You are here
Home > News > મધ્યમવર્ગને પોષાય તેવી એસ.ટી.ની ટૂંકા રૂટ માટે યોજના લગ્ન પ્રસંગો માટે બસ રાહતદરે મળશે

મધ્યમવર્ગને પોષાય તેવી એસ.ટી.ની ટૂંકા રૂટ માટે યોજના લગ્ન પ્રસંગો માટે બસ રાહતદરે મળશે

મધ્યમવર્ગને પોષાય તેવી એસ.ટી.ની ટૂંકા રૂટ માટે યોજના
લગ્ન પ્રસંગો માટે બસ રાહતદરે મળશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
લગ્ન પ્રસંગમાં નજીકના રૂટમાં ખાનગી લક્ઝરી બસ સેવા મોંઘી પડે છે. જેને ધ્યાનમાં રાખી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા લગ્ન પ્રસંગે નજીકના રૂટ માટેના રાહતદર રાખવાની યોજના બનાવી છે. જેનાથી મધ્યમ વર્ગને બસનુ ભાડુ સસ્તુ પડશે.
પહેલા લગ્નપ્રસંગે જાન લઈ જવા માટે મોટા ભાગે એસ.ટી.બસનોજ ઉપયોગ થતો હતો. પરંતુ ટુંકા રૂટમાં એસ.ટી.ના ભાડા મોંઘા પડતા અને બીજી બાજુ ખાનગી લક્ઝરી બસો દ્વારા ટુંકા રૂટમાં ઉચ્ચક ભાડા લેવામાં આવતા જાન લઈ જવા માટે લક્ઝરી બસનો ઉપયોગ વધ્યો હતો. આવી કારમી મોંઘવારીમાં લગ્નપ્રસંગે જાન જોડવા રાહતદરે બસ મળી રહે તે માટે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા નજીવાદરે એસ.ટી. બસ ભાડે આપવાની યોજના બનાવી છે. જેમાં લોકોને લગ્ન પ્રસંગો માટે ખાનગી બસ વાહનના વિકલ્પરૂપે એસ.ટી.નિગમની બસ વધુ સસ્તા ભાડામાં અને સરળતાથી ઉપલબ્ધ બનશે. એસ.ટી.નિગમ દ્વારા રાહતદરે મીડી(નાની) બસનુ શું ભાડુ રાખવામાં આવ્યુ છે તે જોઈએ તો, (૧) જતા આવતા ૪૦ કી.મી. થતા હોય તો જાન ફક્ત મુકવા માટે આવે તો રૂા.૭૦૦ જ્યારે મુકવા અને લેવા માટે આવે તો રૂા.૧૨૦૦ ભાડુ રાખવામાં આવ્યુ છે. (૨) જતા આવતા ૮૦ કીમી થતા હોય તો જાન મુકવા માટે રૂા.૧૨૦૦ જ્યારે મુકવા અને લેવા માટે આવે તો રૂા.૨૦૦૦ ભાડુ રાખવામાં આવ્યુ છે. (૩) જતા આવતા ૧૨૦ કીમી થતા હોય તો જાન મુકવા માટે આવે તો રૂા.૧૫૦૦ જ્યારે મુકવા અને લેવા માટે આવે તો રૂા.૩૦૦૦ ભાડુ રાખવામાં આવ્યુ છે. મીડી(નાની) બસમાં ૨૦ કીમીથી ઉપર અને ૪૦ કીમીથી અંદર એટલે કે ૨૧ થી ૩૯ કીમી સુધી કીમી દીઠ રૂા.૨૫ જ્યારે ૪૧ થી ૫૯ કીમી સુધી કીમી દીઠ રૂા.૧૫ ભાડુ રાખવામાં આવ્યુ છે.
સુપર એક્સપ્રેસ બસમાં રાહત દરનું શુ ભાડુ રાખવામાં આવ્યુ છે તે જોઈએ તો, (૧) જતા આવતા ૪૦ કીમી થતા હોય તો જાન ફક્ત મુકવા માટે આવે તો રૂા.૧૦૦૦ અને મુકવા તથા લેવા માટે આવે તો રૂા.૨૦૦૦ (૨) જતા આવતા ૮૦ કીમી થતા હોય તો જાન ફક્ત મુકવા માટે આવે તો રૂા.૨૦૦૦ તથા મુકવા અને લેવા માટે આવે તો રૂા.૪૦૦૦ તેમજ (૩) જતા આવતા ૧૨૦ કીમી થતા હોય તો જાન મુકવા માટે આવે તો રૂા.૩૦૦૦ તેમજ મુકવા તથા લેવા માટે આવે તો રૂા.૬૦૦૦ ભાડુ રાખવામાં આવ્યુ છે. જ્યારે વધારાના ૨૧ થી ૩૯ કીમી સુધી કીમી દીઠ રૂા.૫૦ તેમજ ૪૧ થી ૫૯ કીમી સુધી કીમી દીઠ રૂા.૫૦ ભાડુ રાખવામાં આવ્યુ છે. આ યોજનામાં બસ ભાડે લઈ ગયા બાદ તેને રોકવામાં આવે તો કલાક દીઠ ભાડાનો અલગથી ચાર્જ ભરવાનો થશે. આ અગાઉ નજીકના રૂટ માટે મીનીમમ ભાડુ રૂા.૪૫૦૦ હતું. જે મોઘુ પડતુ હતુ. ત્યારે નજીકના રૂટ માટે એસ.ટી.ની આ રાહતદરની યોજના લગ્નપ્રસંગે ફાયદાકારક રહેશે. લગ્ન પ્રસંગમાં બસના બુકીંગ માટે વિસનગર ડેપોમાં ટે.નં.૨૩૦૧૦૧ ઉપર જુનીયર આસી. મહેશભાઈ ચૌધરીનો સંપર્ક કરી શકાશે.

Leave a Reply

Top