભાઈઓને ન્યાય અપાવવા માટે અમારા એસપીજી ટીમનો કાયમ ટેકો આપીશુ. પણ જો આ લડાઈમાં કોઈ આગેવાન રાજકીય હાથો બનશે તો હું તેનો વિરોધ કરીશ. આ કેસના ચુકાદામાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યું હતું કે, ન્યાયતંત્ર કોઈપણ ચુકાદો આપે ત્યારે તે દરેક પ્રકારના આધાર-પુરાવાનો અભ્યાસ કરી તેમાં તથ્ય લાગે ત્યારે દોષિત કે નિર્દોષ સાબિત કરે છે. જેથી ન્યાયતંત્રના ચુકાદા ઉપર કોઈપણ પ્રકારની કોમેન્ટ કરાય નહી.
જ્યારે મુખ્ય જીલ્લા સરકારી વકીલ ચંદનસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે પાટીદાર અનામતની માગણી સાથે નીકળેલી રેલી ધારાસભ્ય ઋષિભાઈ પટેલને આવેદનપત્ર આપવા કાર્યાલય પહોચી હતી. જ્યાં ધારાસભ્ય કાર્યાલયમાં નહી દેખાતા કેટલાક ઉશ્કેરાયેલા ટોળાએ ધારાસભ્ય કાર્યાલયમાં તોડફોડ કરી હતી. અને સમગ્ર ઘટનાનુ કવરેજ કરી રહેલા પત્રકાર સુરેશભાઈ વણોલને માર મારી તેમનો કેમેરો તોડી નાખ્યો હતો. બીજા પત્રકારોને પણ ઈજાઓ પહોચાડવામાં આવી હતી. આ સાથે નજીકમાં પાર્ક કરેલ બાબુજી ઠાકોરની કારને પણ સળગાવવામાં આવી હતી. આ બનાવમાં પત્રકાર સુરેશભાઈ વણોલની ફરિયાદ આધારે પોલીસે ટોળા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જેમાં કોર્ટે ૧૭ આરોપીઓમાંથી પાસના નેતા હાર્દિક પટેલ, એસ.પી.જી.અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તથા કન્વીનર એ.કે.પટેલને રાયોટીંગના ગુનામાં બે વર્ષની સજા કરી છે.

Leave a Reply

Top