You are here
Home > Prachar News > સમાજના વડીલોએ આધુનિક સાર્વજનિક સ્મશાનગૃહ બનાવવા બદલ રાજુભાઈ પટેલને ધન્યવાદ આપ્યા

સમાજના વડીલોએ આધુનિક સાર્વજનિક સ્મશાનગૃહ બનાવવા બદલ રાજુભાઈ પટેલને ધન્યવાદ આપ્યા

આઠગામ કડવા પાટીદાર સમાજના પ્રમુખ રાજુભાઈ પટેલ(આર.કે.)નુ સુચન સૌએ આવકાર્યુ
દાતાઓના દાનના વ્યાજમાંથી રોકડમાં કન્યાદાન અપાશે

સમાજના વડીલોએ આધુનિક સાર્વજનિક સ્મશાનગૃહ બનાવવા બદલ રાજુભાઈ પટેલને ધન્યવાદ આપ્યા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં આઠ ગામ કડવા પાટીદાર સમાજની મીટીંગ મળી હતી. જેમાં સમાજના પ્રમુખ આર.કે.જ્વેલર્સવાળા રાજુભાઈ પટેલે કન્યાદાન માટે મળેલ દાનની રકમના વ્યાજમાંથી કન્યાઓને રોકડમાં કન્યાદાન આપવાનુ સુચન કરતા મીટીંગમાં હાજર સૌએ આ સુચન આવકાર્યુ હતુ. સમાજમાં લોકોને સહાય કરતી અને સમાજની એકતા માટેના અન્ય સુચનો પણ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા હતા. જે સુચનો આવકારી તેને અમલમાં મુકવા માટે સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.
શ્રી આઠ ગામ કડવા પાટીદાર સમાજની વાર્ષિક સાધારણ સભા તા.૧૨-૮-૨૦૧૮ ના રોજ કડા રોડ ઉપર આવેલ શ્રી કેશવલાલ ઝવેરચંદ શ્રી આઠ ગામ કડવા પાટીદાર સંકુલમાં મળી હતી. આઠ ગામ કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી રાજેષકુમાર કાનજીભાઈ પટેલ(આર.કે.જ્વેલ્સ) ના પ્રમુખ સ્થાને મળેલી આ સભામાં સમાજના કેળવણી મંડળના પ્રમુખ જસવંતભાઈ, ટ્રસ્ટના પ્રમુખ જયંતિલાલ પટેલ(પરીધાન), આઠ ગામ સમાજના સમુહલગ્નના કન્વીનર ગીરીશભાઈ પટેલ(ક્રિષ્ણા), બધાજ મંડળના કારોબારી સભ્યો, સમાજના વડીલો, ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાધારણ સભામાં ગત વર્ષના સમાજના કેળવણી મંડળના, સમુહલગ્નના, ટ્રસ્ટ હિસાબો વંચાણે લઈ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. આગામી સમુહલગ્નની ચર્ચામાં સમુહલગ્નમાં જોડાનાર દિકરીઓના કન્યાદાન માટે રૂા.૭૦ લાખની માતબર રકમનુ દાતાશ્રીઓ દ્વારા દાન મળેલ છે. જેમાં સમાજના પ્રમુખ રાજુભાઈ પટેલે સુચન કર્યુ હતું કે, દાનની રકમનુ માસીક ૧ ટકા વ્યાજ પ્રમાણે વાર્ષિક રૂા.૮,૪૦,૦૦૦ વ્યાજ થાય. જે વ્યાજની રકમ સમુહલગ્નમાં જોડાનાર દિકરીઓને કન્યાદાન પેટે રોકડમાં આપવુ. પ્રમુખનુ સમાજની દિકરીઓને સમુહલગ્નમાં જોડાવા પ્રોત્સાહન આપતુ આ સુચન સૌએ વધાવી લીધુ હતુ. ત્યારબાદ રાજુભાઈ પટેલે મરણ જેવા દુઃખદ પ્રસંગે સમાજના નાનામાં નાના માણસને સહાયરૂપ બની શકાય તેવા અભિગમ બાબતે જણાવ્યુ હતું કે, જીવન સહાય યોજના ટ્રસ્ટ બનાવવુ જોઈએ. જે યોજના સંદર્ભે સમજ આપી હતી કે, સમાજના ૧૮ થી ૬૦ વર્ષની ઉંમરના કોઈપણ વ્યક્તિ સભ્ય બની શકશે. આ યોજનામાં સભ્ય બનેલ વ્યક્તિ આકસ્મીક કારણોસર મૃત્યુ પામે તો તેવા સભાસદના ઘરે રૂા.૧,૦૦,૦૦૦ વિમા જીવન સહાય રકમ સમાજ દ્વારા આપવામાં આવશે. આ સૂચન પણ સૌએ વધાવી લીધુ હતુ અને સ્થળ ઉપરજ આ યોજનામાં ૪૦૦ જેટલા ફોર્મ ભરાયા હતા.
રાજુભાઈ પટેલે વિસનગરનુ સાર્વજનિક સ્મશાનગૃહ અદ્યતન બનાવ્યુ તેની માહિતી આપી હતી. તેનો ઉપયોગ કરવા વિશેષ ભાર મુક્યો હતો. ત્યારે સમાજના વડીલોએ અદ્યતન સુવિધાવાળુ સ્મશાન બનાવવા માટે રાજુભાઈ પટેલને ધન્યવાદ આપ્યા હતા. આ મીટીંગમાં સમાજના વડીલોને હરદ્વારની યાત્રાએ લઈ જવાના પ્રમુખ રાજુભાઈ પટેલના વિચારને બીરદાવી આ કાર્યક્રમ માટે સંમતી આપી હતી. આ યાત્રા આગામી ફેબ્રુઆરી ૨૦૧૯ માં લઈ જવાનો નિર્ણય કરાયો હતો. આ સભામાં સમાજના પ્રમુખ રાજુભાઈ પટેલે સમાજનુ સંગઠન અને એકતા જળવાઈ રહે તે માટે વિવિધ પ્રોગ્રામ કરવા અને સમુહલગ્નોમાં વધુમાં વધુ સમાજની દિકરીઓ જોડાય તે માટે આહ્‌વાન કર્યુ હતુ. સભાની મીટીંગ બાદ ગીરીશભાઈ(નવદુર્ગા), દિલીપભાઈ (ટનાટન), ગીરીશભાઈ(ક્રીષ્ણા) તથા પ્રહલાદભાઈ મંત્રીની સુંદર ભોજન વ્યવસ્થામાં સૌએ ભોજન લીધુ હતુ. છેલ્લે મહેસાણાના વતની સમાજના ઉપપ્રમુખ અરવિંદકુમાર પટેલ(ચોક્સી)એ આભારવીધી કરી હતી.

Leave a Reply

Top