You are here
Home > News > વિસનગર કોર્ટના મેજીસ્ટ્રેટશ્રી જે.વી.ચૌહાણનો ચુકાદો ચેક રીટર્નમાં ૧ વર્ષ ૧ માસના ગાળામાંજ સજા ફટકારી

વિસનગર કોર્ટના મેજીસ્ટ્રેટશ્રી જે.વી.ચૌહાણનો ચુકાદો ચેક રીટર્નમાં ૧ વર્ષ ૧ માસના ગાળામાંજ સજા ફટકારી

વિસનગર કોર્ટના મેજીસ્ટ્રેટશ્રી જે.વી.ચૌહાણનો ચુકાદો
ચેક રીટર્નમાં ૧ વર્ષ ૧ માસના ગાળામાંજ સજા ફટકારી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ચેક રીટર્નના કેસમાં પહેલા સાત, આઠ વર્ષ સુધી ચુકાદા આવતા નહોતા. સબંધમાં અને મિત્રતામાં ઉછીના આપેલા રૂપિયા પરત નહી આપતા ન્યાય મેળવવા ફરિયાદી કોર્ટના ધક્કા ખાતા હતા. જ્યારે કોર્ટોમાં કેસના ભારણના કારણે ન્યાયમાં વિલંબ થતા આરોપીઓને ફાવતું જડતું હતુ. ઘણા કેસમાં તો લાંબા સમય સુધી કેસ ચાલવાના કારણે છેવટે ફરિયાદી થાકીને આરોપી સાથે સમાધાન કરવા મજબુર બનતા હતા. ધંધામાં વ્યસ્ત હોય તેવા વેપારી આવતા વિલંબના કારણે ચેક રીટર્નનો કેસ કરવાનુ ટાળી મુળ રકમ કરતા પણ ઓછી રકમ મળતી હોય તો સમાધાન કરવા તૈયાર થતા હતા. ત્યારે વિસનગર કોર્ટના બીજા એડીશનલ જ્યુડી.મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી જે.વી.ચૌહાણે ચેક રીટર્ન કેસમાં ૧ વર્ષ ૧ માસ અને ૮ દિવસમાં ચુકાદો આપી રૂપિયા ઉછીના લઈ વ્યવહાર ન જાળવતા લોકોને ચેતવણી આપી છેકે, ન્યાયના વિલંબની આડમાં જો ગેરવ્યવહાર કરતા હોવ તો ભુલી જજો.
કેસની વિગત પ્રમાણે વિસનગરમાં મહેસાણા રોડ ઉપર આવેલ ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા નટવરલાલ કાળીદાસ પટેલને ખેરાલુ તાલુકાના અંબાવાડાના સેધાભાઈ સોમાભાઈ પ્રજાપતિ સાથે અવાર નવાર મુલાકાત થતા તેમની સાથે ગાઢ મિત્રતાના સબંધો કેળવાયા હતા. સેધાભાઈ પ્રજાપતિને બે લાખ રૂપિયાની જરૂરીયાત ઉભી થતા નટવરભાઈ પટેલ પાસેથી હાથઉછીના લીધા હતા. તા.૨૦-૩-૧૭ ના રોજ આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા સેધાભાઈ પ્રજાપતિએ બેંક ઓફ ઈન્ડીયા ખેરાલુ શાખાનો બે લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. નટવરલાલ પટેલે આ ચેક તેમના ખાતામાં ભરતા રીટર્ન થયો હતો. નેગોશિયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ વિસનગર કોર્ટના તા.૨૪-૭-૨૦૧૭ ના રોજ કેશ દાખલ થયો હતો. ત્યારે ફરિયાદીના વકીલ જે.જે.રાજગોરની દલીલો આધારે વિસનગર કોર્ટના મેજીસ્ટ્રેટ શ્રી જે.વી.ચૌહાણે તા.૧-૯-૨૦૧૮ ના રોજ ચેક રીટર્નના કેસમાં આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા તથા રૂા.૩૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો ત્રણ મહિનાની સાદી કેદની સજા તેમજ હુકમ તારીખથી ૬૦ દિવસમાં બે લાખ રૂપિયા પુરા ચુકવી આપવાનો હુકમ કર્યો છે.

Leave a Reply

Top