You are here
Home > News > વિસનગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દંડની જોગવાઈઓ સાથે પબ્લીક હેલ્થ બાયલોઝનો ઠરાવ

વિસનગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દંડની જોગવાઈઓ સાથે પબ્લીક હેલ્થ બાયલોઝનો ઠરાવ

વિસનગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત
દંડની જોગવાઈઓ સાથે પબ્લીક હેલ્થ બાયલોઝનો ઠરાવ

ગત સભાની મીનીટ્‌સ બુક વંચાણે લઈ કેટલાક ઠરાવોને બહાલી આપતા પહેલા વિવાદીત ઠરાવોને લઈ વિરોધપક્ષ દ્વારા ભારે હોબાળો કરાયો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો ત્યારથી સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યુ છે. જેમાં સ્વચ્છતાના ચેરમેન રંજનબેન દર્શનભાઈ પરમાર જોલી પુરેપુરો સહકાર આપી રહ્યા છે. પબ્લીક હેલ્થ બાયલોઝનુ ઘડતર અને અમલીકરણ માટે પાલિકાની ખાસ સાધારણ સભા મળી હતી. જેમાં દંડનીય જોગવાઈઓ સાથે ઠરાવ કરવામાં આવ્યો છે. ખાસ સાધારણ સભામાં ગત જનરલના કેટલાક વિવાદીત ઠરાવને બહાલી આપતા પહેલા વિરોધપક્ષના સભ્ય ગીરીશભાઈ પટેલે પાલિકા પ્રમુખને આડેહાથ લઈ ભારે વિરોધ સાથે હોબાળો કર્યો હતો.
વિસનગર પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની અધ્યક્ષતામાં તા.૧૨-૯-૨૦૧૮ ને બુધવારના રોજ ખાસ સાધારણ સભા મળી હતી. જેમાં ચીફ ઓફીસર સંજયભાઈ પટેલ, દંડક જશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળેલ આ ખાસ સાધારણ સભામાં પબ્લીક હેલ્થ બાયલોઝનુ ઘડતર અને અમલીકરણ કરવા, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે મટીરીયલ રીકવરી ફેસીલીટી સેન્ટર તૈયાર કરવા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ડી.પી.આર મંજુર કરવા, સુંશી રોડ ઉપર આવેલ કચરાના સ્ટેન્ડની બાજુમાં મૃત ઢોરનો નિકાલ જાહેરમાં ખુલ્લામાં કરતા મૃત ઢોરનો નિકાલ કરવા સારૂ ઈન્સીરેશન પ્લાન્ટ કે ગેસ સગડી નાખવા તથા ધર્મશાળાના રીપેરીંગ માટેના ઠરાવો કરવા ચર્ચા હાથ ધરવામાં આવી હતી. સભાની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી બાજપાઈ તથા પાલિકાના પૂર્વ કોર્પોરેટર સ્વ.રામાભાઈ અંબારામ પટેલને બે મીનીટનુ મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.
સભામાં ગત સભાની મીનીટ્‌સ બુક વંચાણે લઈ સર્વાનુમતે બહાલી આપવાનો ઠરાવ કરતા પહેલા વિરોધપક્ષના સભ્ય ગરીશભાઈ પટેલે ઠરાવ નં.૬૪,૬૫, ૬૬,૬૭,૬૮ અને ૭૦ માં વિવિધ ગ્રાન્ટોમાં અંદાજો બનાવી, મંજુરી મેળવી નિયમાનુસાર કામગીરી કરવા તથા વધારાનો ખર્ચ મંજુર કરવા પ્રમુખને સત્તા આપતો ઠરાવ કરવામાં આવતા વાંધો ઉઠાવ્યો હતો કે જે કામગીરી થઈ નથી તે કામગીરી માટે વધારાનો ખર્ચ મંજુર કરવા પ્રમુખને સત્તા ક્યાંથી આપી શકાય? જેમના વિરોધથી વધારાના ખર્ચ માટે પ્રમુખને સત્તા આપતી વિગત કાઢી નાખવામાં આવી હતી. ગત સભાના ઠરાવ નં.૮૫ ને બહાલી આપવા બાબતે ગીરીશભાઈ પટેલે વિરોધ કરતા જણાવ્યુ હતું કે, જે કોન્ટ્રાક્ટર જમાઈપરા વરસાદી પાણીની કેનાલની કામગીરીમાં સળીયા ચોરી કરતા ઝડપાયો છે તેની સામે પોલીસ ફરિયાદ કરવા તત્કાલીન ઈન્ચાર્જ ચીફ ઓફીસરે પાલિકાના એન્જીનીયરને અધિકૃત કર્યો છે. ત્યારે આવા કૌભાંડી કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ ચાલુ રાખી તેની પાસે ટેન્ડરમાં જણાવ્યા પ્રમાણે કામ કરાવવા, કામના બીલો ચુકવવા તેમજ એજન્સીને બ્લેક લીસ્ટમાં નહી મુકવા અને પોલીસ ફરિયાદ નહી કરવાનો ઠરાવ કેવીરીતે કરી શકાય. આ ઠરાવ થશે અને સભ્યો સંમતી આપશે તો કોન્ટ્રાક્ટરે કરેલા ગુનામાં ઠરાવને સંમતી આપનાર તમામ સભ્યો ફસાશે. આર એન્ડ બીનો રીપોર્ટ આપ્યો નથી તે પહેલા કોન્ટ્રાક્ટર યોગ્ય છે તે કંઈ રીતે કહી શકાય. આ કેનાલની તમામ કામગીરી ટેન્ડર પ્રક્રિયા નવેસરથી કરવી જોઈએ. પાલિકાના જુના ટ્રેક્ટર એક્ષ્ચેન્જ કરી નવા ટ્રેક્ટર ખરીદીમાં પણ જુના ટ્રેક્ટર હરાજી વગર એક્ષ્ચેન્જ કરી શકાય નહી. આ ટેન્ડરમાં મોટી ગેરરીતી થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.

જેના માટે ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી તે પબ્લીક હેલ્થ બાયલોઝમાં કેવા નિયમો બનાવવામાં આવ્યા તે જોઈએ તો, ઘન કચરાને ખુલ્લામાં, શેરીઓમાં, જમીન પર, બગીચામાં, જાહેર સ્થળોમાં બાળવા પર સંપુર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઘન કચરો પેદા કરનાર દ્વારા કચરાનો યોગ્ય નિકાલ કરવાની જવાબદારી ઘનકચરો પેદા કરનારની નક્કી કરવામાં આવી છે. જેમાં કચરો બાળનાર કે જાહેરમાં નિકાલ કરનાર વ્યક્તિ પાસેથી પ્રથમ ગુના માટે રૂા.૧૦૦ કે તેથી વધુ દંડ કરવાનુ તથા ફરીથી ગુનો કરનાર માટે રૂા.૫૦૦ થી ૫૦૦૦ સુધી દંડ વસુલવાનો ઠરાવ કરાયો છે. જેમાં દુકાનદારનુ લાયસંસ રદ કરવા, પાણીનુ કનેક્શન કાપવા તથા વારંવાર ગુનો કરે તો પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવા સુધીની દંડનીય જોગવાઈઓ કરવામાં આવી છે. પબ્લીક હેલ્થ બાયલોઝનુ ઘડતર કરી તેનુ અમલીકરણ કરવા આ ઠરાવ મંજુરી અર્થે મોકલી આપવામાં આવ્યો છે. જેના દંડની રકમ અને નિતિ નિયમો મંજુર થયા બાદ તેનો અમલ કરવામાં આવશે.

Leave a Reply

Top