You are here
Home > News > ગાંધી ચીન્ધ્યા માર્ગે પાટીદારોના આંદોલનથી સરકારને ઝુક્યા વગર છુટકો નથી વિસનગરના પાટીદારોનુ હાર્દિક પટેલના પગલે અહિંસક આંદોલન

ગાંધી ચીન્ધ્યા માર્ગે પાટીદારોના આંદોલનથી સરકારને ઝુક્યા વગર છુટકો નથી વિસનગરના પાટીદારોનુ હાર્દિક પટેલના પગલે અહિંસક આંદોલન

ગાંધી ચીન્ધ્યા માર્ગે પાટીદારોના આંદોલનથી સરકારને ઝુક્યા વગર છુટકો નથી
વિસનગરના પાટીદારોનુ હાર્દિક પટેલના પગલે અહિંસક આંદોલન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પાસના કન્વીનર હાર્દિક પટેલે પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફી માટે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરતા વિસનગરમાં ફરી પાછા તોફાનો થશે તેવી એક અજંપાભરી દહેશત હતી. ત્યારે હાર્દિક પટેલના પગલે વિસનગરના પાટીદારો તથા સમગ્ર ગુજરાતમાં પાટીદારોએ અહિંસક આંદોલનનો માર્ગ અપનાવતા આ વખતે સરકારને ઝુક્યા વગર છુટકો નથી. કારણ કે તોફાનો થાય તો ખોટા કેસો ઉભા કરી સરકાર આંદોલનને દબાવી શકે. પરંતુ આ વખતે અહિંસક માર્ગ અપનાવતા સરકારને ખોટા કેસો કરી આંદોલન દબાવવાનો મોકો મળવાનો નથી. આ આંદોલન લાંબુ ચાલશે અને સરકારને પાટીદારોને ન્યાય આપવો પડશે.
૨૫ ઓગષ્ટથી પાસના કન્વીનર હાર્દિક પટેલે તેના નિવાસ્થાને આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. પાટીદારોને અલગ અનામત તથા ખેડૂતોના દેવા માફી માટે ગાંધી ચીન્ધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કરતા હાર્દિક પટેલ ઉપર અગાઉ ચુંટણી વખતે થયેલા આક્ષેપોના કારણે પાટીદારોનો ટેકો નહી મળે તેવુ જણાતુ હતુ. પરંતુ આમરણાંત ઉપવાસના અઠવાડીયા બાદ પણ સતત મળેલી સત્તાના નશામાં ઘમંડી બનેલી ભાજપ સરકારે હાર્દિક પટેલ સાથે ચર્ચા વિચારણા કે પારણા કરવા માટે કોઈ સમાધાન નહી કરતાં પાટીદારોની લાગણી હાર્દિક પટેલ તરફે વળી હતી અને પાટીદાર સમાજના ગામડાઓમાં રેલીઓ, રામધૂન, મુંડન જેવા કાર્યક્રમો શરૂ થયા હતા.
વિસનગર તાલુકામાં રાલીસણા ગામમાં હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂન કાર્યક્રમ કરી ઉપવાસ આંદોલનના તાલુકામાં શ્રીગણેશ કર્યા બાદ તાલુકાના ગામેગામ વિવિધ કાર્યક્રમો થયા હતા. તા.૧-૯-૨૦૧૮ ને શનિવારના દિવસે રાત્રે કાંસા ગામમાં અજાય માતાના ચોકમાં રામધૂન કાર્યક્રમ થયો હતો. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ પટેલ, નવિનભાઈ પટેલ સર્કલ, ઉપ સરપંચ દિપકભાઈ પટેલ સહિતના આગેવાનોએ, મહિલાઓ, યુવકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જ્યારે ઉમતામાં ટાવર ચોકમાં ધિરાણ મંડળીના પ્રમુખ વી.કે.પટેલ, તાલુકા પંચાયત સભ્ય ઈન્દ્રવદન પટેલ, નિવૃત્ત ટીડીઓ બાબુભાઈ પટેલ વિગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં રામધૂન કાર્યક્રમ અને બીજા દિવસે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજાયો હતો. કમાણા ગામમાં મહિલાઓએ થાળી-વેલણ વગાડી તથા એક યુવકે મુંડન કરાવી હાર્દિક પટેલને સમર્થન આપ્યુ હતુ. તાલુકાના ઘાઘરેટ, કુવાસણા તથા સુંશીમાં પણ હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારોએ વિવિધ કાર્યક્રમો કર્યા હતા.
તા.૩-૯ ને જન્માષ્ટમી સુધી વિસનગર શહેરમાં હાર્દિક પટેલના સમર્થનમાં કોઈ કાર્યક્રમ થયા નહોતા. ત્યારે તા.૪-૯-૨૦૧૮ ને મંગળવારના રાત્રે ત્રણ દરવાજા ટાવર પાસે બજરંગ ચોકમાં અચાનક મહિલાઓ થાળી, વેલણ લઈને આવી હતી. જોતજોતામાં મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ જય સરદાર, જય પાટીદારના સુત્રોત્તાર કરી હાર્દિક પટેલને સમર્થન આપ્યુ હતુ. પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી આવી પહોચ્યા હતા. આ સમયે કેટલાક યુવાનોના આગ્રહના પગલે પાલિકા પ્રમુખે બીજા દિવસે તા.