You are here
Home > News > આંદોલનમાં બસ બાળનાર આરોપીઓને નુકશાનીના એક લાખ ભરાવનાર ગુજરાત હાઈકોર્ટ અને જસ્ટીસ આર.પી. ધોલેરીયા સાહેબને બા અદબ સલામ

આંદોલનમાં બસ બાળનાર આરોપીઓને નુકશાનીના એક લાખ ભરાવનાર ગુજરાત હાઈકોર્ટ અને જસ્ટીસ આર.પી. ધોલેરીયા સાહેબને બા અદબ સલામ

આંદોલનમાં બસ બાળનાર આરોપીઓને નુકશાનીના એક લાખ ભરાવનાર
ગુજરાત હાઈકોર્ટ અને જસ્ટીસ આર.પી. ધોલેરીયા સાહેબને બા અદબ સલામ
ગુજરાત હાઈકોર્ટે તોફાનો દરમ્યાન બાળવામાં આવેલ એસ.ટી. બસના આરોપીઓને જામીન આપવા બાબતે નુકશાનીના એક લાખ ભરવાની શરતે જામીન આપવાની કરેલી શરતનો પડઘો સમગ્ર દેશમાં પડશે. મહેસાણા જીલ્લાના બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડીયન ડેથ થતાં વિરોધમાં કોંગ્રેસ દ્વારા બંધના એલાનમાં વિસનગરથી બાપુનગર જતી બસના પેસેન્જરો બસમાંથી ઉતારી તેને આગ ચાંપવામાં આવતા પોલીસે રોડ ઉપરના સીસીટીવી ફૂટેજ કોલ ડીટેલના આધારે પકડેલા આરોપીઓએ બે વખત સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જે નામંજુર થતા હાઈકોર્ટમાં જામીન અરજી મૂકતાં કોર્ટમાં જામીન અરજી ઉપર સુનવણી થતાં બસના નુકશાન પેટે એક લાખ જમા કરવાની શરતે જામીન મંજુર કર્યા હતા. આ કોર્ટની શરતનો પડઘો સમગ્ર દેશમાં પડશે. કોર્ટો જો તોફાનો માટે આટલી સતર્ક રહેશે તો લાંબા સમયે આંદોલનોમાં તોફાનીઓ સરકારી મિલકતોને ટારગેટ બનાવી નુકશાન કરતાં સો વાર વિચાર કરશે. સમગ્ર દેશમાં દાખલો બેસાડતો હુકમ કરવા માટે ગુજરાત હાઈકોર્ટ અને જસ્ટીસ આર.પી.ધોલેરીયા બાય અદબ સો સો સલામના અધિકારી બને છે. ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં વખતો વખત આંદોલનો થાય છે. આંદોલન એટલે બસોના કાચ તોડવા, બસો સળગાવવી, ઝાડ કાપી રોડ વચ્ચે નાંખવા, ટાયર સળગાવી રસ્તા રોકવા આ તોફાનોનો મુખ્ય અભિગમ છે. જેમ દિવાળીમાં દિવા કરી દારૂખાનુ ફોડ્યા વિના દિવાળી થાય નહિ તેમ આંદોલનના તોફાનમાં ઉપરના કાર્યો કર્યા વિના આંદોલન પરીપૂર્ણ થાય નહિ. આ માનસિકતા સમગ્ર દેશમાં ઘર કરી ગઈ છે. સરકારની કરોડો રૂપિયાની મિલકતો કે જે આપણી જ છે તેને આપણે નુકશાન કરી સંતોષ માનીએ છીએ ઘર કરી ગયેલી આ માનસિકતા કોઈના કહેવાથી, કોઈના સમજાવાથી જવાની નથી, તેના માટે ન્યાયતંત્રએ જ કડક થવું પડશે. એક જમાનો હતો ગાયકવાડ સ્ટેટનો સ્ટેટ રાજમાં સાર્વજનિક ગુનામાં ગામ લોકો આરોપીઓ રજૂ ન કરી શકે તો આખેઆખા ગામને દંડ કરવાના બનાવો સ્ટેટના ઈતિહાસમાં લખાયા છે. ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો પણ આવોજ છેકે જે નુકશાન કરે તે ભરપાઈ કરે. આ ચુકાદો ન્યાયતંત્રના ઈતિહાસમાં અભૂતપૂર્વ રહેશે. કોર્ટો આવાને આવા ચુકાદા આપી લોકોમાં દાખલા બેસાડતા રહેશે તો કદિ કોઈ આંદોલનમાં બસો રોકી તેને નુકશાન કરતા સો વાર વિચાર કરશે. ગ્રામ્ય વિસ્તારમાં બસ બાળવામાં આવે કે તેને નુકશાન કરવામાં આવે તો જે તે ગામ પાસે બસ બળી હોય તેને જવાબદાર ગણી કાર્યવાહી કરાય. કોર્ટો આરોપીઓને જામીન ઉપર છૂટવા માટે ભારે રકમ ભરાવે અને આવા કેટલાક દાખલા બેસાડાય તો આપોઆપ સરકારી મિલકતોને નુકશાન કરવાનું તો બંધજ થઈ જશે. ગુજરાત હાઈકોર્ટનો જામીન આપવાની શરતમાં લાખ રૂપિયા ભરવાનો હુકમ સમગ્ર દેશની હાઈકોર્ટો માટે એક નમૂનારૂપ દાખલો બેસાડતો હુકમ છે. આ હુકમ સરકારી એટલે આપણી મિલકતો બચાવતો હુકમ છે. સરકારી મિલકતોને નુકશાન થતું અટકશે તો દેશના કરોડો રૂપિયાનો બચાવ થાય તો દેશ આર્થિક રીતે સધ્ધર બનશે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસશ્રીએ આ હુકમ દેશના અર્થતંત્રને મજબૂત કરતો હુકમ ગણીએ તો ચાલે તેમ છે. છેલ્લે ગુજરાત હાઈકોર્ટ જસ્ટીસ શ્રી આર.પી.ધોલારીયાને બા અદબ સલામ.

Leave a Reply

Top