You are here
Home > News > વિસનગર પાલિકા રખડતા ઢોર પુરવાના વિવાદથી ભીંસમાં આવી

વિસનગર પાલિકા રખડતા ઢોર પુરવાના વિવાદથી ભીંસમાં આવી

ગાયો સંપમાં મોઢુ નાખી પાણી પીતી હતી-ગીરીશભાઈ પટેલ
વિસનગર પાલિકા રખડતા ઢોર પુરવાના વિવાદથી ભીંસમાં આવી

• પકડેલા પશુ પુરવા અન્ય વ્યવસ્થા કરવામાં આવશે
• પાંજરાપોળને દર વર્ષે રૂા.૫૧૦૦૦ નો ચેક આપવામાં આવશે. જેથી પકડેલા પશુ સ્વિકારવાનો પ્રશ્ન રહેશે નહી
• રખડતા પશુ પકડવાનો વ્યવસાય કરતા ઈસમોને કામ આપવા ટેન્ડરીંગ કરવામાં આવ્યુ છે-પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં છેલ્લા ઘણા સમયથી રખડતી ગાયો અને આખલાનો ત્રાસ હતો. ત્યારે પાલિકાએ ગત અઠવાડીયાથી રખડતા પશુ પકડી ફાયર સ્ટેશનમાં પુરતા આ મુદ્દે વિવાદ વકર્યો હતો. જેમાં એક પશુનું મૃત્યુ થતા પાલિકાની કામગીરી ઉપર જીવદયા પ્રેમીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. પીવાના પાણીના સંપ હોય ત્યાં સ્વચ્છતા રાખવાની જગ્યાએ રખડતા પશુ પુરવાના કારણે ગંદકી થતા પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલે ભારે રોષ ઠાલવ્યો હતો. જેમણે આક્ષેપ કર્યો હતો કે, પશુઓ માટે પાણીની વ્યવસ્થા નહી હોવાથી, પશુઓ સંપમાં મોઢુ નાખી પાણી પીવાનો પ્રયત્ન કરતાં ઢોરના મોંની લાળ સંપમાં પડતી હતી, ત્યારે આ સંપનુ પાણી કેટલા દિવસ લોકોએ પીધુ? આ વિવાદમાં પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ જણાવ્યુ હતું કે, હવે પકડેલા પશુઓ પાંજરાપોળને સોપવામાં આવશે. રખડતા પશુ પકડી અન્ય જગ્યાએ પુરવામાં આવશે. આ કામમાં સહકાર આપવા જણાવ્યુ હતુ.
વિસનગરમાં દર વર્ષે ચોમાસામાં રખડતી ગાયોનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બને છે. ગાયો અને આખલા પકડવા પાલિકા દ્વારા આગોતરૂ કોઈ આયોજન કરવામાં આવતુ નથી. પરંતુ જ્યારે આગ લાગે ત્યારે કુવો ખોદવાની કહેવત પ્રમાણે ગાયો મુદ્દે ભારે હોબાળો થાય ત્યારે પાલિકા દ્વારા ગાયો પકડવાની કાર્યવાહી થાય છે અને આવડત તેમજ અનુભવ વગર કાર્યવાહી થતા પાલિકાની કામગીરી વિવાદોમાં સપડાય છે. ગત અઠવાડીયાથી પાલિકા દ્વારા રખડતી ગાયો પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ગાયો ફાયર સ્ટેશનમાં પુરવામાં આવી હતી. પૂર્વ પ્રમુખ શકુન્તલાબેન પટેલ દ્વારા પીવાના પાણીના સંપની આસપાસ સ્વચ્છતા રહે તે માટે રૂા.૧૦ લાખના ખર્ચે બ્લોક લગાવવામાં આવ્યા હતા. ત્યારે પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીના ઈશારે પકડેલી ગાયો અને આખલા ફાયર સ્ટેશનમાં પુરવામાં આવ્યા હતા. પકડેલા પશુઓ માટે સડેલા શાકભાજી નાખવામાં આવ્યા હતા. પકડેલા પશુઓના કારણે સંપની આસપાસ ભારે ગંદકી થઈ હતી. પશુઓ માટે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા જોવા મળતી નહોતી.