૫-૯ ના રોજ બંધનુ એલાન જાહેર કર્યુ હતુ. તા.૫-૯-૨૦૧૮ ના રોજ વિસનગરમાં રાબેતા મુજબ સવારથી બજારો શરૂ કર્યા હતા. બંધનુ એલાન આપવામાં આવ્યુ હોવાથી પી.આઈ.વી.પી.પટેલ તથા અન્ય પોલીસ સ્ટાફ સવારથીજ બંદોબસ્તમાં ખડેપગે રહ્યો હતો. ડી.વાય.એસ.પી. કે.એમ.વાઘેલા સતત પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા હતા. ત્યારે બપોરે ૨-૦૦ કલાકે ૫૦૦ થી ૭૦૦ મહિલાઓ ગંજી, ગોવિંદચકલા ચાર રસ્તા થઈ ત્રણ દરવાજા ટાવર તરફ થાળી-વેલણના અવાજ સાથે ધસી આવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ નિકળતા માયા બજાર અને ગોવિંદચકલા ચાર રસ્તા આસપાસની દુકાનો બંધ થઈ ગઈ હતી. મહિલા પોલીસ દ્વારા મહિલાઓની ધરપકડ કરવામાં આવતા ઘર્ષણ થયુ હતુ. જેમાં ૬ મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. મહિલાઓની ધરપકડ કરવામાં આવતા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. પરિસ્થિતિ વણસે તેમ લાગતા ડી.એસ.પી. નિલેશ જાજડીયા વિસનગર પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. પાલિકા પ્રમુખ હવે મહિલાઓ દ્વારા કાર્યક્રમ નહી થાય તેવી બાંહેધરી લેતા અટકાયત કરેલ મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી. ત્યારે સાંજે ૪-૩૦ કલાકે વિજાપુર રોડ ઉપર અમથેર માતાના મંદિર પાસે જી.જે.૧૮ વાય-૯૦૩૪ નંબરની બસ પસાર થતા બે બાઈક ઉપર આવેલા ચાર યુવાનોએ બસ ઉપર પથ્થરમારો કરી ગાંધી ચીન્ધ્યા માર્ગે ચાલતા આંદોલનમાં પલીતો ચાપ્યો હતો. એકદમ કાચ ઉપર પથ્થર આવતા ડ્રાઈવરે આખો બંધ કરતા બસનો અકસ્માત થતા રહી ગયો હતો. તા.૫-૯ ની રાત્રે ફરીથી મહિલાઓએ ત્રણ દરવાજા ટાવર પાસે થાળી વેલણ લઈ હાર્દિક પટેલના સમર્થનમાં દેખાવ કર્યા હતા.
તા.૬-૯-૨૦૧૮ ના રોજ સવર્ણ સમાજ દ્વારા એટ્રોસીટી કાયદા વિરુધ્ધમાં ભારત બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ. ત્યારે એક બાજુ પાટીદાર આંદોલન અને બીજી બાજુ ભારત બંધનુ એલાન ભેગુ થતા વિસનગરમાં સવારથીજ કેટલાક બજારોમાં દુકાનો ખુલી નહોતી. જ્યારે કેટલાક વિસ્તારોમાં દુકાનો ખુલતા યુવકો બંધ કરાવવા નીકળ્યા હતા. જેમાં બપોર પછી તો તમામ બજારો બંધ રહેતા ભારત બંધના એલાનને સફળતા મળી હતી. આ દરમ્યાન કાંસા ગામના ઉમિયા માતાના મંદિર પાસેના બીજા બસ સ્ટેન્ડ આગળ બપોરે ૧૨-૩૦ કલાકે વિસનગર ડેપોની જી.જે.૧૮ વાય-૯૪૩૮ નંબરની વિસનગર ડેપોની વિસનગર સિધ્ધપુર બસ પસાર થતી હતી. ત્યારે કેટલાક અસામાજીક તત્વોએ બસ ઉપર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારો કરનાર તત્વોએ બસમાં બેઠેલા પેસેન્જરોની પણ ચીંતા કરી નહોતી. જે બનાવમાં વિસનગર એસ.ટી.ડેપોના ટી.આઈ.ગાંડાલાલ પટેલ દ્વારા પોલીસ સ્ટેશને જાણવા જોગ અરજી આપી હતી. જેમાં પોલીસે પથ્થરમારો કરનાર તત્વોની તપાસ હાથ ધરી છે. આ દિવસે રાત્રે થલોટા રોડ ઉપર આવેલ ગૌરવપાર્ક સોસાયટીમાં ૧૩ પાટીદાર યુવાનોનો સામુહિક મુંડનનો કાર્યક્રમ યોજાયો હતો. હાર્દિક પટેલના સમર્થનમાં કરવામાં આવેલ. કાર્યક્રમમાં થલોટા રોડ વિસ્તારની સોસાયટીના પાટીદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તા.૬-૯ ની રાતથી કાંસા એન.એ.ખોડીયાર માતાના મંદિર પાસે વિસનગર તાલુકા પાટીદાર સમાજ દ્વારા પાટીદાર સમાજની માગણીઓ પુરી ન થાય અને હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ છોડી પારણા ન કરે ત્યાં સુધી ૨૪ કલાક રાત દિવસની અખંડ રામધૂનનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કાંસા એન.એ.વિસ્તારની સોસાયટીઓમાં રહેતા પાટીદાર સમાજના ભાઈઓ, યુવાનો, બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સામુહિક મુંડન કરાવનાર યુવાનો અખંડ ધૂનમાં જોડાતા જય સરદાર, જય પાટીદારના સુત્રોચ્ચાર થતા આમરણાંત ઉપવાસ કરનાર હાર્દિક પટેલના સમર્થનમાં ભારે જુવાળ જોવા મળ્યો હતો.

Leave a Reply

Top