You are here
Home > News > તંત્રી સ્થાનેથી…ગુજરાત સરકારે હાર્દિકના ઉપવાસના વિરોધને અટકાવાની ભૂલ કરી છે

તંત્રી સ્થાનેથી…ગુજરાત સરકારે હાર્દિકના ઉપવાસના વિરોધને અટકાવાની ભૂલ કરી છે

તંત્રી સ્થાનેથી…
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓના કોરેગાંવ હિંસાના સૂચન અનુસાર
ગુજરાત સરકારે હાર્દિકના ઉપવાસના વિરોધને અટકાવાની ભૂલ કરી છે

મહારાષ્ટ્રના પુણે જીલ્લાના ભીમા કોરેગાંવ ખાતે થયેલી હિંસા માટે પુણે ખાતે યોજાયેલી યલગાર પરિષદમાં નકસલવાદીઓની સંડોવણી માટે તપાસ કરી રહેલી પુના પોલીસે તેલુગુ કવિ વરવર રાવ સહિત પાંચ નામાંકિત માનવ અધિકાર કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. જેના માટે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગવામાં આવતા સુપ્રીમ કોર્ટે તમામ પાંચ એક્ટિવિસ્ટને ધરપકડમાંથી મુક્ત કરી તેમના ઘરે નજરકેદ રાખવા માટે હુકમ કર્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રીઓએ તેમના ચુકાદામાં જણાવ્યું છેકે લોકશાહીમાં અસહમતિને (વિરોધને) રોકાય તો લોકશાહી તૂટી જશે. અસહમતિ લોકશાહીનો કુકરની જેમ સેફ્ટી વાલ્વ છે. સેફ્ટી વાલ્વની સુવિધા લોકશાહીમાં નહિ અપાય તો કુકર જેમ ફાટે છે તેમ લોકશાહી તૂટી જશે. સુપ્રીમ કોર્ટનુ આ સૂચન ગુજરાતમાં હાર્દિક પટેલ માટે લાગુ પડે છે. અત્યાર સુધી હાર્દિક પટેલે જે કર્યુ તેનું વિવેચન કરતાં હવે હાર્દિક પટેલ લોકશાહી ઢબે જે રસ્તે જઈ રહ્યો છે તેને સરકાર રોકશે તો તેના સારા પરિણામ નહિ આવે. લોકશાહીમાં વિરોધ દર્શાવતા વ્યક્તિ ગાંધી ચીન્ધ્યા માર્ગે અમરણાંત ઉપવાસ કરવાનો અધિકાર છે. અમરણાંત ઉપવાસ એક નામ છે. કોઈપણ વિરોધના અમરણાંત ઉપવાસમાં એક્ટિવિસ્ટનું મૃત્યુ થયું હોય તેવું બન્યુ નથી. ગાંધીજીએ ઉપવાસનું શસ્ત્ર અજમાવીનેજ અંગ્રેજોને દેશમાંથી કાઢી ભારતને આઝાદી અપાવી છે. હાર્દિક પટેલ તેના સમાજને અનામતનો લાભ અપાવવા માટે સરકાર સામે ચળવળ ચલાવે છે. ચળવળ સાચી છેકે ખોટી તે કહેવાનો અધિકાર તંત્રીનો નથી. પણ ચળવળ ચલાવવા હાર્દિકને ઉપવાસ કરવાનો લોકશાહીમાં અધિકાર છે. ઉપવાસ કરવા માટે સરકાર ચળવળ ચલાવનારને જગ્યા અને મંજુરી ન આપે તે યોગ્ય નથી. દિલ્હીમાં જંતરમંતર ઉપર આખા દેશમાંથી લોકો આવીને ઉપવાસ, આંદોલનો કરે છે. દિલ્હી સરકારે કદી પણ કોઈ ચળવળ કરનારને રોક્યા નથી. હા, ચળવળ કરનારને સાંસદમાં કે સરકારી ઓફીસો કે પી.એમ., કે મંત્રીઓના દફતરે જતાં રોકાય છે. જંતરમંતર ઉપર બેસી જેને ઉપવાસ કરવા હોય તેને કોઈ રોકતુ નથી. ગુજરાતમાં હાર્દિકને લોકશાહી પધ્ધતિના ઉપવાસ કરવાની જગ્યા નહિ ફાળવવા તથા મંજુરી નહિ આપવા પાછળનું કારણ શુ? હાર્દિકને ગુજરાત સરકારે ઉપવાસ માટે જગ્યા ફાળવવી જ જોઈએ. જેટલી પોલીસ હાર્દિકના ઘર તરફ જતા રોકવા કાર્યરત છે તેના કરતાં હાર્દિકને ખુલ્લામાં ઉપવાસ કરવા મંજુરી અપાઈ હોત તો આટલી પોલીસની જરૂર પડવાની ન હતી. સરકારે હાર્દિકને ઉપવાસ કરવાની મંજુરી ન આપી એટલે લોકોને સરકાર પ્રત્યે ઘૃણા થઈ. અને હાર્દિક પ્રત્યે લાગણી ઊભી થતાં ઉપવાસનો મુદ્દો ચગતાં ગામેગામ પ્રતિક ઉપવાસની સરકારી મંજૂરી વગર શરૂઆત થઈ. સરકારે જો હાર્દિકને ઉપવાસ કરવાની મંજુરી આપી દીધી હોત તો અત્યારે હાર્દિકના ઉપવાસ પૂરા પણ થઈ ગયા હોત. સરકારે હાર્દિકને ઉપવાસ કરવાની જગ્યા અને મંજુરી ન આપી હાર્દિકનું કદ મોટુ કર્યુ છે. અને મોટુ થયેલુ કદ સરકારને નડવાનુંજ છે. સરકારે હાર્દિકને ઉપવાસ કરતો રોક્યો તેનાથી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓના મત મુજબ વિરોધને રોકવાનો પ્રયત્ન થયો. એટલે ગામેગામ ઉપવાસ કરી લોકોએ કાયદો અને વ્યવસ્થાને નબળી સાબિત કરી.

Leave a Reply

Top