You are here
Home > News > ગુજરાતમાં પ્રાન્તવાદ ઘૂસશે તો ગુજરાતની ઔદ્યોગિક અધોગતિ

ગુજરાતમાં પ્રાન્તવાદ ઘૂસશે તો ગુજરાતની ઔદ્યોગિક અધોગતિ

ગુજરાતમાં પ્રાન્તવાદ ઘૂસશે તો ગુજરાતની ઔદ્યોગિક અધોગતિ
હિંમતનગરના ઢુઢર ગામમાં ૧૪ માસની બાળા ઉપર બિહારી યુવાન દ્વારા દુષ્કર્મ આચરવાના મુદ્દે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે પડઘા પડ્યા છે. આરોપીને મોતની સજા થવી જોઈએ અને તે પણ ઝડપી તેવી માંગ ઊઠી છે આરોપીનું કૃત્ય માફ ન કરી શકાય તેવું છે. તેનો ગુનો અક્ષમ્ય છે. તેને મોતની સજા નહિ પણ આરબ દેશોની જેમ તેને લોકો પથ્થર મારીને મારી નાંખવાની સજા કરાય તો પણ તે જે કૃત્ય કર્યુ છે તેના પ્રમાણમાં ઓછી છે. આ મુદ્દા સાથે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતિયોને હાંકી કાઢવાની માંગ ઊઠી છે તે ખરેખર દેશને નુકશાન કરનારી માંગણી છે. ભારત દેશના તમામ નાગરીક ભારતીયો છે. તેમને દેશના ગમે તે રાજ્યમાં વસવાટ કરવાનો અધિકાર છે. વ્યક્તિ ગમે તે રાજ્યનો હોય પણ તે છેવટે ભારતીય જ છે. તેને કાઢી મૂકવાની વાત અસ્થાને છે. ગુનો કર્યો બિહારી યુવાને અને વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા, ઉંઝા, પાટણ અને બીજા શહેરોમાં પાણીપુરીની લારીઓ બંધ કરાઈ રાજસ્થાનીઓની આ લોકોનો શું વાંક? તે જો ગુનેગારોને સહકાર આપતા હોય ગુનેગારને સંતાડ્યો હોય તો તેમની ઉપર જુલમ યોગ્ય છે. આ તો પાડાના વાંકે પખાલીને ડામ જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. ગુજરાતી કવિ કહી ગયા છે “સંપત હોય તો ઘર ભલા, નહિ તો ભલો પરદેશ” ગુજરાત રાજ્યમાં વસતા અન્ય રાજ્યના લોકોને તેમના રાજ્યમાં જમીન નથી, મજુરી મળતી નથી. જેથી તે રોટલો રળવા ગુજરાતના આશરે આવ્યા છે અને વર્ષોથી આવેલા લોકો દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે. તેમનો કોઈ ઉપદ્રવ નથી. કોઈ માથાકૂટ નથી. પછી તેમના ઉપર જુલમ શા માટે? વડનગર પાસેના સુલતાનપુરા ગામમાં હિમાલયા પ્રા.લી. ઉપર ઠાકોર સેનાના યુવાનોએ પરપ્રાંતિયોને કાઢો તેવી માંગણી સાથે હુમલો કર્યો હતો. હુમલો ખરેખર યોગ્ય નથી. હિમાલયા પ્રા.લી.સુલતાનપુરામાં આવવાથી સ્થાનિક લોકોને બીજી રીતે જુદા જુદા ફાયદા થયા જ છે. રહી વાત સ્થાનિકોને નોકરીની જે ટેકનીકલ જ્ઞાનવાળા લોકો જોઈએ ત્યાં ટેકનીકલ જ્ઞાનવાળા જ ચાલે. સ્થાનિક લોકો પાસે ટેકનીકલ જ્ઞાન ન હોય તો બહારથી લોકો લાવવાજ પડે. આ સુલતાનપુરાની વાત છે. પણ ગુજરાત રાજ્યમાં તમામ ઉચ્ચ હોદ્દા ઉપર પરપ્રાન્તના રેડ્ડી, ડીકે, ટીકે, રંગનાથન, સ્વામી છે. ગુજરાતીઓ આઈ.એ.એસ.કક્ષાએ ઘણા ઓછા પ્રમાણમાં છે. જેથી પરપ્રાંતીઓ આપણા ઉપર રાજ કરે છે. તે પણ પરપ્રાંતિયો નથી તે પણ ભારતીયોજ છે. વડનગર, ખેરાલુ, સતલાસણા, દાંતા પંથકના લોકો જો પરપ્રાંતિયોનો વિરોધ કરશે તો નરેન્દ્રભાઈ મોદી આ વિસ્તારનો વિકાસ કરવા માંગે છે મોટા મોટાઈન્ડસ્ટ્રીયાલીસ્ટો પર પ્રાંતિય છે. તેમને જો ઉત્તર ગુજરાતના પ્રાંતવાદની ખબર પડશે તો કદિ મોટી ઈન્ડસ્ટ્રીઝો ઉત્તર ગુજરાતના ગઢવાડા પંથકમાં આવશે નહિ. મોટી ઈન્ડસ્ટ્રીઝો સ્થાનિક લોકોને તો તેમની આવડત પ્રમાણે નોકરી રાખે જ છે બધી જગ્યા ઉપર સ્થાનિક લોકોએ આગ્રહ રાખવો નહિ. જેનુ કામ જે હોય તેજ કરે. પરપ્રાંતની વાત કરનાર જાણે કે દેશના સીમાડે દેશનુ રક્ષણ કરતાં સૈનિકો ગુજરાતી નથી. ગુજરાતીઓએ તો કદિ પણ પરપ્રાંતની વાત કરવાની આવતી જ નથી. આખા ભારતમાં આખા વિશ્વમાં એકપણ એવું શહેર નથી કે ત્યાં ગુજરાતી ન હોય. ભારતમાં જો પ્રાંતવાદનો સડો લાગશે તેનું મોટામાં મોટુ નુકશાન ગુજરાતનેજ છે. બહારના દેશો અને રાજ્યોમાંથી જો ગુજરાતઅીઓ પાછા આવશે તો ગુજરાતમાં ઊભા રહેવાની જગ્યા મળશે નહિ, ગુજરાતમાં બહારથી આવેલા લોકોને સમાવવાની ક્ષમતા નથી. માટે પ્રાંતવાદની વાત કરવી તે અસ્થાને છે. દેશની આઝાદીના સાત દાયકા પછી પ્રાન્તવાદની વાત કરવી તે અયોગ્ય છે. આજે સમય આવ્યો છે રાષ્ટ્રવાદનો, બધાયે એકજ અવાજે બોલવું પડશે આપણે બધા ભારતીયો છીએ.
નોંધ-જો તમને તંત્રીનુ સુચન યોગ્ય લાગ્યુ હોય તો આ તંત્રીલેખ તમે સોશીયલ મીડીયા ઉપર વાયરલ કરશો તો ગુજરાતની સેવા થશે.

Leave a Reply

Top