You are here
Home > News > ગંજબજાર વેપારી મંડળમાં સમાધાન તો મહામંડળમાં સમાધાન કેમ નહી?

ગંજબજાર વેપારી મંડળમાં સમાધાન તો મહામંડળમાં સમાધાન કેમ નહી?

વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલની બેધારી નિતિ
ગંજબજાર વેપારી મંડળમાં સમાધાન તો મહામંડળમાં સમાધાન કેમ નહી?

કરશનભાઈ છગનભાઈ પટેલ લાછડીવાળાની ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર ગંજબજાર વેપારી મંડળના પ્રમુખની પસંદગી માટેની મીટીંગમાં ધારાસભ્ય તેમજ માર્કેટયાર્ડના ચેરમેન ઋષિભાઈ પટેલને પાછી પાની કરવી પડી હોવાનુ જાણવા મળ્યુ છે. આ મીટીંગમાં ધારાસભ્યએ પ્રમુખનુ નામ સુચવતા પાટીદાર વેપારીઓ દ્વારા ભારે વિરોધનો શુર ઉભો થતા ધારાસભ્યએ સમાધાનકારી વલણ અપનાવવુ પડ્યુ હોવાનુ ચર્ચાય છે. જેમાં ધારાસભ્યની બેધારી નિતિ બહાર આવી છે. ધારાસભ્ય ગંજબજાર વેપારી મંડળમાં સમાધાનકારી વલણ અપનાવતા હોય તો વિસનગર વેપારી મહામંડળમાં કેમ સમાધાન કરાવતા નથી તે મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
મળતી અને ચર્ચાતી માહિતી પ્રમાણે વિસનગર ગંજબજાર માર્કેટયાર્ડ ઓફીસના હૉલમાં ગંજબજાર વેપારી મંડળના પ્રમુખની પસંદગી માટે વેપારીઓની મીટીંગ મળી હતી. જેમાં માર્કેટયાર્ડના ચેરમેન હોવાના નાતે ધારાસભ્ય ઋષિભાઈ પટેલને પણ આમંત્રણ હતુ. આ મીટીંગમાં ગંજબજાર વેપારી મંડળના પ્રમુખનુ એક વર્ષ પૂર્ણ થતા નવા પ્રમુખની વરણી કરવામાં આવનાર હતી. વેપારીઓને વક્તવ્ય આપતા છેલ્લે ધારાસભ્યએ ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ તરીકે જગદીશભાઈ શંકરભાઈ પટેલ(સુંશી)નુ નામ સુચવ્યુ હતુ. ત્યારે મીટીંગમાં હાજર કેટલાક પાટીદાર વેપારીઓએ વિરોધ કર્યો હતો કે પ્રમુખની પસંદગી ગંજબજારના વેપારીઓએ કરવાની હોય છે. ચેરમેને ફક્ત મીટીંગમાં હાજરી આપવાની હોય છે. વેપારીઓનો વિરોધ જોઈ ધારાસભ્ય ઋષિભાઈ પટેલને પાછી પાની કરવી પડી હોવાનુ જાણવા મળ્યુ છે. જે મીટીંગમાં ગંજબજારના વેપારીઓએ વેપારી અગ્રણી ભદ્રેશકુમાર કરશનલાલની પેઢીવાળા કરશનભાઈ છગનભાઈ પટેલ લાછડીવાળાની ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરી હતી. પ્રમુખની પસંદગીમાં વેપારીઓની બહુમતી પ્રમાણે ધારાસભ્ય તેમજ માર્કેટયાર્ડના ચેરમેન ઋષિભાઈ પટેલે પણ પ્રમુખની વરણીને આવકારી હતી. પ્રમુખની પસંદગી માટે ચેરમેનની ઓફીસમાં પણ સમાધાનની ફોર્મ્યુલા ઘડાઈ હોવાનુ જાણવા મળ્યુ છે.
ધારાસભ્યને કેમ સમાધાનકારી વલણ અપનાવવુ પડ્યુ તે બાબતે વેપારીઓમાં ચાલતી ચર્ચા પ્રમાણે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને માર્કેટયાર્ડના ડીરેક્ટર તેમજ એસ.કે.યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલ વચ્ચે ગત વિધાનસભાથી ખટરાગ ચાલે છે. જેથી ચેરમેનની ખુરશી બચાવવા ધારાસભ્યએ ગંજબજાર વેપારી મંડળના પ્રમુખની પસંદગીના નિર્ણયમાં પાછી પાની કરી હોવાનુ ચર્ચાય છે.
ત્યારે પ્રશ્ન એ થાય છેકે જો ધારાસભ્ય ઋષિભાઈ પટેલે ગંજબજાર વેપારી મંડળની પ્રમુખની ચુંટણીમાં સમાધાનકારી વલણ અપનાવ્યુ તો, વિસનગર વેપારી મહામંડળના પ્રમુખની પસંદગી પ્રક્રિયામાં કેમ સમાધાનકારી વલણ અપનાવ્યુ નહી? ખોટા આગ્રહ અને ખોટી મુમતના કારણે આજ વિસનગર વેપારી મહામંડળના બે ભાગ પડી ગયા છે. ગંજબજારની જેમ ધારાસભ્યએ વિસનગર વેપારી મહામંડળમાં સમાધાન માટે રસ દાખવ્યો હોત તો આજ શહેરના વિવિધ એસોસીએશનોમાં જે ઝઘડા ઘુસ્યા છે તે સ્થિતિનુ નિર્માણ થયુ ન હોત. વેપારી મહામંડળમા સમાધાનકારી નિતિ નહી અપનાવતા અને ગંજબજાર વેપારી મંડળમાં સમાધાન કરતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલની બેધારી નિતિ છતી થઈ છે. ઋષિભાઈ પટેલ પહેલા ધારાસભ્ય હતા પરંતુ રાજકારણી નહોતા પણ હવે રાજકારણનાં ગુણ જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Top