You are here
Home > News > દ્વેષભાવમાં કે મળતર નહી રહેતુ હોવાના કામોને અવગણતા હોવાની ચર્ચા વિસનગર તાલુકાના ૩૦ સરપંચોની નિષ્ક્રીયતાથી ૯૫ લાખના કામ ખોરંભે

દ્વેષભાવમાં કે મળતર નહી રહેતુ હોવાના કામોને અવગણતા હોવાની ચર્ચા વિસનગર તાલુકાના ૩૦ સરપંચોની નિષ્ક્રીયતાથી ૯૫ લાખના કામ ખોરંભે

દ્વેષભાવમાં કે મળતર નહી રહેતુ હોવાના કામોને અવગણતા હોવાની ચર્ચા
વિસનગર તાલુકાના ૩૦ સરપંચોની નિષ્ક્રીયતાથી ૯૫ લાખના કામ ખોરંભે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના ૩૦ ગામમાં ૫૬ વિકાસના કામ સરપંચોની નિષ્ક્રીયતાના કારણે ખોરંભે પડ્યા છે. સરપંચોની વ્હાલા દવાલાની નિતિના કારણે તેમજ કોઈ મળતર ન હોય તેવા લગભગ રૂા.૯૫ લાખના કામ થતા નહી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. જોકે વિકાસ કામમાં નિષ્ક્રીયતા દાખવતા સરપંચોને તાલુકા પંચાયત દ્વારા નોટીસો આપી હોવાનુ પણ જાણવા મળ્યુ છે. સરપંચો વિકાસ કામ પ્રત્યે ઉદાસીનતા રાખશે તો હોદ્દા ઉપરથી દુર કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે તેવુ તાલુકા પંચાયત તંત્ર દ્વારા જાણવા મળ્યુ છે.
ગામડામાં રહેતા લોકો ગામડામાં સુવિધાઓ વધે, ગામડાનો વિકાસ થાય, ગામમાં રહેતા લોકોની સુખાકારી વધે તેવા આશયથી ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચોને ચુંટી ગ્રામ પંચાયતની જવાબદારી સોપે છે. ત્યારે હોદ્દા ઉપર આવી ગયા બાદ પોતે આજીવન સરપંચ રહેવાના હોય તેમ સત્તાના મદમાં આવી વહિવટ કરતા હોવાના કારણે છેવટે આવા સરપંચોને ગ્રામજનોની નારાજગીનો ભોગ બનવુ પડે છે. વિસનગર તાલુકાના લગભગ ૩૦ ગામ એવા છેકે જ્યાં વિવિધ ગ્રાન્ટના રૂા.૯૫,૦૬,૫૫૪ વપરાયા વગર પડી રહ્યા છે. કંઈ ગ્રાન્ટના કેટલા રૂપિયા પડી રહ્યા છે તે જોઈએ તો, વર્ષ ૧૬-૧૭-૧૮ ના આયોજનના રૂા.૩૦,૭૧,૨૦૦, ખાસ અંગભૂતના રૂા.૫,૯૦,૭૫૪, ૫ ટકા, રૂા.૯,૦૦,૦૦૦, વર્ષ ૧૫-૧૬,૧૬-૧૭ અને ૧૭-૧૮ એમ.પી.ફંડના રૂા.૨૧,૯૯,૮૦૦, વર્ષ ૧૫-૧૬ થી ૧૭-૧૮ એટીવીટીના રૂા.૭,૪૪,૦૦૦, વર્ષ ૧૬-૧૭, ૧૭-૧૮ ધારાસભ્ય ફંડના રૂા.૧૮,૦૦,૫૦૦/- તથા રાષ્ટ્રીય પર્વ વર્ષે ૧૬-૧૭ ના રૂા.૨,૦૦,૦૦૦ એમ કુલ રૂા.૯૫,૦૬,૫૫૪/- સરપંચોની નિષ્ક્રીયતાના કારણે વપરાયા વગરના પડી રહ્યા છે.
વિકાસ કામો પ્રત્યે સરપંચોની નિષ્ક્રીયતા અને ઉદાસીનતાના કારણે વરંડા, સ્મશાનગૃહ, ગટરલાઈન, પુર સંરક્ષણ દિવાલ, મુતરડીઓ, સ્મશાનના શેડ, વરસાદી પાણીના નિકાલની લાઈન, પીવાના પાણીની લાઈન, સી.સી.રોડ, બાળકોને જમવા માટે ભોજન શેડ, પીકઅપ સ્ટેન્ડ, ગરનાળુ વિગેરે વિકાસના કામો થઈ શકતા નથી. કયા કારણોસર આ ગ્રાન્ટ વાપરવામાં અને વિકાસ કામમાં સરપંચો ઉદાસીનતા સેવે છે તે બાબતે જાણવા મળ્યા પ્રમાણે સરપંચો સારૂ મળતર મળે તેવા કામ પ્રથમ કરે છે અને મળતર ન હોય તેવા કામ કરવામાં નિષ્ક્રીયતા દાખવે છે. કેટલાક કામ જુના સરપંચે મંજુર કર્યા હોય અને નવા સરપંચ આવતા રાજકીય દ્વેષભાવ કે જુથવાદના કારણે થતા નથી. તો કેટલાક ટેકનીકલ કારણોને લઈ વિકાસ કામ પડી રહ્યા છે. તાલુકાના કયા ગામમાં કેટલા કામ બાકી છે તે જોઈએ તો, વાલમ-૧, ઉમતા-૧૨, સાતુસણા-૧, બાસણા-૩, મગરોડા-૧, જેતલવાસણા-૧, વિષ્ણુપુરા(ખ)-૧, દઢિયાળ-૨, કુવાસણા-૧, કામલપુર(ખ)-૧, ગુંજાળા-૩, ગણપતપુરા-૧, ગોઠવા-૩, રામપુરા(લા)-૨, રામપુરા-૩, રામપુરા(કાં)-૧, ભાન્ડુ-૧, કમાણા-૨, કાંસા એન.એ.-૧, જેતલવાસણા-૨, પુદગામ-૧, બેચરપુરા-૧, બાકરપુર-૧, વડુ-૧, દેણપ-૧, કંસારાકુઈ-૧, ગુંજા-૨, સેવાલીયા-૧, ચીત્રોડામોટા-૧ તથા રાલીસણા-૧ આમ કુલ ૩૦ ગામના ૫૬ વિકાસ કામ સરપંચોની નિષ્ક્રીયતા ગણો, ઉદાસીનતા ગણો કે અણઆવડત ગણો પણ આ વિકાસ કામ થતા નથી.
ભૂતકાળમાં વિકાસ કામો પ્રત્યે નિષ્ક્રીય રહેનાર સરપંચોને જીલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યાના દાખલા છે. આ વિકાસ કામ નહી કરતા કેટલાક સરપંચોને ટીડીઓએ નોટીસ આપી વિકાસ કામ સત્વરે પુર્ણ કરવા જણાવ્યુ છે. વિકાસ કામમાં ઉદાસીનતા સેવે તેના વિરુધ્ધ ૫૭(૧) મુજબ કાર્યવાહી કરવા પણ જીલ્લા વિકાસ અધિકારીમાં દરખાસ્ત કરવાનું વિચારવામાં આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.

Leave a Reply

Top