
માર્કેટોની સફાઈ નહી થાય તો ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની વેપારી મહામંડળની ચીમકી
વિસનગર પાલિકાને માર્કેટોની સફાઈ કરવા ગ્રાહક સુરક્ષાની તાકીદ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા દ્વારા સફાઈ વેરો વસુલવાની શરૂઆત કરતા દરેક મિલ્કત ધારકો નિયમિત સફાઈ થાય તેવુ ઈચ્છી રહ્યા છે. ત્યારે માર્કેટોની સફાઈ નહી થાય તો ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની વેપારી મહામંડળ દ્વારા ચીમકી આપવામાં આવી છે. જ્યારે શહેરના તમામ માર્કેટોની સફાઈ કરવા પાલિકાને ગ્રાહક સુરક્ષા દ્વારા તાકીદ કરવામાં આવી છે.
વિસનગર પાલિકા દ્વારા વર્ષોથી રહેણાંક અને કોમર્શીયલ વિસ્તારના વેરા વસુલવામાં આવે છે. ત્યારે પાલિકા દ્વારા અત્યાર સુધી રહેણાક વિસ્તારમાંજ સફાઈ થતી હતી. જ્યારે કોમર્શીયલ વિસ્તારના માર્કેટો ખાનગી છે તેવુ બહાનુ બતાવી માર્કેટોમાં સફાઈ કરવામાં આવતી નહોતી. પાલિકા દ્વારા વર્તમાન વર્ષથી સફાઈ વેરો અને લાઈટ વેરો વસુલવામાં આવી રહ્યો છે. રહેણાંકમાં સફાઈ વેરો રૂા.૧૫૦/- તથા કોમર્શીયલમાં સફાઈ વેરો રૂા.૩૦૦/- વસુલવામાં આવે છે. સફાઈવેરો શરૂ કરવામાં આવતાજ માર્કેટોમાં દુકાન ધરાવતા મિલ્કત ધારકોની માગણી થઈ રહી છેકે હવે માર્કેટોમાં પણ નિયમિત સફાઈ થવી જોઈએ. વેપારીઓની માગણી સંદર્ભે વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ અને મંત્રી ભરતભાઈ પટેલ એકાઉન્ટન્ટ દ્વારા પાલિકા ચીફ ઓફીસર અને પ્રમુખને જણાવાયુ છેકે, પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ અને સફાઈ વેરો શરૂ કરવામાં આવ્યો છે ત્યારે માર્કેટોમાં નિયમિત સફાઈ થવી જોઈએ. લાઈટની પુરતી વ્યવસ્થા થવી જોઈએ. મોટાભાગના માર્કેટોમાં સ્વચ્છતા થતી નહી હોવાથી વેપારીઓને જાતે સ્વચ્છતા કરવી પડે છે. માર્કેટોમાં અત્યારે ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. વેરો વસુલાય છે ત્યારે લાઈટ અને સફાઈની સુવિધા આપવી તે પાલિકાની પ્રાથમિક ફરજ છે. માર્કેટોમાં સફાઈ થાય અને કચરો ઉપાડવામાં આવે તેવી વ્યવસ્થા કરવી. માર્કેટોમાં આ સુવિધા આપવામાં નહી આવે તો નાછુટકે ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. જેનાથી ઉપસ્થિત થતી તમામ જવાબદારી પાલિકાની રહેશે.
વેપારી મહામંડળ દ્વારા આ અંગે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ તથા પાલિકા સંકલન સમિતિના પ્રમુખ ગોરધનભાઈ સી.પટેલને પણ જાણ કરવામાં આવી છે. જે સંદર્ભે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફીસરને જણાવાયુ છેકે, દુકાનો, ઓફીસો ધરાવનાર વેપારી પાસેથી સફાઈ વેરો રૂા.૩૦૦/- વસુલવામાં આવે છે. પાલિકા વેરા વસુલે તો કોમર્શીયલ વિસ્તારમાં સફાઈ પણ થવી જોઈએ. પરંતુ પાલિકા દ્વારા માર્કેટોમાં સફાઈ થતી નથી. કોમર્શીયલ કોમ્પલેક્ષમાં જેટલા મજલા હોય તેટલા મજલામાં દુકાનો, ઓફીસ આગળથી સફાઈની સુચારૂ વ્યવસ્થા પાલિકા તરફથી ગોઠવવામાં નહી આવે તો પાલિકા સામે કાનૂની કાર્યવાહી કરવાની ફરજ પડશે. ૧૯૮૬ ના ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે નાણાં ચુકવી સેવા મેળવનાર વ્યક્તિ પાલિકાના ગ્રાહક ગણાય, તેમને જરૂરી સેવા પુરી પાડવી એ પાલિકાની ફરજ છે. વેરો ભરનારને જો પુરતી સુવિધા પુરી પાડવામાં નહી આવે તો ના છુટકે સેવા સદન સામે કાનુની કાર્યવાહી કરવાની ફરજ પડશે. આ બાબતે વેપારી મહામંડળના હોદ્દેદારો તથા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ પાલિકામાં રૂબરૂ જઈને ચીફ ઓફીસર તથા પ્રમુખ સમક્ષ રજુઆત કરી હતી. ત્યારે હવે જોવાનુ રહ્યુ કે પાલિકા માર્કેટોની સફાઈ શરૂ કરે છેકે નહી?