You are here
Home > News > મામલતદાર ઓફીસમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

મામલતદાર ઓફીસમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ઉપવાસનો મેસેજ વાયરલ થતાં
મામલતદાર ઓફીસમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનની અસરો હવે ગામડાઓ સુધી ફેલાઈ છે. વિસનગર તાલુકાના વાલમ અને દેણપ ગામમાં રામધૂન અને પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ કરાયો હતો. જ્યારે મામલતદાર ઓફીસ આગળ એક દિવસનો પ્રતિક ઉપવાસનો મેસેજ વાયરલ થતાં પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો.
પાટીદારો અને ખેડૂતોના હિતમાં હાર્દિક પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલ. આમરણાંત ઉપવાસ કાર્યક્રમને સરકારે ભલે સરળતાથી લીધો હોય પરંતુ તેની અસર હવે ગામેગામ ફેલાઈ છે. પાટીદારો હાર્દિક પટેલના નિવાસ્થાને જઈ શકતા નથી. ત્યારે પાટીદારોએ ગામડામાં આ કાર્યક્રમ કરતા સરકાર તથા સમગ્ર તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે. અનામત આંદોલનના એપી સેન્ટર વિસનગર તાલુકામાં હવે ગામેગામ હાર્દિકના સમર્થનમાં કાર્યક્રમો થઈ રહ્યા છે. તા.૩૧-૮ ને શુક્રવારના રોજ વાલમમાં રાત્રે બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલના બાવલા આગળ રામધૂનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તથા પાટણ તાલુકા પંચાયત પ્રમુખ, દર્શિતભાઈ પટેલ, ગામના આગેવાનો અને પાટીદાર ભાઈ-બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ત્યારબાદ તા.૧-૯ ના રોજ દેણપ ગામમાં સવારે ૯-૦૦ કલાકે બસ સ્ટેન્ડ પાસે સ્વામી વિવેકાનંદ પાટીદાર વાડીમાં પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં ગામના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. બપોરે પોલીસ સ્ટાફ પહોચતા કાર્યક્રમ અટકાવાયો હતો.
તા.૧-૯-૨૦૧૮ ના રોજ શનિવારના રોજ વિસનગર સીટી પોલીસ સ્ટેશન સ્ટાફ દોડતો થયો હતો. લગભગ સવારે ૧૦-૦૦ કલાકે વોટ્‌સએપમાં એક એવો મેસેજ વાયરલ થયો હતો કે, જેમાં માલમતદાર ઓફીસ આગળ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરવાના કાર્યક્રમની વિગત હતી. પાટીદાર અનામત આંદોલનના અગાઉના તોફાનોમાં તાલુકા સેવાસદન ઉપર હુમલો થયો હોવાથી આ મેસેજ વાયરલ થતા સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાબડતોડ મામલતદાર ઓફીસ પહોચી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

Leave a Reply

Top