You are here
Home > News > હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને બે વર્ષની સજા વિસનગરમાં પાટીદાર આંદોલનનુ પ્રથમ તોફાન-ફરિયાદ અને સજા

હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને બે વર્ષની સજા વિસનગરમાં પાટીદાર આંદોલનનુ પ્રથમ તોફાન-ફરિયાદ અને સજા

હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને બે વર્ષની સજા
વિસનગરમાં પાટીદાર આંદોલનનુ પ્રથમ તોફાન-ફરિયાદ અને સજા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં પાટીદાર અનામત આંદોલનની રેલી દરમ્યાન ધારાસભ્ય કાર્યાલય ઉપર હુમલાના કેસના ચુકાદામાં કેસના આરોપી હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને બે વર્ષની સજા પડતા કોર્ટ કમ્પાઉન્ડમાં અજંપાભરી સ્થિતિ જોવા મળી હતી. કેસમાંથી શંકાનો લાભ મળતા છુટેલા ૧૪ આરોપીઓએ હાશકારો અનુભવ્યો હતો. નિર્દોષ હોવાથી ન્યાય મળવાનોજ હતો તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમગ્ર ગુજરાતમાં અનામત આંદોલનની વિવિધ ફરિયાદમાં પ્રથમ ચુકાદો વિસનગર કોર્ટે આપ્યો. ત્યારે પાટીદાર અનામત આંદોલનનુ પ્રથમ તોફાન વિસનગરમાં થયુ. પ્રથમ ફરિયાદ વિસનગરમાં થઈ અને પ્રથમ ચુકાદો પણ વિસનગર કોર્ટે આપ્યો.
વિસનગરમાં તા.૨૫-૭-૨૦૧૮ નો દિવસ સમગ્ર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનમાં થયેલ વિવિધ કેસોમાં મહત્વનો સાબીત થયો હતો. ૨૫ ઓગષ્ટ ૨૦૧૫ ની અમદાવાદ ખાતેની પાટીદાર અનામત આંદોલનની મહારેલી અંતર્ગત ૨૩ જુલાઈ ૨૦૧૫ ના રોજ વિસનગરમાં ૨૫ થી ૩૦ હજાર પાટીદારોની જંગી રેલી નીકળી હતી. જે રેલીમાં આવેદનપત્ર આપ્યા બાદ એક ટોળું ધારાસભ્ય કાર્યાલય તરફ ફંટાયુ હતુ. અને ધારાસભ્ય કાર્યાલયમાં તોડફોડ કરી, કાર્યાલય આગળ પાર્ક કરેલ અર્ટીકા કારને આગ ચાંપતા રેલી હિંસક બની હતી. જેમાં રેલીનુ કવરેજ કરતા ત્રણ પત્રકારો ઉપર હુમલો થયો હતો. પત્રકારોના કેમેરા તોડી નાખવામાં આવ્યા હતા. મોબાઈલ પડાવી લીધા હતા. હુમલામાં ઈજા પામેલા પત્રકાર સુરેશભાઈ આંબુભાઈ વણોલની ફરિયાદ આધારે વિસનગર પોલીસે આઈપીસી કલમ ૩૯૫, ૪૩૫, ૩૩૭ અને ૪૨૭ મુજબ પાસ નેતા હાર્દિક પટેલ, એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ, પાટીદાર રેલીના આયોજક અંબાલાલ કાળીદાસ પટેલ સહીત કુલ ૧૭ આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદી, આરોપીઓ, સાક્ષીઓને તપાસી તેમના નિવેદનો મેળવી દસ્તાવેજી પુરાવાઓ આધારે તેમજ સમાજમાં દાખલો બેસે તેવી આરોપીઓને સજા કરવાની સરકારી વકીલ અશોકભાઈ એસ. મકવાણાની દલીલો આધારે ચોથા એડીશનલ સેસન્સ જજશ્રી વી.પી.અગ્રવાલે જ્યારે ચુકાદો આપ્યો ત્યારે કોર્ટમાં હાજર બધાજ સ્તબ્ધ થઈ ગયા હતા. કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને બે વર્ષની સાદી કેદની સજા તથા દરેકને રૂા.