You are here
Home > News > બપોરના એકાંતના સમયે મહિલાઓને ભોગ બનાવાય છે બપોરે અગરબત્તી વેચવા આવતી ઠગ ટોળકીથી ચેતો

બપોરના એકાંતના સમયે મહિલાઓને ભોગ બનાવાય છે બપોરે અગરબત્તી વેચવા આવતી ઠગ ટોળકીથી ચેતો

બપોરના એકાંતના સમયે મહિલાઓને ભોગ બનાવાય છે
બપોરે અગરબત્તી વેચવા આવતી ઠગ ટોળકીથી ચેતો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
અત્યારે વિસનગરમાં ઘેર ઘેર અગરબત્તી વેચવાના બહાને ઠગ ટોળકી ફરી રહી છે. આ ઠગ ટોળકી બપોરે એકલતાનો લાભ લઈ મહિલાઓને ભોગ બનાવી સોના, ચાંદીના દાગીના પડાવી લે છે ત્યારે બપોરના સમયે સોસાયટીમાં ફરતા આવા અજાણ્યા ફેરીયાઓથી મહિલઓએ ચેતતા રહેવાની જરૂર છે. વિસનગરમાં આવા બે થી ત્રણ બનાવ બન્યા હોવાનુ જાણવા મળ્યુ છે. જેમાં ઠગ ટોળકીના કારણે સોનાના દોરા અને બંગડીઓ ગુમાવવા વારો આવ્યો છે.
વિસનગરમાં અત્યારે વિવિધ ઠગ ટોળકીઓનો ભારે ત્રાસ વધી ગયો છે. આવા ઠગારા વિવિધ કીમીયા અજમાવી લોકોને ઠગી રહ્યા છે. જેમાં કેટલાક લોકો લાલચમાં આવી ઠગાય છે. જ્યારે કેટલાકને કેમીકલથી બેભાન કરીને, તો કેટલાકને રૂમાલ સુંઘાડી ચીત્તભ્રમ કરીને ઠગવામાં આવે છે. અત્યારે વિસનગરના અગરબત્તી વેચવાના બહાને ફરતી ઠગ ટોળકી મહિલાઓને નિશાન બનાવી ઠગી રહી છે.
વિસનગરમાં જાણવા મળ્યા પ્રમાણે કેટલીક સોસાયટીઓમાં બપોરના સમયે જ્યારે ચહલ પહલ ઓછી હોય તેવા સમયે અગરબત્તી વેચવાના બહાને ફરતા ફેરીયાઓ મહિલાઓને ભોગ બનાવે છે. આ ફેરીયા અગરબત્તી વેચવાના બહાને આવે છે. જે બપોરના સમયે સોસાયટી વિસ્તારમાં ફરે છે. બપોરે સોનાનો દોરો, બંગડીઓ, બુટ્ટીઓ પહેરેલી મહિલા ઘરની બહાર વરંડામાં કામ કરતી દેખાય ત્યારે અગરબત્તી વેચવાવાળા ફેરીયા અગરબત્તી વેચવાના બહાને મહિલા પાસે પહોચી જાય છે. ફેરીયાના નકાબમાં આવેલા આ ઠગ અગરબત્તીની કેવી સુગંધ આવે છે તે બતાવવા અગરબત્તી સળગાવે છે. જે અગરબત્તી મહિલાના આગળ ફેરવતાં અગરબત્તીના ધુમાડાના કારણે મહિલા અર્ધબેભાન બની જાય છે. મહિલા ચીત્તભ્રમ થાય છે. જે મહિલા ઠગ ટોળકીના કાબુમાં આવી જાય છે અને ઠગ કહે તે પ્રમાણે દોરો, બંગડીઓ, બુટ્ટીઓ ઉતારીને આપી દે છે. વિસનગરમાં આવા બે થી ત્રણ બનાવો બન્યા હોવાનુ જાણવા મળ્યુ છે. જેથી બપોરના સમયે ઘરમાં, ઘરની બહાર આંગણામાં કે વરંડામાં કામ કરતી મહિલાઓએ ખાસ ચેતીને રહેવાની જરૂર છે. આબરૂના ડરથી ઠગારાઓનો ભોગ બનેલી મહિલાઓએ પોલીસ સુધી ફરિયાદ કરી નથી પરંતુ અન્ય મહિલાઓ આવા ઠગારાઓનો ભોગ ન બને તે વિચારીને ભોગ બનેલ મહિલાઓએ પુરી નિડરતાથી આગળ આવવુ જોઈએ.

Leave a Reply

Top