You are here
Home > News > ખેરાલુ બિમાર સિવિલની સારવાર ૨૦૧૯ પછી કે પહેલા?

ખેરાલુ બિમાર સિવિલની સારવાર ૨૦૧૯ પછી કે પહેલા?

ખેરાલુ બિમાર સિવિલની સારવાર ૨૦૧૯ પછી કે પહેલા?

ખેરાલુ સિવિલના રૂમના છતના પોપડા પડ્યા, ર્ડાક્ટરનો આબાદ બચાવ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મોટી મોટી બડાશો મારી મુખ્ય રસ્તાઓ ઉપર મોટા મોટા હોર્ડીંગ્સ લગાવી જાણે વિશ્વમાં સૌથી વધુ સારવાર ગુજરાત સરકાર કરતી હોય તેવા ડોળ ભાદરવી પુનમના મેળા પહેલા જોવા મળશે. પરંતુ હકીકતમાં ખેરાલુ તાલુકાની વામણી નેતાગીરીને કારણે ખેરાલુ સિવિલ પોતેજ બિમાર છે. ખેરાલુ સિવિલમાં સેવા આપનાર ર્ડાક્ટર તથા સ્ટાફ ક્વાર્ટર વર્ષોથી બિસ્માર છે ત્યારે તાજેતરમાં ખેરાલુ સિવિલના એક રૂમમાં કુકરવાડાથી ડેપ્યુટેશનમાં આવેલા ર્ડાક્ટર બહાર નીકળ્યા અને તુરતજ છતના પોપડા પડતા ર્ડાક્ટરનો આબાદ બચાવ થયો હતો. સ્ટાફ અને દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ખેરાલુ સિવિલના ર્ડાક્ટર્સ ક્વાર્ટર અને સ્ટાફ ક્વાર્ટર વર્ષોથી બિસ્માર હાલતમાં છે. આ જગ્યા ઉપર કોઈ રહેવા તૈયાર નથી. આ ક્વાર્ટર નવા બનાવવા માટે સરકારમાં વારંવાર લેખિત અને મૌખિક રજુઆતો કરવામાં આવી હતી. ખેરાલુ સિવિલ પણ ૩૦ વર્ષ આસપાસ જુની હોવાથી વાપરવા લાયક નથી છતાં સરકારી તંત્ર જ્યાં સુધી બિલ્ડીંગમાં અકસ્માત ન થાય અને કોઈને મૃત્યુ તુલ્ય ઈજા ન થાય ત્યાં સુધી જાગતુ નથી. ખેરાલુ શિતકેન્દ્ર પાસે સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલુ છે. ર્ડાક્ટરો દ્વારા ઈમારત રિનોવેશન કે નવી બનાવવા રજુઆતો કરે છે. ગાંધીનગર ખાતે હેલ્થ વિભાગના મકાનોનું બાંધકામ પી.આઈ.યુ.(પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનીટ) દ્વારા કરવામાં આવે છે. ગાંધીનગર સેક્ટર ૧૨ માં પી.આઈ.યુ.ની મેઈન ઓફીસ આવેલી છે. આ ઓફીસ બહાર ગુજરાત દેશની સારી સરકારના બોર્ડ લગાવ્યા છે. પરંતુ રાજ્યમાં હકીકત કાંઈજ જુદીજ છે. સમગ્ર રાજ્યમાં અસંખ્ય સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો જર્જરીત છે. કેટલીક જગ્યાએ નવા અદ્યતન બનાવ્યા છે પણ ર્ડાક્ટરો હાજર નથી. ખેરાલુ શહેરથી માત્ર ૧૨ કીમી દુર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતનમાં હજાર કરોડ ઉપર ખર્ચા કરીને અદ્યતન હોસ્પિટલ બનાવી છે પણ ખેરાલુ શહેરની એકમાત્ર ગરીબોના બેલી જેવી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પુરતા ર્ડાક્ટરો નથી. ઈમારત જર્જરીત હોવા છતા પેટનો ખાડો પુરવા ર્ડાક્ટરો, નર્સો મરવાની બીકે નોકરી કરે છે. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પુરતા મેડીકલ સાધનો નથી. ઈમરજન્સીમાં સારવાર માટે સાધનો ન હોવાથી દર્દીઓને આગળ ધકેલવામાં આવે છે. ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભી વિધાનસભાના દંડક છે. પરંતુ નવુ સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવડાવી શકતા નથી. ખેરાલુ શહેરના ભાજપના નેતાઓ ટાંટીયા ખેંચમાં પડ્યા છે અને નવરા છે તે ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે. ખરેખર ખેરાલુ તાલુકાના ભાજપ-કોંગ્રેસના નેતાઓ ભેગા થઈને સાચા અર્થમાં વિકાસ કરાવે તો સારુ કહેવાશે. ખેરાલુ સિવિલમાં પોપડા પડવાથી બચી ગયેલા કુકરવાડા સિવિલના મેડીકલ ઓફીસર સુનિલભાઈ ચૌધરીનો પરિવાર ભગવાનનો પાડ માનતો હશે અને સરકાર ઉપર …….? અને છેલ્લે ૨૦૧૯ ની લોકીસભાની ચુંટણી પહેલા સિવિલ નવી ન બનાવો તો કોઈ વાંધો પ્રજાને નથી પણ રીપેરીંગ કરવાના નાટક તો કરો જેથી ભાજપના વોટ ઓછા ન થાય અને ર્ડાક્ટરો, સ્ટાફ અને દર્દીઓને રાહત થાય.

Leave a Reply

Top