૫૦ હજાર દંડનો હુકમ કર્યો હતો. જ્યારે અન્ય ૧૪ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યા હતા. દંડની કુલ રૂા.૧,૫૦,૦૦૦ રકમમાંથી જેમની કારને આગ લગાવાઈ તેના માલિક બાબુજી ઠાકોરને રૂા.૧,૦૦,૦૦૦, ધારાસભ્ય ઋષિભાઈ પટેલને રૂા.૪૦,૦૦૦ તથા પત્રકાર સુરેશભાઈ વણોલને રૂા.૧૦,૦૦૦ વળતર પેટે ચુકવવા કોર્ટે આદેશ કર્યો હતો. સજાના હુકમ બાદ ત્રણ વર્ષથી ઓછી સજામાં જામીન મળતા હોઈ ત્રણેયની સેસન્સ કોર્ટમાં જામીન અરજી મુકવામાં આવી હતી. ત્યારે કોર્ટે પાસપોર્ટ જમા કરાવવાની સહીતની શરતો મુકી રૂા.૧૫ હજારના જામીન પર મુક્ત કર્યા હતા.
જામીન પર મુક્ત થયા બાદ હાર્દિક પટેલ કોર્ટમાંથી બહાર નીકળતાજ કોર્ટ કમ્પાઉન્ડમાં હાજર પાટીદાર યુવાનોએ જય સરદારના સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે ટોળામાં હાજર બે-ત્રણ યુવાનોએ હાર્દિક પટેલ વિરુધ્ધ રોષપૂર્વક ટીપ્પણી કરી હતી. કોર્ટ કમ્પાઉન્ડમાં સવારથીજ ચુસ્ત પોલીસ બદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સજાની સુનાવણી બાદ કોર્ટમાંથી બહાર નિકળેલ હાર્દિક પટેલના જુસ્સામાં કોઈ ફરક જોવા મળ્યો નહોતો. સજા બાદ સરકાર સામે બાથ ભીડવા વધુ મક્કમ થયો હોય તેવુ પત્રકારો સાથેની વાતચીત ઉપરથી જણાયુ હતુ.
જોકે આ સમગ્ર કેસમાં પોલીસે કરેલી ચાર્જસીટ આધારે નહી પરંતુ સરકારી વકીલે રાયોટીંગની કલમો ઉમેરવા આપેલી અરજી સજા માટે મહત્વની સાબીત થઈ હતી. સરકારી વકીલ અશોકભાઈ મકવાણાએ જણાવ્યુ હતું કે કોર્ટમાં સાક્ષીઓ તપાસાઈ રહ્યા હતા. ત્યારે સરકારી વકીલે આઈપીસી કલમ ૧૪૭, ૧૪૮ અને ૧૪૯ નો ઉમેરો કરવા અરજી આપી હતી. વિસનગર પોલીસે કોર્ટમાં ચાર્જશીટ કરી ત્યારે આ કલમો હતી નહી. સરકારી વકીલની પાછળથી કલમો ઉમેરવાની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી અને જે આધારે કોર્ટે સજાનો હુકમ કર્યો.
આ કેસના ૧૭ આરોપીઓમાં પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, પાલિકાના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન રાજેન્દ્રભાઈ ગાંધી, પાલિકાના ટી.પી.ચેરમેન પરેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના સ્ટેન્ડીંગ કમિટિના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ તલાટી હતા. આ કેસમાં ૧૪ આરોપીઓનો શંકાનો લાભ આપી છોડી મુકવાનો કોર્ટે હુકમ કરતા ચુકાદા બાદ આ પદાધિકારીઓએ પ્રતિભાવ આપ્યા હતા કે અમે નિર્દોષ હતા. આ કેસમાં ખોટી રીતે સંડોવ્યા હતા. રાજકીય કિન્નાખોરી રાખી કેસમાં સંડોવ્યા હતા. પરંતુ ન્યાયતંત્ર ઉપર અમને પુરો વિશ્વાસ હતો તે પ્રમાણે ન્યાય મળ્યો છે.

Leave a Reply

Top