તા.૨૮-૮-૨૦૧૮ ના રોજ પૂર્વ પાલિકા પ્રમુખ તથા પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલને માહિતી મળી હતી કે, પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા નહી હોવાથી પશુઓ સંપમાં મોઢુ નાખી પાણી પીવાનો પ્રયત્ન કરે છે. ગીરીશભાઈ પટેલ તાત્કાલીક ફાયર સ્ટેશનમાં પહોચ્યા હતા. જેમણે રોષ ઠાલવ્યો હતો કે, પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી તે પાલિકાની જવાબદારીમાં આવે છે. ફતેહ દરવાજા ઢોરનો ડબો ક્યાં નથી? તે અહીં પશુઓ પુરવામાં આવ્યા છે? પશુઓ પાણી પીવા માટે સંપમાં મોઢુ નાખે છે ત્યારે આ સંપનુ પાણી કેટલા દિવસ લોકોએ પીધુ? શહેરના અડધા વિસ્તારમાં આ સંપનુ પાણી પહોચતુ કરવામાં આવે છે. ફાયર સ્ટેશનમાં કમ્પાઉન્ડ એ પકડેલા પશુઓ પુરવાની જગ્યા નથી. પશુઓ પુરતા પહેલા લોકોના સ્વાસ્થ્યનો વિચાર કરવો જોઈતો હતો. ગીરીશભાઈ પટેલની ટકોર પછી સંપ આગળ આડાશ મુકવામાં આવી હતી.
પકડેલા પશુઓનો વિવાદ ચાલતો હતો એવામાં ૨૮-૮ ની રાત્રે એક પશુનુ મૃત્યુ થતાં આ વિવાદ વધુ વકર્યો હતો. મરેલુ પશુ તાત્કાલીક ઉપાડીને તેનો નિકાલ કરવા પાલિકા તંત્ર પેરવી કરી રહ્યુ હતુ. એવામાં પાલિકાના પૂર્વ સભ્ય નાગજીભાઈ રબારી ફાયર સ્ટેશન પહોચી ગયા હતા. એવામાંજ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી આવતા નાગજીભાઈ રબારીએ રોષ ઠાલવ્યો હતો કે, ફાયર સ્ટેશનમાં બ્લોક પાથર્યા હોય કે પ્લાસ્ટર કર્યુ હોય તેવી જગ્યાએ પશુઓ પુરાય નહી. આ પશુઓ પુરવાની જગ્યા નથી. આવી જગ્યાએ પશુઓના પગ લપસી જાય અને પગ ભાગી જાય. પાલિકા પાસે રખડતા પશુઓ પુરવાની જગ્યા છે ત્યાં પુરવા જોઈએ, અને જગ્યા ન હોય તો કામચલાઉ ભાડે જગ્યા લઈ પશુ પુરવા જોઈએ. ઘાસચારા અને પાણીની વ્યવસ્થા બાબતે ઉભરો ઠાલવ્યો હતો કે, કુંડીઓમાં પાણી ભરેલુ છે ત્યારે આટલી ઉંડી કુંડીઓમાંથી પશુ કંઈ રીતે પાણી પી શકે? પશુઓ સંપમાંથી પાણી પીવે તે કેટલુ વ્યાજબી? પશુઓ માટે સડેલા શાકભાજી નહી પણ ચારા તથા પુળાની વ્યવસ્થા કરવી જાઈએ. પકડેલા પશુઓની માવજત કરવાની જવાબદારી પાલિકાની છે. આ પશુ મરી ગયુ તો તેની જવાબદારી કોની? નાગજીભાઈ રબારીએ વધુમાં જણાવ્યુ હતું કે, રખડતા પશુ પકડવા જરૂરી છે. તેના માટે પાલિકા યાદ કરશે ત્યારે રખડતા પશુ પકડવા માટે માલધારી સમાજના યુવાનો મદદ કરવા તૈયાર છે.
આ બાબતે પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ નિખાલસતાથી જણાવ્યુ હતું કે, જે કામ કરે એની ભુલ થાય. જે કામ નથી કરતા એની ભુલ ક્યારેય થતી નથી. પશુનુ મૃત્યુ થયુ છે તે બીમાર હતુ, કુદરતી મૃત્યુ થયુ છે. એના માટે પાલિકા તંત્ર જવાબદાર નથી. જરૂર પડશે તો પશુઓ પુરવા માટે બીજી મોટી જગ્યા લેવામાં આવશે. રખડતા પશુ પકડી પાંજરાપોળમાં આપવા માટે પાંજરાપોળના સંચાલકો સાથે મીટીંગ થઈ ગઈ છે. પાલિકા દર વર્ષે રૂા.૫૧૦૦૦ પાંજરાપોળને આપશે. જેથી હવે પાંજરાપોળ રખડતા પશુ નહી સ્વિકારવાનો પ્રશ્ન રહેશે નહી. રખડતા ઢોર પકડવા માટે તાત્કાલીક ટેન્ડરીંગ કરવામાં આવ્યુ છે. ટેન્ડરની મુદત બાદ રખડતા ઢોર પકડવાનો વ્યવસાય કરતા ઈસમોને વર્કઓર્ડર આપવામાં આવશે અને ઢોર પકડવામાં આવશે. પ્રમુખે વધુમાં જણાવ્યુ હતું કે, આ વખતે રખડતા ઢોર પકડવાની નક્કર કામગીરી કરવામાં આવશે જેનુ પરિણામ એક મહિનામાં દેખાશે. આ કામગીરીમાં સહકાર આપવા વિનંતી કરી હતી.

Leave a Reply

Top